SURAT

ગુરુવારે ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં આ રસ્તાઓ બંધ રહેશે

સુરત(Surat) : 10 દિવસ બાદ ગુરૂવારે ગણપતિ બાપ્પા વિદાય લેશે ત્યારે શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા (Ganesh Visarjan Yatra) વિના વિધ્ને પાર પડે તે માટે પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથેની રણનીતિ ઘડી કાઢી છે. સમગ્ર રૂટ પર પોલીસ કમિશનર અજય તોમર પોતે રાઉન્ડ ધી ક્લોક વોચ રાખશે. તેમની સાથે અધિકારીઓ અને પોલીસ કર્મચારી, હોમગાર્ડ મળીને આશરે 10 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ ફરજમાં જોડાશે.

આ સિવાય બંદોબસ્તના અભ્યાસ માટે ઉત્તરાખંડ અને આસામ રાજ્યના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના 3 અધિકારીઓ પણ આવ્યા છે. દરમિયાન આ વખતે શહેરના 70 ટકા રસ્તાઓ પર જયારે મેટ્રો ટ્રેનના પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યા શહેર પોલીસ માટે પડકાર બની શકે છે.

કેમકે શહેરના તમામ માર્ગો મેટ્રોના બેરીકેડના કારણે ઓલરેડી એટલા સાંકળા અને વરસાદના કારણે ખરાબ થઈ ચૂક્યા છે કે રાજમાર્ગ, રીંગ રોડ, એલ.પી. સવાણી રોડ, સ્ટેશન અને વરાછા વિસ્તારમાં સ્થિતિ કટોકટ બની શકે છે. જો પોલીસ દ્વારા ગણેશરૂટનું માઈક્રો પ્લાનિંગ અને રિહસર્લ ન કરાયું તો અફરાતફરી સર્જાવાની પૂરી શક્યતા છે.

વિસર્જન યાત્રા માટે ટ્રાફિકની સમસ્યા મહામુસીબત બને તેવા એંધાણ
સામાન્યત શહેરના રાજમાર્ગ, રિંગરોડ તથા કોટસફિલ રોડ અને હાલમાં અડાજણ એલપી સવાણી રોડ, સ્ટેશન રૂટને આવરી લેતા માર્ગ પર મેટ્રો ટ્રેનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તેમાં પણ શહેરના કોટ વિસ્તાર પૈકી ચોક બજાર, ભાગળ, ડબગરવાડ, મહિધરપુરામાં આ વરસે સેંકડો મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

આવી જ સ્થિતિ નદી પારના એલપી સવાણી રોડ અને રાંદેર રોડ પર છે. આ ઉપરાંત રીંગ રોડ પરથી પણ શહેરની સેંકડો મૂર્તિઓ નીકળતી હોય છે. જયારે સામાન્ય દિવસોમાં ગણપતિ વિસર્જન યાત્રા ટ્રાફિક સમસ્યા સર્જે છે. ત્યારે આ વખતે શહેરનો કોટ વિસ્તારની સાથે શહેરના 70 ટકા માર્ગો પર મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેર પોલીસ આ વખતે વિસર્જનયાત્રાઓને નિર્વિધ્ને પસાર કરાવે તે માટે ચુસ્ત પ્લાનિંગ તો કરી રહ્યાં છે પરંતુ છતાં આ વર્ષની યાત્રા શહેર પોલીસ માટે મોટો પડકાર છે.

3 થી 4 ફૂટની મૂર્તિઓને દૂર વિસર્જનના સ્પોટ અપાયા: નાના બાળકો સાથે પરિવારોની ભાગદોડ વધશે
એલપી સવાણી રોડ તથા રાંદેર રોડ વિસ્તારમાં નાની મૂર્તિઓને સ્થાનિક ઓવારા પર વિસર્જનની પરમીશન આપવાને બદલે પંદરથી વીસ કિલોમીટર દૂર હજીરા અને ઉમરા ઓવારા પર પરમીશન અપાતા નાની મૂર્તિની સ્થાપના કરનારા ભક્તોને તકલીફ પડવાની છે. આ માટે સંખ્યાબંધ ફરિયાદો કરવામાં આવી છે. સામાન્યત પાંચ ફૂટ કરતા મોટી મૂર્તિઓ ઉમરા અને હજીરા વિસ્તારમાં મોકલવામાં આવે છે. આ વખતે નાના ગણપતિઓને દૂરના સ્પોટ અપાતા નાના બાળકો દ્વારા સ્થાપિત કરાયેલી મૂર્તિઓના વિસર્જન માટે પરિવારોએ ભાગદોડ કરવી પડશે.

