Columns

દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટના સંચાલનમાં ભારે બેદરકારી રાખવામાં આવી હતી

ભારતનું સૌથી પ્રતિષ્ઠિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) દેશનું શ્રેષ્ઠ એરપોર્ટ માનવામાં આવે છે. વિશ્વભરમાં ઉડ્ડયન ક્ષેત્ર સાથે જોડાયેલી ઘણી સંસ્થાઓએ આ એરપોર્ટને તેની ઉત્તમ સુવિધાઓ માટે એવોર્ડ પણ આપ્યા છે. શુક્રવારની દુર્ઘટનાએ એરપોર્ટની પ્રતિષ્ઠાને મોટો ફટકો માર્યો છે. આ વર્ષે જ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટે સતત છઠ્ઠા વર્ષે એશિયા પેસિફિક ક્ષેત્રના શ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ જીત્યો હતો. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) એ વાર્ષિક ચાર કરોડ મુસાફરો દીઠ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ) કેટેગરીમાં IGIને આ એવોર્ડ આપ્યો છે. એરપોર્ટ ૨૦૧૯ થી સતત આ ટાઇટલ જીતી રહ્યું છે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલે તેના સર્વેમાં જાણવા મળ્યું છે કે એરપોર્ટ શ્રેણીમાં IGI એરપોર્ટ પર મુસાફરોને પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ એશિયા પેસિફિકમાં શ્રેષ્ઠ રહી છે. રેટિંગ કરનારી સંસ્થાઓ કદાચ મકાનની મજબૂતાઈને ધ્યાનમાં લેવાનું ચૂકી ગઈ હશે.

Skytrax, જે વિશ્વભરના એરપોર્ટને રેટ કરે છે, તેણે પણ આ એરપોર્ટને ફોર સ્ટાર રેટિંગ આપ્યું છે. આ રેટિંગ સ્વચ્છતા, આરામ, ખાણીપીણી, શોપિંગ, સ્ટાફ સર્વિસ અને ઈમિગ્રેશનમાં ઉત્તમ સુવિધાઓ માટે પ્રાપ્ત થયું છે. IGI વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની ટોચની દસની યાદીમાં દસમું સ્થાન ધરાવે છે. સિઝનના પહેલા જ વરસાદમાં IGI એરપોર્ટની છત ધરાશાયી થવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. હવે આ અકસ્માતને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એરપોર્ટની છત પડી જવાને લઈને સરકારને ઘેરી છે. સરકારે પણ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે તેનું નિર્માણ યુપીએ સરકાર દરમિયાન થયું હતું. આ અંગે સરકાર અને વિપક્ષ બંનેના પોતપોતાના દાવાઓ કરે છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ની છતનો જે ભાગ પડી ગયો છે તે ૨૦૦૯માં બાંધવામાં આવ્યો હતો. તેનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્ય મંત્રી શીલા દીક્ષિતે કર્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે વર્ષ ૨૦૨૪ પછી તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સચ્ચાઈ આ બે દાવાઓની વચમાં રહેલી છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એરપોર્ટ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે છતનો જે ભાગ તૂટી પડ્યો તે ૨૦૦૯માં બનાવવામાં આવ્યો હતો. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું તે બીજી બાજુ છે. અહીં જે ઈમારત પડી તે જૂની ઈમારત છે અને તેને તોડી પાડવામાં આવી હતી. દરમિયાન બીજેપી નેતા અમિત માલવિયાએ કહ્યું કે દિલ્હી એરપોર્ટનો જે ભાગ તૂટી પડ્યો હતો તે ૨૦૦૯માં પૂર્ણ થયો હતો. તે સમયે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં હતી. તે દિવસોમાં ગુણવત્તા ચકાસણીનો ખ્યાલ નહોતો. સત્તાધારી કોંગ્રેસને સૌથી મોટી લાંચ જેણે મોકલી હતી તેને કોન્ટ્રાક્ટ અપાયો હતો. તે સમયે સુપર પીએમ રહેલાં સોનિયા ગાંધીએ જવાબ આપવો જોઈએ.

વિપક્ષ તરફથી કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેએ X પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દિલ્હી એરપોર્ટ પર ભ્રષ્ટાચારના કારણે આ દુર્ઘટના બની છે. દિલ્હી એરપોર્ટ ટર્મિનલ ૧ શેડ અકસ્માત, જબલપુર એરપોર્ટની છત તૂટી, અયોધ્યાના રસ્તાઓમાં ખાડા પડ્યા, રામ મંદિરની છતમાં પાણી લીકેજ અને અન્ય અકસ્માતોની ગણતરી કરતાં તેમણે કહ્યું કે આ બધું મોદી સરકારનાં છેલ્લાં ૧૦ વર્ષના ભ્રષ્ટાચારનું પરિણામ છે. તે જ સમયે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડા પ્રધાને માર્ચમાં દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-૧નું ઉદ્ઘાટન કર્યું હતું. આજે તેની છત તૂટી પડી હતી, જેના પરિણામે કેબ ડ્રાઇવરનું કરુણ મોત નીપજ્યું હતું.

