આણંદ : આણંદ શહેરના ખાનગી પેટ્રોલ પંપ પર મોડી રાત્રે અચાનક પેટ્રોલ ખૂટી પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકોની લાંબી લાઇનો લાગી હતી. મધરાત સુધી પેટ્રોલનો જથ્થો ન આવતા ઠેર ઠેર નો સ્ટોકના બોર્ડ લાગી ગયાં હતાં. આ સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં અફવાનો દોર શરૂ થઇ જતાં કેટલાક લોકો રાતોરાત પેટ્રોલ પુરાવા દોડધામ કરતા જોવા મળી રહ્યાં હતાં. આણંદ જીલ્લાના બોરસદ, તારાપુર, ખંભાત, માતર, ખેડા, ઉમરેઠ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ બંધ થવાના તેવી અફવા ઉડતા જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખરીદવા માટે વાહન ચાલકો નાના મોટા ડ્રમ લઈને ઉમટી પડ્યા હતા. જેના કારણે પોલીસની ગાડીઓ રાતોરાત દોડતી થઈ ગઈ હતી અને તમામ પેટ્રોલ પંપ પર જઈને લોકોને ભીડ ન કરવા સમજાવ્યા હતા. તેમ છતાં લોકો માનતા ન હતા. કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા માટે લોકો પડાપડી જોવા મળી હતી.
પેટ્રોલ અંગે વહેતી થયેલી અફવાઓના પગલે પંપ પરથી પેટ્રોલ મેળવવા માટે બોરસદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકોએ ભારે ઘસારો કર્યો હતો. વહેતી થયેલી ચર્ચાઓ અંતર્ગત પેટ્રોલની અછત સર્જાશે તેમજ તોતીંગ ભાવવધારો થવાનો હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. જેથી બોરસદ આસપાસના મોટાભાગના વાહનચાલકોએ પેટ્રોલ મેળવવા માટે નજીકના પેટ્રોલ પંપ પર ઘસારો કર્યો હતો. વાહનચાલકો મોડી રાત સુધી પોત પોતાના વાહનો સાથે સાગમટે ઉમટી પડ્યા હોવાથી ક્યાંક ક્યાંક વાહનચાલકો અને પેટ્રોલ વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા અને પોલીસ પણ બોલાવવાનો વારો આવ્યો હતો. અલબત્ત, બીજા દિવસે સ્થિતિ સામાન્ય જોવા મળી હતી. મોટા ભાગના પંપો પર પુરતો સ્ટોક હોવાથી વાહનચાલકોએ પેટ્રોલ પુરાવી હાશકારો અનુભવ્યો હતો.