અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન કાર્યક્રમ માટે ભારત અને વિદેશના મોટા મહાનુભાવોને આમંત્રિત કરવાની પણ યોજના છે. દેશના મુખ્ય વિરોધ પક્ષોના ઘણા ટોચના નેતાઓને પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવશે, પરંતુ આમંત્રણ આપતાં પહેલાં ટ્રસ્ટ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જે નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે તેઓ કાર્યક્રમમાં હાજર રહે. જેઓ અંગત પ્રતિબદ્ધતાઓ અથવા અન્ય કોઈ કારણોસર આવી શકતા નથી તેઓને આમંત્રણ આપવામાં આવશે નહીં.
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ ૨૨ જાન્યુઆરી ખૂબ નજીક છે. દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને ઉદ્ઘાટન સમારોહમાં ન આવવાની અપીલ કરી છે. ચંપત રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ‘‘મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી સ્વાસ્થ્ય અને ઉંમર સંબંધિત કારણોથી ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહી શકશે નહીં. બંને વૃદ્ધ છે તેથી તેમની ઉંમરને ધ્યાનમાં લઈને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે મુખ્ય યજમાન તરીકે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. આવી સ્થિતિમાં વહેલી તકે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બરાબર ૧૧ વાગ્યે રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ અમે ભગવાન રામલલ્લાના અભિષેક માટે ૧૧.૩૦ સુધીમાં પહોંચી જઈશું. અડવાણીજીની હાજરી ફરજિયાત છે, પરંતુ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને અમે કહીશું કે તેઓ મહેરબાની કરીને ન આવે.’’ચંપત રાયે મુરલી મનોહર જોશી વિશે કહ્યું હતું કે ‘‘મેં પોતે ડો. મુરલી મનોહર જોશી સાથે વાત કરી છે. હું તેમને ફોન પર ન આવવાની વારંવાર વિનંતી કરતો રહ્યો અને તેઓ હું આવીશ તેવી જીદ કરતા રહ્યા હતા.’’
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રામ મંદિરના ઉદ્ઘાટન સમયે કોઈ મોટું સ્ટેજ બનાવવામાં આવશે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાક મહાનુભાવો માટે મર્યાદિત માત્રામાં ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે. બાકીના મહેમાનો સામેના પંડાલમાં હશે. ગર્ભગૃહ પાસે લગભગ પાંચ હજાર ખુરશીઓની જોગવાઈ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ટ્રસ્ટ એવા લોકોને જ આમંત્રણ મોકલશે, જેઓ કાર્યક્રમમાં હાજરી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી અને ઉદ્ઘાટનનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રસંગ હોવાથી આ પ્રસંગે સમગ્ર અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રહેશે.
વડા પ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસપીજીના જવાનો અગાઉથી સમગ્ર સંકુલની સુરક્ષા સંભાળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે હાજર રહેશે અને સુરક્ષાની સંપૂર્ણ માહિતી લેશે. આ પ્રસંગે વધુ હાઈ પ્રોફાઈલ મહેમાનોના આગમનથી લોકોની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થા પર અસર પડી શકે છે. આ જ કારણ છે કે ઉદ્ઘાટન કાર્યક્રમમાં બહારના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવશે નહીં. સામાન્ય રીતે રાજ્યના મુખ્ય પ્રધાનના આગમન પર જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવામાં આવે છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ અન્ય વહીવટી અધિકારીઓ સાથે મુખ્ય પ્રધાનની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.
આટલા મોટા કાર્યક્રમમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાને જોતાં અન્ય કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. ઉદ્ઘાટન કાર્યક્રમમાં અંદાજે એક લાખ લોકો આવે તેવી શક્યતા છે. મંદિરની આસપાસ મોટી જગ્યા ઉપલબ્ધ ન હોવાને કારણે આ ભીડ પણ ઘણી વધારે હશે. આવી સ્થિતિમાં લોકો માટે મંદિર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવશે. ભીડમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતી સંખ્યામાં સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવશે.
