સુરત: સુરતના (surat) કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં શુક્રવારે વિચિત્ર ઘટના બની હતી. અહીં એક યુવક આવ્યો બેગમાં 500 ગ્રામ સોનું છે એમ કહી બેગ મુકી જતો રહ્યો. યુવકના જતા રહ્યા બાદ બેગ ચેક કરવામાં આવતા અંદરથી એવી વસ્તુ મળી કે તે જોતાં જ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
- યુવાનની બેગ તપાસતાં ટાઇમર-વાયર નીકળતાં ભાગમભાગ
- પોલીસે બોમ્બ હોવાની શંકાના આધારે તપાસ કરી, પરંતુ કાંઈ નહીં નીકળ્યું
ખરેખર આ ઘટના શુક્રવારે સવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની હતી. અહીં અજાણ્યો યુવક બેગ મૂકી ગયા બાદ પરત આવ્યો નહીં. યુવક પરત ન ફરતાં બેગ ચેક કરતાં તેમાં સરકીટ, ટાઇમર અને વાયર નીકળતાં જ્વેલર્સની દુકાનમાં દોડધામ થઇ ગઇ હતી.
કાપોદ્રામાં માતૃશક્તિ રોડ પર નાકરાણી જ્વેલર્સમાં શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાના સમયે 25 વર્ષનો યુવાન આવ્યો અને તેણે જણાવ્યું કે, આ બેગમાં 500 ગ્રામ સોનું છે, બેગ ખોલતા નહીં. હું બીજું સોનું લઇને આવું છું. આ બેગ તમારી પાસે જ રાખજો. યુવાન લાંબા સમય સુધી નહીં આવતાં દુકાનદાર દ્વારા બેગ ખોલવામાં આવી હતી. પરંતુ બેગમાંથી વાયરો અને સરકીટ તથા ટાઇમર નીકળ્યા હતા.
તેથી ત્વરિત નાકરાણી જ્વેલર્સના સંચાલક દુકાન ખાલી કરી બહાર નીકળી ગયા હતા. તેમણે બોંબની શંકાના આધારે પોલીસ બોલાવી હતી. પોલીસે ચેક કરતાં તેમાં બોંબ નહીં હોવાની વિગત બહાર આવી હતી. સીસીટીવી ફૂટેજમાં યુવાન માસ્ક પહેરીને આવ્યો હતો, જે જતો દેખાય છે. પોલીસે યુવાનની શોધખોળ શરૂ કરી છે. શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર ધસી ગયા હતા.