Charchapatra

આ છે પ્રજાના સેવકો?

હાલની લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ, જેમાં મોદી સરકારના 99 ટકા મંત્રીઓ કરોડપતિ જેની સરેરાશ મિલ્કત રૂા. 107 કરોડ!! જ્યારે માણસાઈની વાત કરીએ તો 11 મંત્રીઓ સામે ગંભીર ગુના જેવા કે હત્યાનો પ્રયાસ મહિલાઓ સામે દુષ્કર્મના કેસના આરોપી છે. હવે માલેતુજાર સેવકના હાથમાં સેવા કરવાની આવે તો તેને ભારતની ગરીબ જનતાનો ખ્યાલ ક્યાંથી આવે?! અને ગુનેગારના હાથમાં સત્તા આવે ત્યારે ગુના ઓછા થવાની તો વાત જ ક્યાં રહી?! સાહેબની ઘંટડીથી દોડી આવતા પટાવાળાને સાહેબના કરતૂતની જાણ થયા બાદ કેવું કામ કરે?! અને સાહેબ પણ શું બોલી શકે?

ભાજપના જ દિગ્ગજ નેતા યેદુરપ્પા જેની ઉંમર 81 વર્ષ તેના પર 17 વર્ષની કિશોરી પર બળાત્કારના આરોપમાં પોસ્કો હેઠળ ધરપકડ થયાના સમાચાર વાંચવા મળે ત્યાં હવે શું બાકી રહ્યું? એવો વિચાર આમ જનતાને આવે અને એ શરમની વાત છે તેમ છતાં સાહેબ, આ તો કારણ વગરનું રાજકારણ છે!! ગુનેગારો પૈસાના બહાર ફરે, સોગંદનામા કરે, ચૂંટાઈ પ્રજાના સેવક બને!! જ્યારે દેશમાં કાચા કામના કેદી વર્ષોથી જેલમાં પીડાતા હોય છે, એમના પરિવારનું શું?! એમનાં બાળકોનું શું?! એની વેદનાની સંવેદના આ સેવકો પાસે રાખવી શું યોગ્ય છે?! સાહેબ હવે દરેક જગ્યાએ લક્ષ્મીનો જ પ્રભાવ રહેવાનો.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિશ્વ યોગ દિવસ
21મી જૂન વિશ્વયોગનો દિવસ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં શરૂ થયેલા આ ભારતના પ્રાચીન યોગથી લોકો હવે સારી રીતે પરિચિત થઇ ગયાં છે. યોગપ્રેમી લોકોએ યોગને રોજિંદા જીવનમાં અપનાવી લીધો છે. યોગથી મન મજબૂત અને તન તંદુરસ્ત રહે છે. તાણથી મુક્ત થઇ સ્વસ્થ રહી શકે છે. વિશ્વયોગનો દિવસ દેશવિદેશનાં લોકો હોંશેહોંશે રંગેચંગે ઉજવે છે. ડિપ્રેશનમાંથી મુકત થવા માટે યોગના પ્રયોગ શ્રેષ્ઠ સાબિત થયા છે. દર મહિનાના ત્રીજા રવિવારે સાંજે એક કલાકનો વિશેષ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ સંસ્થામાં આ શહેરમાં વર્ષોથી યોજાય છે. વિશ્વયોગથી ઓળખાતા આ કાર્યક્રમમાં લોકો સમયસર હાજર થઇ જાય છે. મફતમાં એનો લાભ લે છે.

અહીંના અલૌકિક વાતાવરણ અને પવિત્ર બહેનોની સેવાથી ધીમે ધીમે ટેન્શનથી મુકત થાય છે.આ કાર્યક્રમમાં ભાગ લેતાં પહેલાં યોગ વિશેની જાણકારી મેળવવી જરૂરી છે. શાંત ચિત્તે  બેસીને પરમાત્માની યાદથી ફાયદો થાય છે. એક મહત્ત્વની જાણકારી આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના જીવનની કરવી છે. પરિવારની કેટલીક દુ:ખદ ઘટનામાં તેઓ પણ ટેન્શનમાં આવી ગયાં હતાં. વર્ષો પહેલાંની આ વાત છે. એ સમય પર તેઓ પણ આ સંસ્થાના પરિચયમાં આવ્યાં હતાં. યોગના પ્રયોગથી તેઓની અવસ્થા સુધરી ગઇ હતી. વર્ષોથી તેઓ પણ રાજયોગ નિયમિત કરે છે. યોગી બનો, જ્ઞાની બનો.
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top