Dakshin Gujarat Main

વાંકલના સાંઈ મંદિરનો દરવાજો તોડતા તસ્કરો લોકોને જોઈ ભાગ્યા, CCTV ફૂટેજ આવ્યા સામે

વાંકલ: માંગરોળના વાંકલ ગામના સાંઈ મંદિરમાં ગઈ કાલે મંગળવારની રાત્રિએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. રાત્રિના અંધારામાં અહીં બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ મંદિરના દરવાજા પર મારેલું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે ગ્રામજનો જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા. લોકોને જોઈ તસ્કરો જીવ બચાવીને ભાગ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મંગળવારે રાત્રે માંગરોળના વાંકલ ગામમાં ચોરીના નિષ્ફળ પ્રયાસનો બનાવ બન્યો હતો. અહીં ગામમાં એક મોટું સાંઈ મંદિર આવેલું છે. મંદિરની દાન પેટીમાં મોટી રકમ હશે તેમ માની તસ્કરો ચોરીના ઈરાદે મંદિરમાં ઘુસવાનો પ્રયાસ ગઈ રાત્રિએ કર્યો હતો. મોડી રાત્રિના સમયે ચોરીના ઈરાદે બે બુકાનીધારી તસ્કરો હથિયાર સાથે ગામમાં પ્રવેશ્યા હતા. તેઓ મંદિરનો દરવાજો અને તાળું તોડવાનો પ્રયાસ કરતા હતા.

ત્યારે અવાજ સાંભળી મંદિરની નજીક રહેતા સ્થાનિક ગ્રામજનોની નજર તસ્કર પર પડી હતી. આ સ્થાનિકોએ બીજા ગ્રામજનોને જગાડ્યા હતા. સ્થાનિક ગ્રામજનો ભેગા થઈ જતા તસ્કરો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા.

તસ્કરોની આ કરતૂત મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે બુકાનીધારી તસ્કરો બિલ્લી પગે ગામમાં પ્રવેશ્યા હતા. તેઓ મંદિરના દરવાજા પાસે જઈ તે તોડવાનો પ્રયાસ કરતા હતા.
સ્થાનિક રહીશ અને ઘટનાને નજરે નિહાળનાર સાગર પટેલે કહ્યું કે, તસ્કરો મંદિરનો દરવાજો તોડવાની કોશિષ કરી હતી તે ત્યારે નજરે પડ્યા હતા. લોકો ભેગા થઈ જતા તસ્કરો ભાગી ગયા હતા. સાગર પટેલે વધુમાં કહ્યું કે, થોડા સમય પહેલાં સાંઈ મંદિર નજીકથી તસ્કરો બાઈક ચોરી ગયા હતા.

Most Popular

To Top