Dakshin Gujarat

બોલો, દમણમાં એક્સાઈઝ વિભાગના ગોડાઉનમાંથી ચોરો દારૂ ચોરી ગયા, 9 પકડાયા

દમણ: ગત 3 જાન્યુ.ના રોજ તસ્કરોએ દમણ કિલ્લા ક્ષેત્રમાં એક્સાઈઝ વિભાગના ગોડાઉનમાંથી 14 લાખના દારૂના જથ્થાની સનસનીખેજ ચોરીને અંજામ આપ્યો હતો. જો કે આ કેસને દમણ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે દારૂ ચોરીના ગુનામાં દમણના 7 અને વાપીના 2 મળી કુલ 9ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 7 જાન્યુઆરીના રોજ મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે એક્સાઈઝ વિભાગના નિરીક્ષક એલ્ફિન્સ્ટન અજવેદોએ પોતાની ફરિયાદ દાખલ કરાવી હતી કે, 3 જાન્યુઆરીના રોજ મોટી દમણ કિલ્લા ક્ષેત્રની અંદર આવેલા પી.ડબલ્યુ.ડી.ના ગોડાઉનમાં એક્સાઈઝ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

3 જાન્યુઆરીના રોજ રાત્રે પોણા નવ વાગ્યે ગોડાઉન પર જતાં ગોડાઉનના તાળા બહારથી બરાબર હતા પરંતુ ગોડાઉનમાં પ્રવેશ કર્યા બાદ ઉપરની હરોળની રેકમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ગાયબ થઈ ગયો હોવાનું જણાયું હતું. જેમાં 15,420 નંગ દારૂની બોટલ, પી.ઈ.ટી., કેન, ટેટ્રા પેક મળી 14 લાખના 375 જેટલા બોક્સ ગાયબ થઈ ગયા હોવાનું જણાયું હતું. સાથે છતના પતરા કાઢીને કોઈ ચોર ઈસમો અંદર પ્રવેશી ચોરી કરી ગયા હોવાનું જણાયું હતું.

આ પ્રમાણેની ફરિયાદ પોલીસ મથકે દાખલ કરાવતા જ પોલીસે આ મામલે સ્થળ પર જઈ જરૂરી તપાસ શરૂ કરી પોલીસ ચોપડે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગોડાઉન તથા આસપાસના રસ્તાઓ પર લગાવેલા સી.સી.ટીવી કેમેરા ફૂટેજ એકત્ર કરી તપાસ કરી રહી હતી.

પોલીસના વિશ્વસનીય સૂત્રો પાસેથી ટીમને માહિતી મળી કે, આ કામમાં મોટી દમણમાં રહેતા વિશાલ હળપતિની સંડોવણી છે. જેની જાણકારી મળતા જ પોલીસે વિશાલ હળપતિને પોલીસ મથકે લાવી સઘન પૂછતાછ કરતા જ વિશાલે તેનો ગુનો કબુલ કરી આ કામ તેના એક સાથી મિત્ર હિરલ તથા અન્ય 7 થી 8 જણાની સાથે આચર્યો હોવાની કબૂલાત કરી લીધી હતી.

ગોડાઉનની રેકી કરી, છતના પતરા કાઢી દારૂ ચોર્યો અને વાંકલમાં વેચી માર્યો
તપાસમાં વિશાલ હળપતિએ પોલીસને જણાવ્યું કે, પહેલા તેણે એક્સાઈઝ વિભાગના ગોડાઉન પર તમામ ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું અને 3 જાન્યુઆરીના રોજ તેણે ગોડાઉનના પાછળના ભાગે જઈ છતના પતરા કાઢી સાથી મિત્રો સાથે ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે પોલીસે ચોરી કરાયેલા દારૂના જથ્થા વિશે પકડાયેલા આરોપી હિરલ હળપતિને પૂછતાં તેણે દારૂનો જથ્થો વાંકડમાં રહેતા દક્ષેશ હળપતિને વેચ્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે વાંકડ ગામ જઈ દક્ષેશની પણ ધરપકડ કરી દમણ લાવી સઘન પૂછપરછ કરતા તેણે દારૂ ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 9 આરોપીઓને આજે દમણ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે અન્ય આરોપીઓને પકડવાની તથા ચોરી કરાયેલા દારૂના જથ્થાની રિકવરી કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

દારૂ ચોરીના કેસમાં પકડાયેલા આરોપીઓ : વિશાલ ભીખુભાઈ હળપતિ (ઉં. 20 રહે. પરિયારી મોટી દમણ ), હિરલ રમણભાઈ હળપતિ (ઉં. 33 રહે. તળાવ ફળિયા, ભામટી, મોટી દમણ ), દક્ષેશ ઈશ્વરભાઈ હળપતિ (ઉં. 27 રહે. શાળા ફળિયા, મોટી વાંકડ, ભીમપોર, નાની દમણ ), ચિરાગ જગદીશભાઈ હળપતિ (ઉં. 20 રહે. નાઈલા પારડી, મોટી દમણ ), વિશાલ ઉર્ફે નીમુ મહેશ હળપતિ (ઉં. 25 રહે. શાળા ફળિયા, ઝરી, મોટી દમણ ), જીગર રાજુ હળપતિ (ઉં. 19 રહે. નાઈલા પારડી, મોટી દમણ ), પ્રતિક ભીખૂભાઈ હળપતિ (રહે. પરિયારી, મોટી દમણ ), વિવેક દિપકભાઈ હળપતિ (ઉં. 20 રહે. દેસાઈવાડ, હરણી ફળિયા, વાપી ), હર્ષ દિપકભાઈ હળપતિ (ઉં. 19 રહે. દેસાઈવાડ, હરણી ફળિયા, વાપી ).

Most Popular

To Top