Columns

કંસની દુષ્ટતાની કોઇ સીમા ન હતી

જે કોઇ અપરાધ કરે છે તેનામાં અંતરાત્મા હોતો જ નથી એવું આપણે સામાન્ય રીતે માનીએ છીએ પણ વાસ્તવમાં દરેક અપરાધીના મનના કોઇક ખૂણે કશુંક સળવળ્યા કરે છે. કંસ પણ એવો અપરાધી હતો. માત્ર અપરાધી નહીં ઘોર અપરાધી હતો. આમ ઉપરાછાપરી કૃષ્ણનો વધ કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તે સફળ થઇ શકયો નહીં. હવે એક બાજુ પોતાના મૃત્યુનો ડર અને બીજી બાજુ કરેલા અપરાધોની પીડા એટલે તે નિરાંતે સૂઇ શકતો નથી, રાતે પાર વિનાના સ્વપ્ન આવ્યાં કરે છે, જમના નદીને રકતથી ભરેલી જોઇ, માથા વિનાનું પ્રેત જોયું. ચંદ્ર આકાશમાંથી ગબડીને પૃથ્વી પર પડયો. સૂર્યનો ગ્રાસ કર્યો. માથા પરનો મુગટ સરકી ગયો. જે થાળીમાં નિયમિત જમતો હતો તે તો સોનાની – ચાંદીની હતી પણ સ્વપ્નમાં લોખંડની કાળી થાળી જોઇ. પાડા પર બેસીને દક્ષિણ દિશામાં જવા નીકળ્યો. પંખીઓ કંસની કાયાને ટોંચવા લાગ્યાં. આમ છતાં કંસ પોતાના નિર્ણયમાં અફર રહ્યો. તેણે પાંચ મલ્લોને અખાડામાં બોલાવ્યા – શલ્ય, દુ:શલ્ય, ચાણુર, પુષ્ટિક અને કૂટ.

કંસની દુષ્ટતાની કોઇ સીમા ન હતી. તેણે તો માની જ લીધેલું કે આ મલ્લો સામે કૃષ્ણ – બલરામ કોઇ રીતે ટકી જ ન શકે. આ ભાણેજોની હત્યા જ થવાની. આ હત્યા જોઇ શકે એટલા માટે કૃષ્ણનાં માતાપિતા વાસુદેવ અને દેવકીને બોલાવ્યાં : ‘તમારા દેખતાં આ બાળકોની હત્યા કરાવીશ’ એમ કહીને ભાણેજોને બોલાવવા કોઇ સેવકને મોકલ્યો. મલ્લ સાથે મુકાબલો થાય તે પહેલાં કુવલયાપીડ નામના હાથીને સાંકડા રસ્તે ઊભો રાખ્યો. આખી મથુરાને જાણ કરી કે કૃષ્ણ મલ્લો સાથે યુદ્ધ કરશે.આ બાજુ કૃષ્ણને તેડવા રાજસેવકો આવ્યા. નંદ પોતાના પુત્રને શિખામણ આપે છે. સાથે સાથે જોવા આવેલા લોકો અંદર અંદર ભાતભાતની વાતો કરવા લાગ્યા. કૃષ્ણ પ્રત્યે કોને શુભેચ્છા ન હોય? હવે સામે તો મદમસ્ત હાથી છે.

છે ભદ્ર જાતિ તણો હસ્તી, શું ચડયું ઘન વાદળ?
પર્વત-પે પીઠ પહોળી, છે અચુત ગજનું બળ.
જેમ ધાતુ સપ્ત ગિરિ ઝરે, તેમ ઝેર મદ-ધાર,
ઉન્મત્ત ઉજજવળ દંત દે ત્રિશૂળને આકાર.
આવા ભયાનક હાથીને વધુ ચાનક ચડે એટલા માટે તેને છૂટથી મદિરા પીવડાવી. હવે તેની સામે આંખ માંડવા પણ કોઇ જઇ ન શકે.
લોકો તો આ અસમાન યુદ્ધની ટીકા કરવા લાગ્યાં. ગરુડની સામે જો પોપટ લડવા જાય તો શું થાય?

અપરાધ કંસાસુર કરે, કેમ જીતે મગર ને મચ્છ?
મ્હીં કુંજર, કહાં કૃષ્ણજી? કહાં મહિષ, નાનું વચ્છ?
કહાં મુકતા ફળ, કહાં શષ્યા? કહાં વજ્ર, પંકજ તંત
અને આ કુંજરની સામે કૃષ્ણ ઊભા રહી ગયા. બળદેવે હાથીનો વધ કરવાની ઇચ્છા વ્યકત કરી પણ કૃષ્ણે એમ કરવાની ના પાડી.
‘હું ઊભો તમે જુદ્ધ કરો તે કનિષ્ઠનો નહિ ધર્મ.

અને કૃષ્ણ ગેડી લઇને હાથી સામે ધસ્યા. ગોવાળો વાંસળી વગાડવા લાગ્યા. હવે બંને બળિયા સામસામે.
સૂંઢ-દંત ઊંચા કરીને મુખે પાડે રીર,
જેમ ચોમાસે ધૂળે વાદળી ભરીને સાગર નીર,
કે અંધારે રવિ ઉતાત્યો, ગડગડયો લંકા કોટ!
કે ઘોર મંડળ રાહુનું, આવ્યો ઐરાવત મૂકી દોટ!
હાથી સાથે કૃષ્ણ ખાસ્સી રમત કરે છે.
પૂંઠળ જઇને પૂછ મરડે, મારે ગેડી ભડાક,
ખભો થાબડે આગળ જઇ, હસ્તી ચડાવ્યો ચાક.
મદ ઝરે, મોતી ખરે, કરે કુંજર શ્રમ;
ભડકાવ્યો માતંગ ભૂખરે, એ ભુલવણીનો ભ્રમ.

આ પ્રકારે ખાસ્સો સમય હાથીને થકવી નાખ્યો – એવો પણ ભાસ ઊભો કરાવ્યો કે કૃષ્ણ હારી ગયા અને હાથી જીતી ગયો. પણ કૃષ્ણને તો એ બધું સાવ સામાન્ય હતું – છેવટે હાથીને જાણે મસળી નાખ્યો. કુવલયાપીડનું મૃત્યુ – આવનારી ઘટનાઓનો સંકેત. હવે તો ગોપબાલો આનંદિત થઇ ગયા. તે બધા કૃષ્ણની પાછળ પાછળ અખાડા પાસે આવી ગયા. કંસને કુવલયાપીડના પતનના સમાચાર આપવામાં આવ્યા અને એ સાંભળીને તે હતપ્રભ થઇ ગયો. કૃષ્ણનું આ પરાક્રમ જોનારા માત્ર મથુરાવાસીઓ કે ગોપબાલો ન હતા, તે પરાક્રમ તો પ્રેમાનંદના શ્રોતાઓએ પણ સાંભળ્યું અને જોયું. તે બધા પણ હવે કૃષ્ણ કેવી રીતે મલ્લયુદ્ધ કરશે તે જોવા – સાંભળવા આતુર બન્યા.

Most Popular

To Top