તમે 2013માં આવેલી આનંદ ગાંધી નિર્દેશિત ફિલ્મ ‘શિપ ઓફ થીસિયસ’ જોઈ હતી? ભારત સરકારે તેને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો હતો. તેમાં ત્રણ વાર્તાઓ હતી. પહેલી વાર્તા આલિયા નામની એક ફોટોગ્રાફર છોકરીની હતી, જેની આંખો બાળપણમાં જતી રહી છે. તે સાંભળીને અને મહેસુસ કરીને તસવીરો પાડે છે. તે તેના ‘અનુભવ-સંસાર’માં ખુદને સંપૂર્ણ મહેસુસ કરે છે. પાછળથી તેની આંખો પાછી આવે છે, ત્યારે તે અજીબ અનુભવ કરે છે. તે ફોટોગ્રાફી નથી કરી શકતી. અહીં પ્રશ્ન થાય છે કે અસલી આલિયા કોણ? આંખો વગરની કે આંખોવાળી? બીજી વાર્તા મૈત્રેય નામના એક જૈન સાધુની છે. તેને પેટની સમસ્યા છે, પણ તે દવા નથી લેતો, કારણ કે દવા પાછળ જીવ-હિંસા છે. તે અનશન કરીને જીવન ત્યાગ કરવાનું નક્કી કરે છે, પણ બીમારી અને અનશન બંને સામે તે હારી જાય છે અને દવા લેવાનું નક્કી કરે છે. તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે, અને તે સાજો થઇ જાય છે. હવે તે સાધુ નથી. અહીં પ્રશ્ન એ છે કે અસલી મૈત્રેય કોણ? સાધુ હતો તે કે સાધુ પછી જે છે તે?
ત્રીજી વાર્તા નવીન નામના સ્ટોકબ્રોકરની છે. તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલી છે. તેને શંકા પડે છે કે ડોકટરોએ તેને એક મજદૂરની ચોરેલી કિડની લગાવી છે. એ શંકા ખોટી નીકળે છે, પણ તેને એ શોધવું છે કે મજદૂરની એ કિડની કોને લગાવવામાં આવી છે. એ તેની શોધમાં નીકળી પડે છે. અહીં પ્રશ્ન એ છે કે અસલી નવીન કોણ છે? સ્ટોકબ્રોકર કે સામાજિક કાર્યકર? આ ફિલ્મ માણસની ઓળખને લઈને એક ફિલોસોફીકલ મુદ્દાને છેડે છે; આપણી ઓળખ સ્થાયી હોય છે કે બદલાતી રહે છે. ફિલ્મની પ્રેરણા, ગ્રીક પુરાણોમાં પહેલી સદીના ફિલોસોફર પ્લુટાર્ચના સમયના એક વૈચારિક પ્રયોગ (થોટ એક્સ્પરીમેન્ટ) આધારિત છે. તેને ગ્રીક પેરાડોક્સ પણ કહે છે.
પ્લુટાર્ચે ‘લાઈફ ઓફ થીસિયસ’ નામના પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે કોઈ ચીજના તમામ હિસ્સાઓને બદલી નાંખવામાં આવે, તો તે ચીજ એ જ રહે કે નવી થઇ જાય? પ્લુટાર્ચ પહેલાં અન્ય ફિલોસોફરોએ આ વિરોધાભાસની ચર્ચા કરી હતી અને અલગ-અલગ સ્વરૂપે તે આધુનિક સમયમાં પણ ચર્ચાતો રહ્યોં છે. થીસિયસ એથેન્સનો હીરો હતો, જે હર્ક્યુલસ સાથે ઘણું સામ્ય ધરાવે છે. પ્લુટાર્ચે પુસ્તકમાં થીસિયસનું જીવન ચારિત્ર્ય અને તેનાં અનેક કારનામાં લખ્યાં હતાં. તેમાં તેના એક જહાજની વાર્તા હતી. થીસિયસ મિનોઆ ક્રેટ ટાપુ પર સફળતાપૂર્વક ચઢાઈ કરીને એથેન્સ પાછો આવ્યો, ત્યારે તે વિજયની યાદગીરીરૂપે તેના જહાજને સદીઓ સુધી એથેન્સવાસીઓએ બંદર પર જાળવી રાખ્યું હતું.
