SURAT

હિમાચલ પ્રદેશથી ચોરી કરવા ગુજરાતમાં આવતો રીઢો ઘરફોડ પકડાયો

સુરત : મુળ હિમાચલ પ્રદેશનો (Himachal Pradesh) રહેવાસી અને સુરત (Surat) સબજેલમાં લૂંટના કેસમાં જેલવાસ દરમિયાન બેરેકમાં સાથી આરોપી સાથે મિત્રતા (Friendship) કરી બાદમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ (Arrest) કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રિંગરોડ લિનિયર બસ સ્ટોપ પાસે એક ઘરફોડ ચોરીનો આરોપી ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી ત્રિલોક ઉર્ફે રાહુલ મોહનસીંગ ગરીબુ સીંગનાથને ઝડપી પાડ્યો હતો.

  • ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરો ટાર્ગેટ કરી રેકી કરી ઘરફોડ ચોરી કરતો
  • લૂંટના ગુનામાં જેલવાસ દરમિયાન બેરેકમાં બીજા આરોપી સાથે મિત્રતા કરી ચોરીનો પ્લાન બનાવ્યો
  • 23 જુલાઈએ સવારે બંધ ફ્લેટમાંથી રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ 6.18 લાખની ઘરફોડ ચોરી કરી હતી

આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે લૂંટના ગુનામાં વર્ષ 2018 લાજપોર જેલમાં હતો. ત્યારે પોતાના બેરેકમાં રહેતા વિકાસ ઉર્ફે સંદીપ ભારતી સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ જેલમાંથી છુટી અવાર-નવાર સંપર્કમાં હતા. દરમ્યાન આશરે બે માસ પહેલા પોતે તેના મિત્ર સોહેલ સાથે વિકાસ ઉર્ફે સંદીપની મોપેડ લઈ સુરત ખાતે આવી વિકાસના ઘરે રોકાયો હતો. અને સુરત શહેરમાં ઘરફોડ ચોરી કરવાનુ નક્કી કર્યું હતું. અને ફરતા ફરતા વેડ-રોડ ખાતે આવેલા કુબેરપાર્ક સોસાયટી ખાતે આવેલા જાનકી એપાર્ટમેન્ટમાં 23 જુલાઈએ સવારે બંધ ફ્લેટમાંથી રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ 6.18 લાખની ઘરફોડ ચોરી કરી હતી. અને પોતાના વતનમાં સોનીને ત્યા સોના-ચાંદીના દાગીના વેચ્યા હતા.

જુવેનાઈલ હતો ત્યારે ચોરીના 18 ગુનામાં પકડાયો હતો
ત્રિલોક ઉર્ફે રાહુલ મોહનસીંગ ગરીબુ સીંગનાથ (ભાટીયા) ની સામે પુણે લોનાવલા પોલીસ સ્ટેશનમાં, અમદાવાદમાં શાહપુર, માધવપુરા, મણીનગર, નિકોલ, એલીસ બ્રિજ, સરદારનગર, ક્રુષ્ણનગર, વલસાડમાં ડુંગરા, વાપી ટાઊન અને મુંબઈમાં વીરાર પોલીસ સ્ટેશનમાં ચોરીના અનેક ગુના દાખલ છે. આ સિવાય આરોપી જુવેનાઈલ હતો. તે દરમ્યાન નાલાસોપારા વિસ્તારમાં 18 જેટલી ઘરફોડ ચોરીમાં પકડાયો છે.

Most Popular

To Top