ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગમાં ગત રોજ ૧૧૬ લોકો મૃત્યુ પામ્યાં જેમાં મહિલાઓ અને બાળકો, હંમેશની જેમ, મહત્તમ હતાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું કહેનાર બાબા ફરાર છે. ૨૦૦૫માં સતારામાં ભાગંભાગીમાં ૩૪૦ શ્રદ્ધાળુઓ(?) મરણને શરણ થયાં હતાં. 2008માં બિલાસપુરમાં ૧૬૨ ભક્તો માર્યાં ગયાં હતાં. યાદી લાંબી છે. પ્રશાસનની તો મોટી ભૂલ છે જ, પણ આ લોકોને ભગવાન બનાવે છે કોણ? શું એવું કોઈ સર્વેક્ષણ થયું છે ખરું જેમાં સાબિત થાય કે ફલાણા કે ઢીકણા બાબાને શરણે જવાથી અમુક તમુક દુ:ખ દૂર થયું? મારે ખાલી આર્થ્રાઇટીસ મટાડવું છે, કોઈ હરિનો લાલ છે? આ બાબાઓ, કથાકારો, તાંત્રિકો-માંત્રિકો બહુ જ અલ્પ કાળમાં કરોડોપતિ બની જાય છે અને વૈભવમાં આળોટે છે. ભક્ત ત્યાંનો ત્યાં જ રહે છે. મહેનત, પુરુષાર્થ, ઉદ્યમ સિવાય ઉદ્ધાર નથી.
ગીતાકારે ત્રણ કર્મો કહ્યાં છે; સંચિત્, ક્રિયમાણ અને પ્રારબ્ધ. સુખ અને દુ:ખ આપણાં કર્મો પર આધારિત છે અને સદકર્મો છતાં પીડા આવે તો તેને માટે જવાબદાર સંચિત્ કે પ્રારબ્ધ કર્મો છે. શ્રી રામે વનગમન નહોતું કરવું પડ્યું? અને તે પણ ૧૪ વર્ષ માટે? આપણે જરાક ટાંકણી કે સોય વાગે છે અને હાલી ઊઠીએ છીએ, જિસસે લાંબા લાંબા ખીલા શેં સહ્યા હશે? મીરાંબાઈ? એકનાથ, તુકારામ? યાદી ખૂબ લાંબી છે. આ સૌ પીડાનો પર્યાય હતાં. આ પ્રકારનાં સત્સંગો અંગે પણ કાયદા હોવા જોઈએ અને આ પ્રકારનાં કથાકારો, બાબાઓ, બાબીઓ વગેરે પર પણ, કેટલાંકનાં ચાલે છે તેમ, કેસ ચાલવા જોઈએ.
બારડોલી – વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.