Sports

આ ખેલાડીઓએ ભારતના ધ્વજને વિશ્વ ફલક પર લહેરાતો રાખ્યો

2022ના વર્ષ દરમિયાન ભારતીય રમતજગતમાં ક્રિકેટમાં ભારતીયોને એવી કોઇ મોટી ખુશી નહોતી મળી પણ એ સિવાય કોમનવેલ્થ ગેમ્સમાં રેસલિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ખુશીની પળો આવી હતી. આ ઉપરાંત નીરજ ચોપરાએ ડાયમંડ લીગ અને વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારતીયોને ચહેરા પર સ્મિત આણ્યું હતું તો ક્રિકેટમા અંડર 19 વર્લ્ડકપની ટીમે ચેમ્પિયન બનીને ભારતીયોને ખુશીની તક આપી હતી.

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં 22 ગોલ્ડ મેડલ સાથે ભારતનું વિક્રમી પ્રદર્શન
બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 22 ગોલ્ડ મેડલ સાથે કુલ 61 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું. ભારત માટે સૌથી વધુ ગોલ્ડ મેડલ રેસલિંગમાં 6, વેઇટલિફ્ટિંગમાં 4, લૉન બૉલમાં 1, બૅડમિન્ટનમાં 3, બૉક્સિંગમાં 3, ટેબલ ટેનિસમાં 4 અને ઍથ્લેટિક્સમાં 1 ગોલ્ડ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દિલ્હીમાં 2010માં થયું હતું. જેમાં 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 101 મેડલ જીત્યા હતા

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પ્રથમ વખત લૉન બોલ સ્પર્ધામા ગોલ્ડ જીત્યો
બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ટીમે લૉન બોલ વુમન્સ ફોરની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. લવલી ચોબે (લીડ), પિન્કી (સેકન્ડ) નયન મોની સૈકિયા (થર્ડ) અને રૂપા રાની ટિર્કી (સ્કીપ)ની ભારતીય ટીમે આફ્રિકાને 17-10થી હરાવ્યું અને આ રમતમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો.

નીરજ ચોપરાની બેવડી સિદ્ધિ ડાયમંડ લીગમાં ગોલ્ડ અને વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર જીતનારો પહેલો ભારતીય
ભારતના ઓલિમ્પિક્સ ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ આ વર્ષે ભાલા ફેંકની બે અલગઅલગ મુખ્ય ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર જીતીને બેવડી સિદ્ધિ મેળવી હતી. નીરજે ડાયમંડ લીગમાં સર્વશ્રેષ્ઠ થ્રો 88.44 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે જુલાઇમાં અમેરિકાના યૂજીનમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજે 88.13 મીટર સુધીનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. આમ તે ડાયમંડ લીગમાં ગોલ્ડ અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનારો પહેલો ભારતીય બન્યો હતો. તેના પહેલા લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જ વર્લ્ડ એથ્લેટિક્સમાં 2003માં બ્રોન્ઝ મેડલ જીતી હતી.

ભારતીય ટીમ ઇંગ્લેન્ડને હરાવી અંડર-19 વર્લ્ડકપમાં વિક્રમી પાંચમીવાર ચેમ્પિયન બની
ભારતના યુવા ખેલાડીઓએ 6 ફેબ્રુઆરીના રોજ ઇતિહાસ રચ્યો હતો. તેમણે વેસ્ટઇન્ડિઝમાં રમાયેલા અંડર-19 વર્લ્ડકપમાં જોરદાર પ્રદર્શન કરીને વિક્રમી પાંચમીવાર ટાઇટલ જીત્યું હતું.

નિખત ઝરીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસમાં નામ સામેલ કરાવ્યું હતું. નિખતે થાઇલેન્ડની જિટપોન્ગ જુટામસને 5-0થી હરાવીને ભારત વતી આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પાંચમી ભારતીય મહિલા બોક્સર બની હતી. તેના પહેલા એમસી મેરીકોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખા સીએપી આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ચૂક્યા હતા.

ભારતીય શટલરોએ દેશને પહેલીવાર થોમસ કપ ચેમ્પિયન બનાવ્યું
બેંગકોકમાં રમાયેલા થોમસ કપમાં ભારતીય પુરૂષ બેડમિન્ટન ટીમે પ્રભાવક પ્રદર્શન કરીને ફાઇનલમાં 14 વારના ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને પહેલીવાર ટાઇટલ જીત્યું હતું.. ભારતને પહેલીવાર ચેમ્પિયન બનાવવા પાછળ કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેન તેમજ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડીની ડબલ્સ જોડીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર જીત્યો
બર્મિંઘમમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો આ વખતે સમાવેશ કરાયો હતો અને તેમાં ભારતીય મહિલા ટીમે પહેલીવાર ભાગ લીધો હતો. કોમનવેલ્થ ગેમ્સ મહિલા ક્રિકેટમાં ઈતિહાસ રચીને ભારતીય મહિલા ક્રિકેટે પ્રથમ વખત સિલ્વર મેડલ જીત્યો હતો.

Most Popular

To Top