વધુ ઊંચાઈ ધરાવતી શ્રીજીની સવારીમાં ફરજિયાત જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે

  1. ચાલુ વર્ષે શ્રીજીની સવારીઓ પર જાહેરમાં અબીલ ગુલાલ ફેંકવા ઉપર તથા વિસર્જન યાત્રામાં ડી.જે. ઉપર પ્રતિબંધ મુકાયો છે.
  2. રાજમાર્ગ ઉપરની વિસર્જન યાત્રાનું થ્રીડી મેપીંગ કરી જરૂરી ફોર્સ, એન્ટ્રી એકઝીટના પોઇન્ટ નક્કી કરાયા છે.
  3. વધુ ઉચાઇ ધરાવતા શ્રીજીની મૂર્તિવાળા વાહનમાં ફરજીયાત જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી છે. અને વિસર્જન ન થાય ત્યાં સુધી વાહન સાથે એક પોલીસ કર્મચારીની ફાળવણી કરવામાં આવી છે. જેથી યોગ્ય રૂટ જળવાઇ રહે અને વિસર્જન નિયત જગ્યા અને સમય પર નિર્વિધ્ને પૂર્ણ થઈ શકે.
  4. ગણેશ વિસર્જનની પરમીટ આપવામાં સમય અને કાગળનો બચાવ થાય તે હેતુસર પરમીટ ઓનલાઇન કરવામાં આવી છે.
  5. શહેરમાં નિયત કરેલી જગ્યાઓ ઉપર ચોક્કસ ઊંચાઇના એન્ટ્રી ગેટ બનાવ્યા છે. જેથી ગણપતિ વિસર્જનની પ્રક્રિયા સુદ્રઠ અને સુનિયોજીત બને.
  6. સ્પોટ લાઇટ ડ્રોન કેમેરા, વિડીયોગ્રાફી, સીસીટીવી કેમેરા, બોડીવોર્ન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે.
  7. કુત્રિમ તળાવોમાં ગત વર્ષ કરતા વધારો કરીને કુલ ૨૦ જેટલા કુત્રિમ તળાવો એસ.એમ.સી. સાથે સંકલન કરી બનાવવામાં આવેલ છે.
  8. મોટી મુર્તિઓ માટે ૩ જેટલા કુદરતી ઓવારાનો ઉપયોગ કરવામાં આવનાર છે.
  9. એસએમસી, ડીજીવીસીએલ, ટોરેન્ટ પાવર સાથે સંકલન કરી વિસર્જન યાત્રા દરમ્યાન નિશ્ચિત કરેલા અંતરે પોઇન્ટ બનાવ્યા છે. જ્યાં અધિકારી તથા કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. જેથી આગ- વિજળી-પાણીના કારણે થતી જાનહાની રોકી શકાય.

ઇદ એ મિલાદ ઉત્સવ ગણપતિ વિસર્જનના બીજા દિવસે કરાશે
ચાલુ વર્ષે પોલીસ સ્ટેશન, ડીવીઝન, ઝોન તથા સેક્ટર લેવલે શાંતિ સમિતિઓની મિટીંગ કરવામાં આવી છે. જેના ફળ સ્વરૂપે ઇદ- એ- મિલાદ ઉત્સવ ગણપતિ વિસર્જન ના બીજા દિવસે એટલે કે શુક્રવારે ઉજવવાનું નક્કી કરાયું છે.

