Charchapatra

આ કાર્યસ્થળ પર થતા અકસ્માત નથી, શ્રમિકોની નિર્દયતાપૂર્વકની હત્યા છે

બિલ્ડિંગસાઈટ પર માટી ધસી પડતાં છ મજૂર દટાયાં, બહુમાળી બિલ્ડીંગના બાંધકામ દરમિયાન લીફ્ટ તૂટી પડતાં સાત મજૂરોનાં મોત. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટી ક્રેન પડતાં બે મજૂરોનાં મોત. ડીસાથી માંડીને ઉત્તર ભારતમાં આશરે દસ જગ્યાએ ફટાકડા બનાવતી ફેકટરીમાં જુદા જુદા અકસ્માતોમાં થયેલા વિસ્ફોટમાં સો થી વધુ કારીગરોનાં મોત! જો આપણને આ સમાચારો સતત વાંચવા પડે તો ગુસ્સો કે કંટાળો આવે છે તો વિચારો, જે પરિવારો ઉપર આવા આઘાતો સતત આવતા હશે તેનું શું થતું હશે?

આમ તો આતંકવાદીઓના બોમ્બ વિસ્ફોટમાં બે કે ત્રણ નિર્દોષ માણસો મરી જાય તો પણ આપનાં માધ્યમોથી માંડીને માધ્યમ વર્ગની ચર્ચાઓ સુધી સૌ દુ:ખી થાય, આક્રોશ વ્યક્ત કરે પણ આપણા જ તહેવારોની ઉજવણી માટે આપણા જ લોકો દ્વારા ચલાવતા ગેરકાયદે ફટાકડા ઉત્પાદનની જગ્યામાં સો થી વધુ મજૂર બોમ્બ વિસ્ફોટમાં જ મરી ચૂક્યા છે અને આપણે તેના વિષે એક સેકન્ડ પણ વિચારતા નથી. ફટાકડાનું પ્રદૂષણ તો અલગ જ વાત છે પણ આ દુર્ઘટનામાં મરતાં લોકો તો આપણી ચિંતાનો વિષય હોવો જ જોઈએ. જો દેશમાં આ પ્રકારની દુર્ઘટનાઓના આંકડા ભેગા કરવામાં આવે તો આપણને સમજાશે કે ગરીબ શ્રમજીવીઓ કેટલી ઝડપે મરી રહ્યા છે. ગરીબી હટાવોનો નારો ગરીબો હટાવોની વાસ્તવિકતા બની ગયો છે.

દેશમાં વસ્તી અને ગરીબી બન્ને ઘટી રહ્યાં છે પણ આ રીતે ન તો ગરીબી ઘટવી જોઈએ ન તો વસ્તી!

દેશમાં અગણિત દુર્ઘટનાઓ બની રહી છે પણ આ કાર્યસ્થળની દુર્ઘટનાઓ એ નફફટ અને બેદરકારીના કારણે થઇ રહી છે અને તેનું કારણ છે શાસનવિહીનતા. કોઈને કાયદાનો ડર નથી. કોઈ જગ્યાએ કાયદેસરની તપાસ નથી. અધિકારીઓ ટેબલ પર બેઠા બેઠા બધી મંજૂરીઓ આપે છે અને કામની જગ્યાના સેફટી માટેના નિયમો બિલકુલ પળાતા નથી. કામ બુલેટ ટ્રેનનું હોય કે જાહેરાતના બોર્ડ લગાવવાનું, બધે જ શ્રમિકો જાતે જ જોખમ લઈને કામ કરે છે.

સુપ્રીમના ઓર્ડર બાદ પણ મજૂરોને ગટર સાફ કરવા ગટરમાં જ ઊતરવું પડે છે અને દેશમાં આટલા સફાઈ કામદારો ગટરમાં ગૂંગળાઈ મર્યા તે માટે એક પણ એસ. સી. એસ.ટી. સીટ પર સંસદ બનેલા કે ધારાસભ્ય બનેલા નેતાઓ બોલતા નથી અપવાદ જીગ્નેશ મેવાણી. શ્રમિકોના મોતનો પ્રશ્ન કોંગ્રેસને પણ નથી નડતો પણ મૂળ આ પ્રશ્ન રાજકીય આંદોલનનો છે જ નહીં. ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પ્રથા આખી દુનિયામાં છે પણ, જે જરૂરી સલામતીનાં પગલાં લેવાવાં જોઈએ તે લેવાવાં જ જોઈએ. સાઉદી અરબથી આવેલા એક યુવાને ભાવનગરના અલંગ શીપીંગ યાર્ડમાં કામ કર્યાના મહિનામાં જ જણાવ્યું કે સાવ આવું તો સાઉદીમાં પણ નથી ચાલતું.

ભારતમાં છેલ્લા સમયમાં જ્યારે જ્યારે શ્રમિક કાયદામાં સુધારા થયા છે ત્યારે ત્યારે શ્રમિકોના કામના કલાકો જ વધ્યા છે. વેતનની નિશ્ચિતતા માટે સુધારા થયા જ નથી. શ્રમસાઈટ પર જવાબદારી અને અકસ્માત થાય ત્યારે કડક સજાનો અમલ જ્યાં સુધી નહિ થાય ત્યાં સુધી આ મોત અટકશે નહીં અને કામના સ્થળે તદ્દન લાપરવાહીના કારણે થતા મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા ગણાવવાં જોઈએ. જે બેદરકારી મોરબીના પુલમાં હતી, જે બેદરકારી રાજકોટ ગેમ ઝોનમાં હતી તે જ બેદરકારી અને ભ્રષ્ટાચાર ફટાકડાની ફેકટરીમાં થતી દુર્ઘટનાઓમાં છે. વડા પ્રધાન શ્રી કાયમ પોતાને ગરીબોની ચિંતા કરનારા ગણે છે તો તેમને ખાસ રસ લઈને આ કાર્યસ્થળની જવાબદારીનો કાયદો બનાવવો જોઈએ અને બેજવાબદારો, ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવડાવવાં જોઈએ. જાગૃત અને નિસ્બતવાળા નાગરિક તરીકે આપણે પણ આ માંગ કરવી જોઈએ નહીં તો આ દુર્ઘટનાઓનો રેલો આપણા પરિવારને પણ ભરખી જશે તે નક્કી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top