સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે મધરાતે ચોર એક મકાનમાં 8 હજારની ચોરી (theft) કરી ભાગતો હતો. ચોરી કરીને ભાગતા ચોરને પકડવા જતા ચોરે યુવકને ગળા ઉપર ચપ્પુ (Knife)ના બે ઘા મારી પતાવી દીધો હતો. આ ઉપરાંત ચોર યુવકના મોટા ભાઈના હાથમાં જીવલેણ ઇજાઓ પહોંચાડી ભાગી ગયો હતો. પાંડેસરા પોલીસે (Pandesara police) હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા તેરેનામ ચોકડી પાસે મણીનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ જમનાપ્રસાદ ગુપ્તા સંયુકત પરિવારમાં રહે છે. ગઈકાલે રાત્રે તેમના બે નાના ભાઈ આગળના રૂમમાં મુખ્ય દરવાજો ખુલ્લો રાખી લોખંડની ગ્રીલને માત્ર અડાગરો મારી સુઈ ગયા હતા. રાત્રે અઢી વાગે ચોર દરવાજો ખોલીને અંદર પ્રવેશી વિષ્ણુભાઈના પેન્ટના ખિસ્સામાંથી પર્સ સાથેના 8 હજાર રૂપિયા ચોરી કર્યા હતા. બાદમાં ઘરની લાઈટ ચાલુ કરતા વિષ્ણુનો નાનો ભાઈ વિરેન્દ્ર (ઉ.વ.22) જાગી ગયો હતો. તેણે ચોરને જોતા બૂમાબૂમ કરી હતી. ઘરના સભ્યો જાગી જતા ચોર નાસી છૂટ્યો હતો.
ચોરને પકડવા માટે વિષ્ણુ અને બિરેન્દ્ર ઘરની બહાર નિકળ્યા હતા. ત્યારે સોસાયટીમાં સાયરનનો અવાજ સાંભળ્યો હતો. પોલીસ આવી હોવાનું લાગ્યું હતું. પરંતુ આગળ જઈને જોતા 108 એમ્બ્યુલન્સ આવતા તેઓ ઘર પાસે બેસી ગયા હતા. ત્યારે સામેની ગલીમાં ચોર સામે જ દેખાયો હતો. બિરેન્દ્રએ તેની પાછળ દોડીને તેને પકડી પાડ્યો હતો. ચોરે તેની પાસેના ચપ્પુ વડે બિરેન્દ્રને ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. વિષ્ણુભાઈએ તેને પકડવા પ્રયાસ કરતા તેને પણ કપાળ, હાથ અને ખભાના ભાગે ઘા મારી ભાગી ગયો હતો. બિરેન્દ્રને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી. વધુમાં બિરેન્દ્ર પાનનો ગલ્લો ચલાવતો હતો.
સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી
પાંડેસરામાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટના બની તેની નજીક કૈલાશચોકડી પાસે મણીનગરમાં જ જગન્નાથ પ્રજાપતિના ઘરમાંથી પણ મોબાઈલ ફોન ચોરી થયો હતો. પોલીસને શંકા છે કે એક જ ચોરે આ બંને ચોરીને અંજામ આપ્યો છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.