સુરત(Surat) : નવેમ્બર (November) મહિનાના પ્રારંભ સાથે જ શહેરના વાતાવરણમાં (Weather) અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે બુધવારે તા. 1 નવેમ્બરની સવારે પવનની દિશા બદલાવા સાથે ગતિ ધીમી પડી હતી. તેની સાથે જ લઘુત્તમ તાપમાનમાં એક સાથે 3 ડિગ્રીનો ભારે ઘટાડો થતા વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.
હવામાન વિભાગના સૂત્રો મુજબ આજે બુધવારે સવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 21.8 ડિગ્રી નોંધાયું હતું, જે ગઈકાલે મંગળવારની સવારની સરખામણીએ 3 ટકા ઓછું હતું. મંગળવારે સવારે હવામાન વિભાગમાં તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડા અનુસાર 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી જળવાઈ રહ્યું છે. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા અને ઉત્તર પૂર્વ દિશા તરફથી 1 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
સુરત શહેરનું તાપમાન આજે બુધવારે સવારે 3 ડિગ્રી ઘટી જતા નવેમ્બર મહિનાના આરંભ સાથે શિયાળાની ઋતુના આગમનના સંકેતો મળી રહ્યાં છે.
ઠંડી સાથે વિદેશી પક્ષીઓનું આગમન
દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ સુરતના તાપી કિનારે આવી વસવાટ કરતા હોય છે. તે જ રીતે આ વર્ષે પણ વિદેશી મહેમાનો આવી પહોંચ્યા છે. વિદેશી યાયાવર પક્ષી સિગલ મોટી સંખ્યામાં તાપી નદી અને તેની આસપાસના જળાશયો પર આવી પહોંચ્યા છે. નહેરુ બ્રિજ પર મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ દેખાવા લાગ્યા છે.
ઠંડી વિશે અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
ઠંડી મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવેથી રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી ઠંડીનો વધુ અહેસાસ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.
તેમણે જણાવ્યું કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે.