SURAT

સુરતમાં જન્માષ્ટમીની થશે ભવ્ય ઉજવણી, ભાગળની સૌથી ઊંચી મુખ્ય મટકી આ મંડળના ગોવિંદા ફોડશે

સુરતઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના ભાગળ ચાર રસ્તા પર જન્માષ્ટમીની ખૂબ જ ભવ્ય ઉજવણી થનાર છે. આ વર્ષે પહેલીવાર આઠમના દિવસે ભાગળ ચાર રસ્તા પર 35 ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવશે, જે રાજ્યની સૌથી ઊંચી મટકી બની રહેશે. મટકી ફોડવા માટેના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.

સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના કોટ વિસ્તારમાં આવેલા ભાગળ ચાર રસ્તા ખાતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમ થવાનો છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાંજે 4.00 ક્લાકે ભાગળ ચાર રસ્તા ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો.

ડ્રોમાં વેડરોડના શ્રી યુવક મંડળનું નામ નીકળ્યું છે. તેથી ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડરોડના શ્રી યુવક મંડળના ગોવિંદ ફોડશે. તેઓને 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. ઉપરાંત આ વર્ષે ભાગળ પર મહિલાઓ માટે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ કલબનું મહિલા મંડળ અને રૂદરપુરા ખારવા વાડનું આર.કે સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે.

પત્રકાર પરિષદને સંબોધતા શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતે કહ્યું કે, આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડવામાં આવશે. આ મહિલા મંડળોને 11,000 નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે. આ વર્ષે 25 વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગળ ખાતે મટકી બાંધવામાં આવે છે. જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં અડાજણનું શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબનું નામ ખુલ્યું હતું. જેઓ મટકી ફોડશે. તેઓને 11,000 રૂપિયાનું રોક્ડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે. તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાશન ઈનામ તથા ટ્રોફી આપવામાં આવશે.

યુથ ફોર ગુજરાત દ્વારા સંજય નગર ચોક લિંબાયત ખાતે મટકીને સલામી આપવા 11 મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા 10 મંડળો ભાગ લીધો છે. એમ કુલ 21 ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે. બે મહિલા મંડળોએ પણ ભાગ લીધો છે. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા 1,51,000 નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે, લીંબાયત ખાતે પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ બે મટકી બાંધવામાં આવશે.

Most Popular

To Top