આ માત્ર શબ્દો નથી, પરંતુ જીવનનો મૂલ્યવાન સિદ્ધાંત છે. શબ્દોમાં એવી શક્તિ છે કે તે સંબંધો બનાવે છે, નષ્ટ કરે છે, પ્રેરણા આપે છે કે ઘા પણ કરે છે. આજના ઝડપી અને ડિજિટલ યુગમાં, જ્યાં સોશિયલ મીડિયા પર એક શબ્દ પણ મોટો વિવાદ ઊભો કરી શકે, આનું મહત્વ વધુ વધ્યું છે. વિચાર્યા વિના બોલેલા શબ્દો ઘણીવાર સંબંધોમાં તિરાડ પેદા કરે છે. ઉદાહરણ તરીકે, ગુસ્સામાં બોલાયેલું એક વાક્ય કુટુંબ કે મિત્રો વચ્ચે દૂરી લાવી શકે. બીજી તરફ, વિચારપૂર્વક બોલેલા શબ્દો નિરાશ વ્યક્તિને પ્રોત્સાહન આપી શકે છે.
ગુજરાતી સાહિત્યમાં પણ નરસિંહ મહેતા કે દયારામના શબ્દો આજે પણ લોકોને પ્રેરે છે, કારણ કે તેમના શબ્દોમાં વિચાર અને ભાવનાનું સંતુલન હતું. આજે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને ઝઘડાઓનું મુખ્ય કારણ અવિચારી શબ્દો છે. એક ટ્વીટ કે કોમેન્ટ સમાજમાં ગેરસમજ ફેલાવી શકે છે. તેથી, બોલતા પહેલાં શબ્દોની અસર, સંદર્ભ અને પરિણામો વિશે વિચારવું જરૂરી છે. શબ્દોનો ઉપયોગ સમજદારીથી કરીએ તો તે સમાજમાં એકતા, પ્રેમ અને સકારાત્મકતા લાવી શકે. આવો, “હજાર વાર વિચારીને બોલજો”ના સિદ્ધાંતને અપનાવીએ. શબ્દોને પ્રેમ, સત્ય અને સમજણનું માધ્યમ બનાવી, જીવનને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવીએ.
સુરત – સંજય સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.