Charchapatra

વડા પ્રધાન મોદી ખેતી અને ખેડૂતોને અર્થતંત્રની મધ્યમાં લાવે તો ક્રાંતિ થશે

વડા પ્રધાન મોદીએ કાશી પહોંચી જે વાત કરી તે જો સરકારી ઈચ્છા અને તંત્રગત સક્રિયતા સાથે લક્ષ્ય પાર કરે તો દેશનું ખેતી ક્ષેત્ર સમૃદ્ધ થશે. વડા પ્રધાને કહ્યું છે કે ભારતને વિશ્વની ત્રીજી આર્થિક શક્તિ બનાવવામાં સમગ્ર કૃષિ ક્ષેત્રની મહત્ત્વની ભૂમિકા હશે. દુનિયાના દરેકના ભોજનમાં ભારતનું ધાન હોય તેવું તેમનું સપનું છે. આવું સપનું અત્યાર સુધીના કોઈ વડા પ્રધાને સેવ્યું નથી. મોદી જો પ્રામાણિક સરકારી લક્ષ્ય સાથે કામ કરે તો દેશનો ખેડૂત સમૃદ્ધ થશે અને શહેર-ગામડાં વચ્ચે અને તેના ઉદ્યોગો વચ્ચે જે અસમાનતા તે દૂર થશે.

કૃષિ પાકનું બજાર પણ વધારે જાગૃત થશે અને પાકમાં વૈવિધ્ય ઉમેરાશે. ભારતમાં અનેક પ્રકારની જમીનો છે, આબોહવાનું વૈવિધ્ય છે એટલે ઘણું વૈવિધ્ય શક્ય છે. સરકારની બેન્ક અને ભારતીય કૃષિ વૈજ્ઞાનિકો પણ ખેતી અને ખેડૂતની સમસ્યા વિશે વધુ જાગૃત બને તો અપાર શક્યતા છે. વડા પ્રધાન મોદી આ પ્રકારનાં સપનાં જુએ છે તે મોટી વાત છે ને તેઓ આ રીતે અર્થતંત્રને પણ વધારે ભારતીય બનાવશે. મોટાં ઉદ્યોગગૃહો જ અર્થતંત્ર પર નિયંત્રણ રાખશે તો દેશનાં નાગરિક ફકત ગ્રાહક જ બની જશે.
સુરત     – નીલુ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વરસાદની કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો
સામાન્ય રીતે જેઠ મહિનો બેસે એટલે ખેડૂતો ખેતરમાં ઊભા પાકને ખાતર-દવાનો છેલ્લે ડોઝ આપી દેતા હોય છે અને વરસાદના આગમનની રાહ જોતાં હોય છે. વરસાદ ન આવે એટલે ઈલે. મોટર કે એન્જીન દ્વારા પાકને પીવડાવતા હોય છે. મોટા ભાગે 12મી જૂને મુંબઈમાં વરસાદ શરૂ થાય પછી 15મી જૂન પછી દ.ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ આવતો હોય છે એવી આગાહી જોવા મળે છે. પરંતુ આ વર્ષે તો કાળઝાળ ગરમીના કારણે ઉનાળો બહુ તીવ્ર રહ્યો, કાતિલ ગરમી અને બફારાથી લોકો ત્રાસી ગયાં છે.

અડધો જૂન મહિનો પતી ગયો છતાં વરસાદના કોઈ અણસાર જોવા મળતા નથી. આથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. ચોમાસું ડાંગરનું ધરુ તૈયાર થઈ ગયું છે. ધરતીપુત્રો માફકસર વરસાદ પડે તો ડાંગરની રોપણી શરૂ કરી શકે. હાલ શેરડી, કેળ, શાકભાજીને પાણીની ખૂબ જરૂર છે. કેમ કે ઈલે.મોટરથી ગમે તેટલું પાણી આપો. પરંતુ કુદરતી વરસાદનું પાણી જે ઉપરથી પડે તે નાઈટ્રોજન ખાતર જેવું હોય છે. હવે તો મેઘરાજા મન મૂકીને  વરસે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top