ધરમપુર(Dharampur): ધરમપુરમાં બેંક ઓફ બરોડામાં (BankOfBaroda) ક્રેડિટ કાર્ડના (CreditCard) રૂ.53 હજાર જમા કરવા માટે આવેલા કરંજવેરીના આધેડની થેલીમાં કાપ મારી રૂ.53 હજારની રોકડ ચોરી (Theft) કરી પલાયન થઈ ગયા હતાં. જે બનાવ બનતા ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.
- યુવક પોતાના દાદા સાથે ક્રેડિટ કાર્ડના બિલની રોકડ જમા કરાવવા ગયો હતો
- થેલી દાદાના હાથમાં આપી ને તસ્કર કસબ અજમાવી ગયો
ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના પટેલ ફળિયામાં રહેતા વિરલ જયેશભાઈ પટેલ, પોતાનાં દાદા રવિયા જીવલા પટેલ (ઉં.69) સાથે ધરમપુર શહેરનાં શાકભાજી માર્કેટ વિમેશવર મંદિર ખાતેની બેન્ક ઓફ બરોડામાં સવારે 11 કલાકે ક્રેડિટ કાર્ડનાં 53 હજાર રૂપિયા ભરવા ગયા હતાં. બેન્કમાં કેશ કાઉન્ટરની સામે સ્લીપ ભરવાનાં ટેબલ ઉપર વિરલભાઈ સ્લીપ ભરતાં હતાં અને બાદમાં તેમણે પોતાનાં હાથમાં રહેલી પૈસાની કોટન થેલી દાદાનાં હાથમાં આપી હતી.
તેઓ સ્લીપ ભરતા હતા તે દરમ્યાન દાદા પૈસાની થેલી લઇને ઉભા હતાં. સ્લીપ ભર્યા બાદ પૈસા જમા કરવાનાં સમયે દાદાનાં હાથમાં રહેલી થેલીમાંથી પૈસા ગાયબ થઈ ગયા હતાં. અજાણ્યા ઈસમ બ્લેડ અથવા કોઈ ધારદાર સાધનથી થેલીના નીચેના ખૂણાને કાપીને રૂ.53000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. જે અંગેની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે વિરલ જયેશભાઈ પટેલ નોંધાવી હતી.
બેંક ઓફ બરોડામાં CCTV બંધ : ગ્રાહકોની સુરક્ષાના નામે મીંડું
ધરમુપર બેંક ઓફ બરોડામાં ગ્રાહકના રૂ.53 હજારની ચોરી થઈ છે. બેંકમાં રોજીંદા લાખો રૂપિયાનું ટર્નઓવર થતું હોય છે, જો કે બેંકમાં સુરક્ષાના નામે લગાવેલા સીસીટીવી કેમેરા પણ બંધ અવસ્થામાં જોવા મળ્યા હતાં.