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કહ્યું કે પહેલા વરસાદમાં જ અયોધ્યા મંદિર પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. અમે આખી અયોધ્યાને પાણી ભરાવાની ઘટનાઓ સામે ઝઝૂમતી જોઈ રહ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચમાં ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું અને તે થોડા મહિનામાં જ તૂટી પડ્યું હતું. મૃત્યુ અને ઇજાઓ માટે કોણ જવાબદાર? જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ભ્રષ્ટાચાર છે. અમારા તમામ ધારાસભ્યો અને MCD સભ્યો પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સક્રિય છે. કોંગ્રેસના નેતા ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે અકસ્માત પછી અશ્વિની વૈષ્ણવ પણ ફોટોશૂટ કરાવવા માટે જાય છે.

નેતાઓની હુંસાતુંસી વચ્ચે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકોએ ટર્મિનલ ૧ થી ફ્લાઈટમાં બેસવાનું હતું તેઓએ હવે ઘરે પરત ફરવું પડશે, કારણ કે ટર્મિનલ વનથી ફ્લાઇટની તમામ સેવાઓ રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ બપોરે બે વાગ્યા સુધીની તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવાની જાહેરાત કરી છે. તેણે મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ પસંદ કરવા માટે અથવા સંપૂર્ણ રિફંડ મેળવવા માટે એક લિંક પ્રદાન કરી છે. વર્ષ ૧૯૮૬માં દિલ્હી એરપોર્ટનું નામ બદલીને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ કરવામાં આવ્યું હતું.

૨ મે ૨૦૦૬ના રોજ, દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી જૂથને સોંપવામાં આવ્યું હતું. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) નામની કંપની તેનું સંચાલન કરે છે. DIAL માં GMR ગ્રુપ ૫૦.૧%, Fraport AGનો ૧૦%, મલેશિયા એરપોર્ટ્સ ૧૦%, ઈન્ડિયા ડેવલપમેન્ટ ફંડ ૩.૯% અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ૨૬% હિસ્સો ધરાવે છે . જૂના પાલમ ટર્મિનલને હવે ટર્મિનલ ૧ તરીકે ઓળખવામાં આવે છે અને તે તમામ સ્થાનિક ફ્લાઇટોનું સંચાલન કરે છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ એ દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનું પ્રાથમિક એરપોર્ટ છે, જે નવી દિલ્હીના શહેર કેન્દ્રથી ૧૬ કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. ભારતનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના નામ પરથી નવા ટર્મિનલ ૩ પર કામગીરીની શરૂઆત સાથે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારત અને દક્ષિણ એશિયામાં સૌથી મોટું અને સૌથી મહત્ત્વપૂર્ણ ઉડ્ડયન કેન્દ્ર બની ગયું છે.

શુક્રવારે એરપોર્ટ પર આવેલાં લોકોને તેમની ફ્લાઈટ કેન્સલ થયા બાદ તેમની સાથે શું કરવામાં આવી રહ્યું છે તેની જાણ પણ કરવામાં આવી ન હતી. બપોરના એક વાગ્યા સુધી  લોકો હજુ ટર્મિનલ વન પર આવી રહ્યાં હતાં. લોકોને જાણ નહોતી કરવામાં આવી હતી કે તેમની ફ્લાઈટ ટર્મિનલ ૧ પરથી ઉપડશે કે નહીં? નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન કંપનીઓને તેની ખાતરી કરવા જણાવ્યું છે કે છત પડી જવાની ઘટના પછી ભાડાંમાં કોઈ અસામાન્ય વધારો ન થાય.

આ ઘટનાથી હવાઈ મુસાફરો ઉપરાંત એરપોર્ટ કર્મચારીઓ અને ત્યાં વેપાર કરતાં લોકો પણ પરેશાન છે. એરપોર્ટ ઓથોરિટી એમ્પ્લોઈઝ યુનિયને માંગ કરી છે કે સરકારે દેશનાં તમામ એરપોર્ટની સ્ટ્રક્ચરલ ડિઝાઈન અને મેઈન્ટેનન્સ સિસ્ટમનું સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપવો જોઈએ. એરપોર્ટ ઓથોરિટી એમ્પ્લોઈઝ યુનિયનના સેક્રેટરી પ્રદીપ સિકંદરે જણાવ્યું હતું કે હું આજે સવારે ટર્મિનલ ૧ થી ફ્લાઈટ પકડવાનો હતો, પરંતુ હું ટર્મિનલ વન બિલ્ડિંગની નજીક પહોંચ્યો ત્યારે મારી કાર રોકાઈ ગઈ અને મને કહેવામાં આવ્યું કે એક મોટી દુર્ઘટના થઈ છે.

સવાલ એ છે કે દિલ્હી એરપોર્ટની મજબૂત છત તોફાન વિના કેવી રીતે પડી ગઈ? આ અકસ્માત માટે કોને જવાબદાર માનવા જોઈએ? શું આ અકસ્માત ટાળી શકાયો હોત? હકીકતમાં દિલ્હીમાં જોરદાર વાવાઝોડા દરમિયાન એરપોર્ટની છત પરના પેરાપેટ્સ કાયમ ઊડવા લાગે છે. વરસાદ દરમિયાન અનેક ટર્મિનલની છત વારંવાર લીક થતી હોય છે. દિલ્હી એરપોર્ટ પર દર વર્ષે વરસાદની મોસમમાં આ સમસ્યા સર્જાતી હતી. પરંતુ વહીવટીતંત્ર આ અંગે કેમ કાર્યવાહી કરતું ન હતું?  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top