વાપી : વાપી (Vapi) જીઆઈડીસી (GIDC) વિસ્તારના ડોક્ટર્સ (Doctors) કો.ઓ.હા.સોસાયટીના પ્લોટમાં રહેતા વેપારીએ પોતાની મોંઘીદાટ કાર (Car) ઘર સામે લોક કરીને પાર્કિંગમાં (Parking) મૂકી હતી. રાત્રીના સમયે તસ્કરો કાર લઈને આવ્યા અને નકલી ચાવીનો ઉપયોગ કરી વેપારીની મોંઘીદાટ કાર ચોરી કરી જતા બનાવની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં (Police Station) કરી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી જીઆઈડીસીના ડોક્ટર્સ કો.ઓ.હા.સોસાયટીના પ્લોટમાં કેતન નટવર પટેલ (ઉં.47) પરિવાર સાથે રહે છે અને તેઓ વાપી જીઆઈડીસીમાં વાપી એસિડ એન્ડ કેમિકલ કંપનીમાં પાર્ટનર છે. રાબેતા મુજબ તેઓ કાર નં. જીજે-15 સીએ-9418 (કિંમત આશરે 5.50 લાખ) લઈને કંપનીએ ગયા હતા અને સાંજે ઘરે પરત ફર્યા હતા અને કાર ઘરની સામે પાર્કિંગમાં લોક કરી હતી.
જે બાદ બીજે દિવસે મળસ્કે આશરે ચારેક વાગ્યાની આસપાસ ગાડી ચાલુ કરવાનો અવાજ આવ્યો હતો. જેથી વેપારી જાગી બારીમાંથી જોતા તેઓની કાર કોઈ ઈસમે ચાલુ કરી લઈ જતા દેખાયો હતો અને તેની પાછળ એક બીજી કાર પણ ગઈ હતી. જે બાદ તેઓએ સોસાયટીમાં મુકેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક કાર આવી હતી અને તેમાંનો એક ઈસમ નકલી ચાવીનો ઉપયોગ કરી તેમની કાર ચોરી કરી ગયાનું નજરે પડ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ કેતન પટેલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.
અલથાણમાં આંબાની વાડીમાંથી મકાનમાં ઘુસી તસ્કર 11.36 લાખનો હાથફેરો કરી ગયો
સુરત: અલથાણ ખાતે કોન્ટ્રાક્ટરના મકાનની પાછળ આવેલી આંબાની વાડીના વાટે મકાનના પ્રાંગણમાં ધૂસી તસ્કરે બારીની ગ્રીલ ખોલી મકાનમાંથી 5.30 લાખના સોનાના દાગીના, 5.54 લાખ રોકડા અને ઘડિયાળો મળીને કુલ 11.36 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
અલથાણ કેનાલ રોડ પર ઠાકોર પાર્ક સોસાયટીમાં રહેતા 56 વર્ષીય જગદીશભાઈ સુખાભાઈ આહીર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. ગત 28 જુલાઈએ તેમનો મોટો પુત્ર બહારગામ ગયો હતો. અને તેઓ રાત્રે જમીને સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે 6 વાગે જાગીને બીજા માળે તેમના રૂમમાંથી નીચે આવ્યા હતા. ત્યારે નીચેના માળે સામાન વેરવિખેર હતો. બેડરૂમમાં બારીની લોખંડની ગ્રીલ ખુલ્લી હતી. બેડરૂમમાં આવીને ચેક કરતા રૂમમાંથી 5.30 લાખની કિંમતના સોનાના દાગીના 5.54 લાખ રોકડા, એક રાડો કંપનીની ઘડિયાળ 10 હજારની, એપલ આઈવોચ, તથા બે મોબાઈલ ફોન મળીને કુલ 11.36 લાખની ચોરી થઈ હતી. કોઈ ચોર ઘરમાં આવીને રાત્રે હાથ સાફ કરી ગયો હતો. આ ચોર મકાનની પાછળ આંબાની વાડીમાંથી આવીને દિવાલ વાટે બેડરૂમમાં પ્રવેશી ચોરી કરી ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.