દર વર્ષે એ જહાજને ડેલોસ ટાપુ પર ધાર્મિક યાત્રાએ મોકલવામાં આવતું. જહાજ ત્યાં જાય અને પાછુ આવે ત્યાં સુધી સમુદ્રમાં કોઈ ગતિવિધિ કરવા દેવામાં આવતી ન હતી. સમુદ્રમાં યાત્રા કરવા માટે તૈયાર હોય તેવી સ્થિતિમાં તેને પાણીમાં રાખવામાં આવ્યું હતું. પરિણામે, ત્રીસ હલેસાંવાળા એ વિશાળ જહાજનાં પાટિયાં જયારે પણ ખવાઈ જાય, ત્યારે નવું લાકડું ઉમેરીને તેને બદલી નાખવામાં આવતાં. આવી રીતે, સદીઓ સુધી જહાજને સાચવી રાખવામાં આવ્યું. થયું એવું કે ક્રમશઃ જહાજનું બધું લાકડું ખવાઈ ગયું અને તેની જગ્યાએ નવું લાકડું આવી ગયું. સદીઓ પછી, ગ્રીક ફિલોસોફરોએ પ્રશ્ન કર્યો કે સદીઓથી સચવાયેલું થીસિયસનું આ જહાજ એ જ છે, જેમાં બેસીને તે ક્રેટની ચઢાઈ કરવા ગયો હતો? આ પ્રશ્ન છતાં, એથેન્સવાસી માનતા રહ્યાં કે થીસિયસ નામનો અસલમાં ઐતિહાસિક હીરો હતો અને આ જહાજ તેની યાદને જીવતી રાખે છે.
પ્લુટાર્ચે ફિલોસોફીકલ સંદેહ ઉભો કર્યો હતો કે જહાજનાં તમામ પાટિયાં એક પછી એક બદલી નાંખવામાં આવે તો એ જ જહાજ બચે ખરું? વર્ષો પછી, થોમસ હોબ્સ નામના ઈંગ્લીશ ફિલોસોફરે નવો પ્રશ્ન ઉભો કર્યો: જે પાટિયાં ફેંકી દેવામાં આવ્યાં હોય, તે તમામ ભેગાં કરીને બીજું જહાજ બનાવવામાં આવે, તો કયું જહાજ અસલી કહેવાય? નવા પાટિયાંવાળું કે જુના પાટિયાંવાળું? આપણા શરીરમાં પ્રતિ સાત વર્ષે તમામ સેલ્સ નવા આવી જાય છે, પણ આપણે સેલ્સની ગોઠવણ માત્ર જ છીએ? સિત્તેર કે સો વર્ષ સુધી આપણે ‘આપણે’ જ રહીએ છીએ એ શું છે? આ ગ્રીક વિરોધાભાસ યાદ આવવાનું કારણ નવી દિલ્હીની અમર જવાન જ્યોતિ છે. 1971ના બાંગ્લાદેશ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં આ જ્યોતિ, છેલ્લા 50 વર્ષથી ઇન્ડિયા ગેટ નીચે અવિરતપણે પ્રજવલિત હતી. શુકવાર, 21મી જાન્યુઆરીએ, આ જ્યોતિને બંધ કરીને તેને 750 મીટર દુર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતિમાં ભેળવી દેવામાં આવી. અમર જવાન જ્યોતિનું ઉદ્ઘાટન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
આનો વિવાદ થયો. વિરોધપક્ષોએ કહ્યું કે મોદી સરકાર પોતાનો ઈતિહાસ આગળ કરવા માટે જુનો ઈતિહાસ મિટાવી રહી છે, અને એટલે અમર જવાન જ્યોતિને બુઝાવી દીધી છે. સરકારે કહ્યું કે અમર જ્યોતિને બુઝાવી દેવામાં નથી આવી, પરંતુ તેને એક મશાલમાં લઈને જઈને સ્મારક જ્યોતિમાં ભેળવી દેવામાં આવી છે. બે જ્યોતિ હતી, તેની એક કરવામાં આવી છે. અમર જવાન જ્યોતિમાં કોઈ સૈનિકોના નામ લખેલાં ન હતાં. સ્મારકમાં 1947 પછીનાં તમામ યુદ્ધોમાં શહીદ 24, 466 જવાનોનાં નામો અંકિત છે. આ વિવાદના રાજકીય અભિપ્રાય જે હોય તે, તેનો થીસિયસના જહાજ જેવો એક ફિલોસોફીકલ દ્રષ્ટિકોણ છે; અમર જવાન જ્યોતિ 50 વર્ષથી ઇન્ડિયા ગેટ નીચે હતી. હવે તે 750 મીટર દુર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં છે તેવું કહેવાય? બે જ્યોતિ એક થઇ તેમાં એક જ્યોતિનું અસ્તિવ વિલાઈ ગયું? અમર જવાન જ્યોતિ માત્ર મશાલ હતી, એક લોકેશન હતું કે પછી એક સ્મૃતિ હતી? એક સ્મૃતિ બીજી સ્મૃતિમાં ભળી જાય તો પહેલી સ્મૃતિનું શું થાય?