સુરત(Surat): વર્દીના નશામાં વરાછા (Varacha) પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (PI) એ.એન.ગાબાણી ભાન ભૂલ્યા હતા. એક કેસના કાગળીયાના મુદ્દે કોર્ટે પીઆઈને સવાલો કરતા પીઆઈ ગાબાણીએ મેજીસ્ટ્રેટને (Megistrate) કહ્યું કે હું પણ એક ગેઝેટેડ ઓફિસર છું, નીચા અવાજે વાત કરો, પીઆઈના આવા વર્તનની કોર્ટે ગંભીરતાથી નોંધ કરી છે.
- વરાછા પીઆઈ એ.એન.ગાબાણીએ મેજિસ્ટ્રેટને કહ્યું ‘સાહેબ, હું પણ એક ગેઝેટેડ ઓફિસર છું, નીચા અવાજે વાત કરો’: કોર્ટમાં પીઆઈના શબ્દોથી સન્નાટો
- એક મેટરમાં વરાછા પોલીસે કોર્ટમાં કેસના અસલ કાગળીયા નહીં મોકલતા કોર્ટે પીઆઈને સમન્લ મોકલ્યા હતા, પીઆઈ કોર્ટમાં આવતા કોર્ટે કાગળીયા નહીં મોકલવાનું કારણ પૂછતા પીઆઈએ આવો જવાબ આપ્યો
કોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટે સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટને એક કેસને પુરો કરવા સૂચના આપી હતી. તે કેસને લગતા અસલ કાગળીયા વરાછા પોલીસ સ્ટેશનમાં હતા. કોર્ટે વરાછા પોલીસ પાસેથી અસલ કાગળીયા માંગ્યા હતા. પરંતુ વરાછા પોલીસે કોર્ટમાં અસલ કાગળીયા મોકલ્યા ન હતા. તેથી કોર્ટે પીઆઈ એ.એન.ગાબાણીને સમન્સ મોકલ્યા હતા.
તા. 5 એપ્રિલને શુક્રવારના રોજ ગાબાણી કોર્ટમાં હાજર રહ્યા હતા. ગાબાણીને મેજીસ્ટ્રેટે વારંવાર સૂચના છતાં શા માટે કાગળીયા મોકલ્યા નહીં એવું પૂછતા પીઆઈ ગાબાણીએ મેજીસ્ટ્રેટને કહ્યું કે સાહેબ હું પણ એક ગેઝેટેડ ઓફિસર છું,તમે નીચા અવાજે વાત કરો.
પીઆઈના આવા શબ્દોથી કોર્ટમાં જાણે કે સન્નાટો છવાઈ ગયો હતો. મેજીસ્ટ્રેટે પીઆઈના આ શબ્દો અને વર્તનને ગંભીરતાથી લઈને તમામ ઘટનાની રેકોર્ડ પર નોંધ લીધી હતી. હવે આવતી કાલે પીઆઈને તેમના એસીપી સાથે હાજર રહેવા સૂચના આપી છે.