ગણેશ વિસર્જનનો બંદોબસ્ત
પોલીસ કમિશનર – 1
સંયુક્ત સીપી – 2
એડી.સીપી – 2
ડીસીપી – 16
એસીપી – 35
પીઆઈ – 106
પીએસઆઈ – 205
પોલીસકર્મી – 4214
હોમગાર્ડ – 5533
એસઆરપી – 12 કંપની
સીઆરપીએફ – 2 કંપની

આરટીઓથી ચોપાટી અને રાજમાર્ગ રુટ પર મેટ્રો બેરીકેડ શિફટ કરાવાશે

  • ગણપતી વિસર્જનમાં 13 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતી મૂર્તિઓ કોઇ પણ પ્રકારની અડચણ વિના સહેલાઇથી પસાર થઇ શકે અને ઓવરબ્રીજ/ફુટ ઓવરબ્રીજ નડતર રૂપ ના થાય તે હેતુથી ત્રણ સ્પેસિફિક રૂટ બનાવામાં આવ્યા છે.
  • સુરત શહેરમાં મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ હોવાથી આરટીઓથી ચોપાટી તથા રાજમાર્ગના રુટ ઉપરના મેટ્રો બેરીકેડ્સને શિફ્ટ કરાવડાવી રોડને વધુ ખુલ્લો કરાયો છે.
  • ભારે વાહનો માટે ડાયવર્ઝન પોઇન્ટ ઉભા કરાયા છે.
  • વિસર્જનમાં ટ્રાફિક શાખાના જેસીપી-1, ડીસીપી-1, એસીપી-4, પીઆઈ-23, પીએસઆઈ-9, પોલીસ કર્મચારી-646, ટીઆરબી-1145, જીએચજી-680 મળી કુલ 2509 કર્મી ફરજ બજાવશે
  • પ્રથમ વખત ફ્રેન્ડ ઓફ ટ્રાફિક પોલીસનો ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ઉપયોગ કરાશે.
  • આકસ્મિક સંજોગો માટે ત્રણ હેવી ક્રેનનું વ્યવસ્થાપન એસ.કે નગર સહારા દરવાજા અને પાલ પાટિયા ખાતે કરાયું છે.

વિસર્જનના દિવસે આ રસ્તાઓ બંધ રહેશે

  • દિલ્હીગેટથી ગલેમંડી, ભાગળથી ચોકબજાર નહેરૂ બ્રીજ સુધી રાજમાર્ગના બંને તરફના રસ્તા
  • નહેરૂબ્રીજથી મક્કાઈપુલ સર્કલ સુધીનો માર્ગ બંને તરફથી બંધ
  • કાસકીવાડ ચાર રસ્તાથી ભાગળ ચાર રસ્તા સુધીનો રસ્તો
  • ઉધના દરવાજાથી નવસારી બજાર ચાર રસ્તા સુધીનો રસ્તો
  • મક્કાઈપુલથી નાનપુરા ચોક થઈ અઠવાગેટ તરફના તમામ રસ્તા
  • અઠવા સર્કલથી બહુમાળી બિલ્ડીંગ થઈ નાવડી ઓવારાનો રસ્તો
  • વેસુ ચાર રસ્તાથી વાય જંક્શન સુધીનો માર્ગ બંધ રહેશે
  • અઠવાગેટ થી એસકે નગર તરફ ડાબી બાજુનો રસ્તો
  • એસકે નગરથી ડુમસ તરફનો રસ્તો બંધ રહેશે
  • કુવાડા ત્રણ રસ્તાથી ડુમસ કાદી ફળીયા કૃત્રિમ તળાવ તરફનો રસ્તો
  • ડુમસ લંગરથી ડુમસ મોટી ફળીયું ઓવારા જવાનો રસ્તો
  • સચીન સુડા સેક્ટરમાં કૃત્રિમ ઓવારાને અડીને આવેલો સ્ટેટ હાઈવે ઓવારાથી બંને બાજુ 200- 200 મીટર
  • વટુરીયા ચોકથી સરથાણા જકાતનાકાનો રસ્તો
  • કંથારીયા કનુમાન ચોકથી કોઝવે તરફનો બંને બાજુનો રસ્તો
  • તિરૂમાલા કોમ્પલેક્ષથી કોઝવે રોડ તરફનો રસ્તો
  • ગજેરા રત્નમાલા સર્કલથી લંકા વિજય ઓવારા તરફનો સર્વિસ રોડ
  • આ ઉપરોક્ત સિવાયના તમામ આંતરિક રસ્તાઓનો વાહન ચાલકો ઉપયોગ કરી શકે છે.

Most Popular

To Top