બિલાડી આપણને કશે ને કશે સોસાયટીના પાર્કિંગમાં કે રોડ પર દેખાતી હોય છે. તેની ક્યુટનેસને કારણે અને તેની વાઘ જેવી ચમકતી આંખોને કારણે આપણી તેના પર એક નજર તો પડતી જ હોય છે. આમ તો પેટ લવર્સના ઘરોમાં પોતાના પેટસને ઘણું પંપાળવામાં આવે છે અને ખૂબ લાડ કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે બિલાડી માણસનો માનસીક તણાવ દૂર કરે છે. સુરતમાં પણ એવા કેટલાંય કેટ લવર્સ છે જેમણે બિલાડીને પોતાના ઘરની મેમ્બર બનાવી તેને VIP ટ્રીટમેન્ટ આપે છે. કેટ લવર્સના ઘરની મેમ્બર બનતી કેટના નખરા પણ હાઇફાઈ હોય છે. આપણે સુરતના એવા કેટ લવર્સને મળીએ જેમણે અવનવી બિલાડીઓને ઘરમાં પાળી તેમના પર પોતાના બાળકની જેમ વ્હાલ વરસાવી રહ્યાા છે
મને કેન્સર હતું ત્યારે કેટ કેન્ડીને લાવેલા: પૂનમ પારાશર
વેસુ વિસ્તારમાં રહેતાં સામાજીક કાર્યકર્તા પૂનમ પારાશર પાસે સેમી પર્શિયન કેટ છે. આ ફિમેલ કેટ વિશે જણાવતાં પૂનમબેને કહ્યુ કે, મને બ્રેસ્ટ કેન્સર થયું હતું ત્યારે મારા હસબન્ડ ડૉ. મુકેશ પારાશર મારા માટે આ કેટ લાવેલા જેનું નામ અમે કેન્ડી રાખેલું છે. કેન્ડીને જ્યારે ઘરે લાવેલાં ત્યારે તે દોઢ મહિનાની બચ્ચું હતી. હું હવે કેન્સરની બીમારીમાંથી સાજી થઈ ચૂકી છું. ઘરમાં કેટ હોવાથી ઘરનું એટમોસ્ફીયર પોઝિટિવ લાગે છે. હું તેને જ્યારે શ્રીખંડ, પનીર આપું ત્યારે તે પ્રેમથી ખાય. તે યુ-ટયૂબ પર કેટ વીડિયો બહુ ધ્યાનથી જુએ છે. તે રાત્રે મારા બેડ પર મારા પગ પાસે સુઈ જાય. કેટ કેન્ડીને દિવસમાં ચાર વખત ભોજન આપવામાં આવે છે.
GSTને સૌથી પહેલાં આપવું પડે ભોજન: ફેરી મેવાડા
રામપુરામાં રહેતી ફેરી મેવાડા પાસે 22 કેટ છે. 5 તેમની ખુદની અને અન્ય 17 રેસ્ક્યુ કરેલી છે. તેમની બધી જ કેટ સ્ટ્રે કેટ્સ છે. ફેરીએ જણાવ્યું કે લોગ જુડતે ગયે ઔર કારવા બનતા ગયાની જેમ અમારા ઘરમાં 22 કેટનો કારવા બનતો ગયો. તેમની કેટ જીંજર કેટ છે. એક કેટ કેબલના તાર પર લટકતી હતી તેને રેસ્ક્યુ કરી ઘરમાં લાવવામાં આવી તેને ચાર બચ્ચા થયાં. અન્ય કેટ પણ રેસ્ક્યુ કરવામાં આવેલી. એક કેટનું નામ GST રાખવામાં આવ્યું છે તેને સૌથી પહેલાં તેના ભાગનું ભોજન આપવું પડે પછી બીજાને ભોજન આપવાનું. એક કેટને દાંત નથી તેનું નામ બોખું રાખવામાં આવ્યું છે. એકનું નામ કાલા તો એકનું નામ પીલા છે.
ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી જોઈ કુકીને એડોપ્ટ કરેલી: દેવાંશી દેસાઈ
કૈલાશનગરમાં રહેતી દેવાંશી પાસે ઇન્ડી કેટ છે જેનું નામ કુકી છે. દેવાંશીએ જણાવ્યું કે આ કેટ બે વીકનું બચ્ચું હતી ત્યારે તેના ફેમેલી મેમ્બર્સનું મુંબઈ હાઇવે પર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. એની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવેલી. કુકીને અમે મુંબઈથી એડોપ્ટ કરીને સુરત લાવેલા. આજે તે બે વર્ષની છે. તેના માટે અમે ટોયઝ લાવેલા છીએ તે ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તે ગેસ્ટ વિશે જાણવા માટે ક્યુરીયશ હોય. પહેલાં ગેસ્ટને સુંઘે પછી ગેસ્ટ સાથે રમવા લાગે. કુકીને કેટ ફૂડ અપાય છે અને નિયમિત રસીકરણ કરીએ છીએ.
ઘરમાં કેટ રાખો ત્યારે આટલી બાબતનું ધ્યાન રાખો: ડૉ. હાર્દિક સોની
પેટ ડોક્ટર હાર્દિક સોનીએ જણાવ્યું કે, કેટ નોન વેજિટેરિયન હોય છે જો ઘરે નોનવેજ ના બનાવી શકો તો તેને કેટફૂડ આપવું જોઈએ. કેટનું રસીકરણ નિયમિત કરવું જોઈએ. બે મહિનાનું કિટન થાય ત્યારથી રસીકરણ કરવું જોઈએ એક રસી ફેલીજન અને બીજી એન્ટી રેબિઝ. શરૂઆતમાં એક મહિનાના ગેપમાં બે વાર અને પછી વર્ષે એકવાર. કિટનને બે મહિના સુધી તેની મા નું દૂધ મળવું જોઈએ જો તે ના મળે તો કિટનને મિલ્ક પાઉડર આપવું જોઈએ આ સિવાય બીજું કોઈ ફૂડ નહીં આપવાનું. દિવસમાં ચારથી પાંચ વખત થોડું-થોડું ખાવાનું આપવું જોઈએ. ફિમેલ કેટ પિરિયડમાં આવતી હોય ત્યારે રાત્રે અવાજ કરતી હોય છે એટલે ત્યારે ગભરાવું નહીં પણ તેની કેયર વધારવી.
ઇન્ટરનેશનલ મોડેલના નામ પરથી પેટ કેટનું નામ જીજી રાખ્યું: ઇશિતા ઠક્કર
અડાજણ વિસ્તારમાં રહેતી ઇશિતા ઠક્કરે ટર્કીશ અંગોરા કેટ એડોપ્ટ કરેલી છે. ઇશિતા એ જણાવ્યું કે, આ કેટને અમદાવાદથી સુરત લાવવામાં આવી ત્યારે તે બે માસનું બચ્ચું હતી. તેની અમુક બાબતો અમને ઇન્ટરનેશનલ મોડેલ જીજી જેવી લાગતાં અમે આ ફિમેલ કેટનું નામ જીજી રાખ્યું છે. તેને અમે ગયા વર્ષે 30 ઓગસ્ટના રોજ ઘરે લાવ્યાં હતાં એટલે અમે તેનો બર્થડે 30 ઓગસ્ટના દિવસે ઉજવીશું. અમારી જીજીને ઘરનું ખાવા કરતાં બહારનું ફૂડ વધારે ભાવે પણ હા તે ઘરે મલાઈ ચાટી જાય છે. તેને પેડિગ્રી ફૂડ અપાય છે. તે હાઇફાઈ રહેવામાં માને છે.