રામ મંદિરના અભિષેક સમારોહમાં ટોચના વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ઉદ્ઘાટન માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ આમંત્રણ મોકલ્યું છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી અને ભૂતપૂર્વ વડા પ્રધાન દેવેગૌડાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે પાર્ટીના ટોચના નેતાઓ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના કાર્યક્રમમાં જશે કે નહીં? પરંતુ પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે મળેલા નિમંત્રણની પુષ્ટિ કરી હતી.
આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ હાજરી આપશે. પ્રાણપ્રતિષ્ઠા પૂજા ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ શરૂ થવાની છે અને ૨૨ જાન્યુઆરીએ સમાપ્ત થશે. અહીં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ આખું સપ્તાહ ચાલશે. ૧૭ જાન્યુઆરીએ ભગવાન રામની ઝાંખીની શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં ભગવાન રામના જન્મથી લઈને તેમના વનવાસ સુધીની તસવીરો હશે. લંકા પરની જીત અને અયોધ્યા પરત ફરવાની ઝલકો પણ જોવા મળશે.
સ્થાનિક અખબારી અહેવાલોમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશભરમાંથી લગભગ ૩ થી ૫ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. આ આંકડો હજુ વધારે હોઈ શકે છે. આ સમારોહ માટે અયોધ્યાની મોટા ભાગની હોટલો પહેલેથી જ ભરાઈ ગઈ છે. જે હોટલોમાં આ તારીખો પર રૂમ ઉપલબ્ધ છે, તેમનાં ભાડાં આકાશને આંબી ગયાં છે. અહીં પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે રાત્રિનું ભાડું ૭૦,૦૦૦ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આગામી સમયમાં અયોધ્યામાં હોટલ બિઝનેસમાં મોટી તેજી આવી શકે છે.
જ્યારે તમે રામ મંદિરના અભિષેકના દિવસ માટે હોટેલ બુક કરવા માટે ઓનલાઈન હોટેલ બુકિંગ સાઇટ્સ પર લોગ ઇન કરો છો, તો ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા નજીક ફૈઝાબાદમાં સિગ્નેટ કલેક્શન હોટેલનું એક રૂમનું ભાડું ૭૦,૨૪૦ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, જો અન્ય હોટલની વાત કરીએ તો રામાયણ હોટેલમાં એક રૂમ લગભગ ૪૦,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસનાં ભાડાં પર ઉપલબ્ધ છે. જો તમે નમસ્તે અયોધ્યા હોટેલમાં એક દિવસ માટે રૂમ બુક કરો તો તમારે આ સમયે ૩૩,૯૨૦ રૂપિયા ભાડાં તરીકે ચૂકવવા પડશે. અહીં હાજર અન્ય લક્ઝરી હોટલોની વાત કરીએ તો અયોધ્યા રેસિડેન્સીનું ભાડું ૧૨ થી ૨૦ હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે.
વર્ષોની રાહ બાદ હવે જ્યારે રામ મંદિર ખૂલવા જઈ રહ્યું છે ત્યારે માત્ર હોટલ બિઝનેસ જ નહીં, પરંતુ એવિએશન સેક્ટર પણ અયોધ્યા પર નજર રાખી રહ્યું છે. ઈન્ડિગો કંપની દિલ્હી અને અમદાવાદથી અયોધ્યા માટેની ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. ૩૦ ડિસેમ્બરે ઉદ્ઘાટન ફ્લાઇટ પછી અયોધ્યા માટે સીધી ફ્લાઇટો ૬ જાન્યુઆરી ૨૦૨૪ થી શરૂ થશે. ઈન્ડિગો બાદ હવે એર ઈન્ડિયા પણ દિલ્હીથી અયોધ્યા માટેની ફ્લાઈટો શરૂ કરવા જઈ રહી છે. પ્રથમ ફ્લાઇટ ૩૦ મી ડિસેમ્બરથી ઉપડશે અને ૧૬ મી જાન્યુઆરીથી આ રૂટ પર નિયમિત સેવાઓ શરૂ કરવામાં આવશે.