નવી દિલ્હી (New Delhi): લગભગ એક વર્ષ પહેલા આખા વિશ્વ પર એક અણધારી મુસીબત આવી પડી, જેણે આખા વિશ્વમાં ઘણી બધી વસ્તુઓ બદલી નાંખી. કોઇએ વિચાર્યુ ન હોતુ કે તેમના જીવનમાં એક મામૂલી જણાતો વાયરસ આટલું બધુ બદલી નાખશે. કોરોના સામે લડતા લડતા વિશ્વના દરેક દેશે અલગ રસ્તાઓ અપનાવ્યા. પણ આ સમગ્ર સમય દરમિયાન તબીબો અને ફ્રન્ટલાઇન વર્કર્સે ઢાલ બનીને વિશ્વની રક્ષા કરી છે, એવાતમાં શંકાને કોઇ સ્થાન નથી.
કોરોના વાયરસ જેમ જેમ વકરતો ગયો લોકોને તેની ગંભીરતા સમજાતી ગઇ. હવે આખરે એક વર્ષ પછી આપણી પાસે કોરોના સામે લઢવા માટે રસીઓ આવી ગઇ છે. ભારતની વાત કરીએ તો ભારતમાં આપણી પાસે હાલમાં બે કોરોના રસી ઉપલ્બ્ધ છે. ભારત બાયોટેકની કોવેક્સિન અને SIIની કોવિશિલ્ડ. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયો છે, જેમાં પહેલા કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના રસી આપાવાની છે.
ભારતમાં છેલ્લા બે દિવસમાં કોરોના રસી લીધા પછી ઉત્તર પ્રદેશના એક વોર્ડ બૉયના મોત સહિત 580થી વધુ લોકોને કોરોના રસીથી આડઅસર થઇ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. એટલે ભારત બાયોટેકે (Covaxin,Bharat Biotech) આજે એક જાહેરનામું બહાર પાડ્યુ છે, જેમાં તેણે સ્પષ્ટતા કરી છે કે અમુક પ્રકારની બીમારી કે એલર્જીથી પીડાતા લોકોએ તેની કોવેક્સિન લેવાનું ટાળવુ.
ભારત બાયોટેકના સૂચનાઓ મુજબ, જો કોઈ રોગને લીધે તમારી પ્રતિરક્ષા નબળી છે અથવા તમે કેટલીક દવાઓ લઈ રહ્યા છો જે તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે, તો તમારે કોવેક્સિન ન લેવી જોઈએ. અમને જણાવી દઈએ કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જો તમે ઇમ્યુનોડેફિશિયન્સીથી (immunodeficiency) પીડિત છો અથવા જો તમારી રોગપ્રતિરક્ષા ઓછી છે, એટલે કે તમે કોઈ અન્ય સારવાર માટે રોગપ્રતિકારક શક્તિની દવા લઈ રહ્યા છો, તો તમારે કોરોનાની આ રસી-કોવેકિસન લેવાનું ટાળવું.
આ લોકોએ ભારત બાયોટેકની કોવેક્સિન લેવી નહીં:
- જેને એલર્જી
- તાવના દર્દીઓ
- જે લોકો રક્તસ્રાવથી પીડિત છે અથવા લોહી પાતળા કરવા માટેની દવાઓ લઈ રહ્યા છે
- સગર્ભા સ્ત્રીઓ, અથવા સ્ત્રીઓ જે સ્તનપાન કરાવતી હોય
- આરોગ્ય સાથે સંબંધિત ગંભીર બીમારીથી પીડાનાર દર્દીઓ
ભારત બાયોટેકે લોકોને વિનંતી કરી છે કે તેઓ રસી લેતા પહેલા જો તેમને ઉપરોક્ત કોઇપમ સમસ્યા હોય તો તાત્કાલિક રસી આપનારને જાણ કરે.