Vadodara

શહેરમાં 400થી વધુ શેરી ગરબામાં ખેલૈયાઓ ઘુમશે

વડોદરા: સંસ્કારીનગરીની આગવી ઓળખ સમા ભાતીગળ નવરાત્રીના નવલા ગરબા રમવાની તંત્રએ છુેટ આપતા જ શહેરમાં 400 થી વધુ શેરી ગરબાના આયોજકોએ પોલીસ પરવાનગી અંગે અરજીઓ કરતા ખેલૈયાઓની ઉત્સુકતા અને થનગનાટ અત્યારથી જ ઉભરાઈ રહ્યો છે.હાલ સમા કરોનોા મહામારીએ બે વર્ષથી હજારો નિર્દોષોને મોતના મુખમાં ધકેલી દેતા સમગ્ર વિશ્વના નાગરીકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ હતું. એવુ કહેવાય છે કે કોરોનાથી ઉભી  થયેલી પારાવાર હાડમારીએ પ્રજાને ગમે તે પરિસ્થતીમાં જીવતા શિખવાડી દિધુ છે. જે હકિકત નવરાત્રીમાં પણ ઉજાગર થતી જોવા મળશે. ડી.જેના ઘોંઘાટીયા ઝાકઝમાળ વચ્ચે લાખો રૂપિયાના ખર્ચે પાર્ટીઓ અને કલબોમાં રમાતા ગરબા આ વર્ષઁે માત્રને માત્ર શેરી ગરબામાં જ આયોજીત કરવા રાજ્ય સરકારની કોર કમીટીએ જાહેર કર્યું હતું.

કોરોના કહેર ઔશત શાંત થતા તંત્રએ ખેલૈયાઓની લાગણીને સમજી 400 લોકોની મર્યાદીત સંખ્યમાં જ શેરી ગરબાને લીલી ઝંડી આપી દીધી હતી. ખુશી અને હર્ષોલ્લાસથી જુમી ઉઠેલા ખેલૈયાઓને પારંપરાગત શેરી ગરબા રમાડવા આયોજક મંડળોએ સત્વરે મીટીંગો યોજીને તમામ તૈયારીઓ જોર શોરથી આદરી દીધી હતી. નવરાત્રી માટે ફરજીયાત મનાતી પોલીસ પરવાનગી અંગે અત્યારથી જ 400 થી વધુ અરજીઓ પોલીસ સ્ટેશનોમાં કરાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક અગ્રણીઓ તથા આયોજકો પરવાનગી અંગે વ્યાપક દોડધામ મચાવતા પોલીસ સ્ટેશનોમાં જોવા મળી રહ્યા છે. બે વર્ષ બાદ પરંપરાગત ગરબા મહોત્સવનો ભરપુર લાભ લેવા થનગનતુ યૌવન ધન તો અત્યારથી જ તમામ તૈયારીઓમાં ઉત્સાહભેર લાગી જતા ચાલુ વર્ષ નવરાત્રીની રોનક યથાવત રીતે ઉભરી આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

નેતાઓને ટોળાની છુટ, પાર્ટી પ્લોટના ગરબામાં કોરોનાનો ડર

કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા પાર્ટી પ્લોટો અને કલબના આયોજકોને ગરબાના અાયોજન અંગે મંજુરી ના મળતા ઉચ્ચ સ્તરે રજુઆતો કરવા પાટનગર સુધી દોડધામ મચાવી રહ્યા છે. મોટા ગરબા વૃંદો, ડી.જીે. ડેકોરેશન સહિતના યુનીટો તો કોરોનાનો માર ખાઈને બેકાર જેવા બની ગયા છે. તેમાં બીજા વર્ષે પણ પરવાનગી ના મળતા માથે હાથ દઈને બેસી રહેવાનો વારો આવ્યો છે.જો કે પાર્ટી પ્લોટ આયોજકો ઉચ્ચ સ્તરે હાલ પણ વાટાઘાટો ચલાવીને યેન-કેન પ્રકારે મંજુરી મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

જાત ભાતની ચણિયાચોળી લેવા યુવાધનનો નવાબજારમાં ભારે ઘસારો

દેશ-વિદેશમાં વિખ્યાત બની ચુકેલા નવલી નવરાત્રીના ગરબા રવા અને નિહાળવા વિદેશીઓ પણ પ્રતિવર્ષ વડોદરામાં નવરાત્રીની રંગતમાં રમતા જોવા મળે છે. તે ભવ્ય રોનકને જીવંત કરવા કમ્મર કસના ખેલૈયાઓ અને યુવાધનનો ધસારો નવા બજારમાં અભુતપુર્વ જોવા મળ્યો હતો. નયનરમ્ય ચણિયાચોળી સાથે સેટ થતી તમામ પ્રકારની જ્વેલરી ખરીદવા મંગળબજાર સાથે નવા બજારમાં ખરીદીની રોનક જોવા મળતા દુકાનદારોએ પણ ખુશી અનુભવીને સીઝન સારી જવાની આશા સેવી હતી. જો કે તંત્રની જાહેરાત આખરી અઠવાડીયે થતા જુની ડિઝાઈન અને જુનો માલ દુકાનોમાં વેચાતો જોવા મળતો હતો. છતાં ખરીદીમાં તો તેજી જણાતી હતી. 

પાવાગઢમાં ત્રણ નવરાત્રી બાદ પ્રથમ વખત શ્રધ્ધાળુઓ માતાજીના પ્રત્યક્ષ દર્શન કરશે

હિન્દુ ધાર્મિક પરંપરામાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. બાર મહિનામાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી આવે છે. જોકે, છેલ્લા દોઢ વર્ષથી સુપ્રસિધ્ધ પાવાગઢ યાત્રાધામ ખાતે નવરાત્રીના દર્શન ભક્તો કરી શક્યા ન હતા. પરંતુ કોરોના ઓછો થતા જ આ વખતે શ્રધ્ધાળુઓ આસો નવરાત્રીના નવે નવ દિવસ પાવાગઢ સ્થિત મહાકાળી માતાના દર્શન કરી શકશે. પાવાગઢ યાત્રા ધામ ટ્રસ્ટ દ્વારા પાવાગઢ દર્શન માટે ખાસ ગાઈડ લાઈન અને ટાઈમટેબલ ની જાહેરાત કરવામાં આવી છે. આસો નવરાત્રી દરમિયાન નવ દિવસ ભક્તો માટે મંદિરના દ્વાર સવારે પાંચ કલાકે ખુલ્લા મુકવામાં આવશે.

અને રાત્રે આઠ વાગ્યે દર્શન બંધ કરવામાં આવનાર છે. નવરાત્રી દરમિયાન દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓ માટે કોરોનાના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનેટેનાઈઝીંગ પર વિશેષ ધ્યાન તંત્ર દ્વારા આપવમાં આવશે. ત્રણ નવરાત્રી પછી પ્રથમ એવી નવરાત્રી છે જ્યાં ભક્તો માતાજીના પ્રત્યેક્ષ દર્શન કરવાનો લ્હાવો લઈ શકશે. અને એટલે જ નવરાત્રી દરમિયાન 8 થી 10 લાખ શ્રધ્ધાળુઓ દર્શન માટે પાવાગઢ તીર્થ સ્થળે અાવે તેવી પણ શક્યતાઓ રહી છે. જેને લઈ મંદિર ટ્રસ્ટ અને પોલીસ તથા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Most Popular

To Top