નવી દિલ્હી: દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમિટ (World Economic Forum Summit) દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને (RBI Ex Governor Raghuram rajan) નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પર મોટી ટિપ્પણી કરી હતી. એક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન રાજને કહ્યું કે સીતારમણ ખૂબ જ મુશ્કેલ કામ સંભાળી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની મોટાભાગની નીતિઓની ટીકા કરનારા રઘુરામ રાજને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વિશે કહ્યું હતું કે તેઓ અઘરું કામ કરી રહ્યા છે, તેથી તેમના કામનું સારું કે ખરાબ મૂલ્યાંકન હું કરી શકું નહીં. દાવોસમાં જ્યારે એક પત્રકારે રાજનને પૂછ્યું કે તેઓ નાણામંત્રી નિર્મલા સીતારમણને કયો રેન્ક આપશે? તો રાજને કહ્યું કે હું તેમને રેન્ક આપી શકું નહીં. સીતારમણ મુશ્કેલ કામ કરી રહ્યાં છે, તેથી હું કોઈ રેન્કિંગ આપી શકતો નથી.
- દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સમિટ દરમિયાન રઘુરામ રાજને દેશના નાણામંત્રીની કામગીરી પર ટીપ્પણી કરતા કહ્યું, તેઓ મુશ્કેલ કામ કરી રહ્યાં છે તેથી તેઓના કામનું મૂલ્યાંકન હું કરી શકું નહીં: રઘુરામ રાજને વૈશ્વિક મંદી અને મધ્યમવર્ગની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
રઘુરામ રાજને કહ્યું કે વાસ્તવિક ચિંતા નીચલા મધ્યમ વર્ગની છે. રાજનના મતે અર્થવ્યવસ્થામાં સૌથી મોટી ચિંતા આ વર્ગની છે. અહીં રોજગારનો અભાવ છે. મોટા બિઝનેસ મોટા થઈ રહ્યા છે. રોગચાળા દરમિયાન પણ મોટા કોર્પોરેટ હાઉસે લોન ચૂકવી નથી. આવા કોર્પોરેટ હાઉસોની બેડ લોન પણ બેન્કોએ રાઈટ ઓફ કરી દીધી છે. આવી સ્થિતિમાં બેંકો અને મોટા ઉદ્યોગો પ્રગતિ કરી રહ્યાં છે. પરંતુ સમસ્યા નિમ્ન મધ્યમ વર્ગની છે.
દેશના નીમ્ન મધ્યમવર્ગમાં અનેક લોકોએ કોરોના દરમિયાન પોતાની નોકરી પણ ગુમાવી દીધી હતી. લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સારો દેખાવ કરી શક્યા નથી. જો કે રાજને એમ પણ કહ્યું કે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો ફરી બેઠાં થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વર્ષે 7%નો વિકાસ દર અદ્ભુત છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં અમારી વૃદ્ધિ સારી રહી હતી, પરંતુ પછીના મહિનાઓમાં વૃદ્ધિની ગતિ થોડી ધીમી પડી હતી. અમે ઘટીને 5% પર આવી ગયા છીએ જે ચિંતાનો વિષય છે. વૈશ્વિક મંદીની આશંકાઓને જોતા એવું લાગે છે કે તે પાંચ ટકાથી નીચે જશે, જે ચિંતાનો વિષય છે અને તેથી હાલની પરિસ્થિતિથી આપણે સંતુષ્ટ થઈ શકીએ તેમ નથી.