સુરત (Surat): સુરત સહિત રાજ્યભરમાં ઝાડી ઝાંખરીમાં આવેલા બંગલાઓને રાત્રીના દોઢ-બે વાગ્યાના અરસામાં ટાર્ગેટ કરી ચોરી કરતી બંગાળી ગેંગના 5 શખ્સોને ક્રાઇમ બ્રાંચે રાંદેર કોઝવે બ્રિજ નજીકથી પકડી પાડી રાજ્યભરના ચોરીના ગુના ઉકેલી કાઢ્યા છે. રાજયના સાત કરતા વધારે શહેરોમાં પૈકી અમદાવાદ, સુરત, વડોદરા, નડિયાદ, આણંદ, નવસારી જેવા શહેરોમાં મોટો હાથ ફેરો કર્યો હતો. તેમાં હાલમાં બાર લોકોની આ ગેંગ દ્વારા દોઢ કરોડની ચોરીની કબૂલાત કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ પણ ચોંકી ગઇ છે. આ આંકડો કરોડોમાં હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. ગુગલ પર એવા લોકેશન શોધવામાં આવતા હતા જ્યાં રાતવાસો કરી શકાય અને ત્યારબાદ તેઓ ચોરી કરતા હતા. વલસાડ અને નવસારી ફાર્મ હાઉસમાં લાખ્ખોની ચોરી કરી હોવાની વિગત એસીપી સરવૈયાએ જણાવી હતી.
ક્રાઈમ બ્રાંચે રાંદેર કોઝવે બ્રિજના છેડેથી 35 વર્ષિય મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ, 54 વર્ષિય મોહમંદ ફારૂખ ઉર્ફે લીટોન અબ્દુલ શેખ, 30 વર્ષિય હાલીમ આબુલ હુસૈન, 47 વર્ષિય હફીઝુલ મંડલ કીબરીયા મંડળ અને 30 વર્ષિય હસનાન ઉર્ફે સુમન જલાલ ખાનને પકડી પાડ્યા હતા. બ્રાંચે તેઓની પાસેથી ઘરફોડ ચોરીના સાધનો તથા સોના ચાંદીના દાગીનાઓ તથા બે કાંડા ઘડિયાળ, 6 મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા 5400 મળી કુલ રૂ. 42,125ની મત્તા કબજે લીધી હતી. બ્રાંચના માણસોએ તેઓની પુછપરછ હાથ ધરતા તેઓ અગાઉ અજમેર ખાતે ભેગા થયેલા હતા અને ત્યાં મિત્રતા બંધાઇ જતા ચોરીના રવાડે ચઢી જતા હતા. આ પાંચેય શહેર સહિત રાજ્યભરના અલગ અલગ શહેરોમાં રૂમ ભાડે રાખી રાત્રે રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતા હતા.
બંગાળી ગેંગ અગાઉ જયાં પણ રોકાતી તે પહેલા તેઓ ગુગલ મેપના આધારે ઝાંડી ઝાંખરી વાળુ લોકેશન શોધતા હતા અને ત્યારબાદ ત્યાં આવી રેકી કરતા હતા. આ શખ્સો રાત્રે ગુનાની જગ્યા પર ભેગા થયા બાદ ઝાંડી-ઝાંખરામાં છુપાઇ રહેતી હતી અને રાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં ચોરીકરતી હતી. ચોરી કર્યા પછી ફરીથી આ ઝાડીમાં સંતાઇ જતા હતા. ચોરોમાં પણ શુકન અને અપશુકન હોય છે જે ઘરમાં મોટો મુદામાલ મળે તે જ્ગ્યાએ તમામ લોકો બિડી પીને શુકન થયુ હોવાનુ માનતા હતા. ક્રાઇમ બ્રાન્ચ પણ આ શૈલી જોઇને ચોંકી ગઇ હતી.
કયાંના કેટલા ગુના ઉકેલાયા?
પો.સ્ટે. | ગુનાની સંખ્યા |
રાંદેર | 3 |
વરાછા | 2 |
ખટોદરા | 1 |
વલસાડ રૂરલ | 1 |
વલસાડ ટાઉન | 2 |
સાબરમતી | 1 |
ક્રાઇમ બ્રાંચના હાથે પકડાયેલી ગેંગ 2016થી સક્રિય હતી. તેઓએ આજ સુધી ગુજરાતના અન્ય શહેરોમાં સંખ્યાબંધ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં અમદાવાદ શહેર-12, વડોદરા શહેર-8, ભરૂચ શહેર-7, વલસાડ જિલ્લો-6, સુરત જિલ્લો-5, બારડોલી-2, બીલીમોરા-2 અને નડિયા-2 મળી કુલ 44 ચોરીની કબુલાત આ ગેંગે કરી છે.