- હોસ્પિટલ સ્ટાફે સલામતીના ભાગરૂપે તમામ દર્દીઓને બહાર કાઢ્યા
- ગેસ કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા
ઝઘડિયા,ભરૂચ: ઝઘડીયા તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતાં જ દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલમાં સ્ટાફે તાત્કાલિક સલામતીના ભાગ રૂપે વોર્ડના દર્દીઓને બહાર ખસેડવામાં આવ્યા હતા. ભારે અફરાતફરી બાદ ગેસ પુરવઠો બંધ કરીને લોકેજ બંધ કરતા રાહત અનુભવી હતી.
ઝઘડીયામાં સેવા રૂરલ હોસ્પિટલમાં અનેક આરોગ્યનાં કામો ચાલી રહ્યા છે. જેમાં તેમની નવી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે. બુધવારે જેસીબી મશીન વડે કામગીરી કરતી વખતે મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઈનમાં વાગી જતા ગેસ લાઈન લીકેજ થઈ ગઈ ભારે દોડધામ મચી ગઈ હતી.
આ સમય દરમિયાન સેવા રૂરલ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફે દર્દીઓની સલામતીના ભાગ રૂપે તાત્કાલિક હોસ્પિટલના તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. આ અંગેની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવતા તેઓ તેમની ટેક્નિકલ ટીમને લઈને સ્થળ પર દોડી ગયા હતા.
ગુજરાત ગેસ કંપની ટીમે પ્રથમ ગેસ પુરવઠો બંધ કરાવી લીકેજ પાઇપ લાઇનને રીપેરીંગની કામગીરી કરી હતી. ટીમે લીકેજ બંધ કરાવ્યા બાદ પુનઃ હોસ્પિટલના તમામ દર્દીઓને સલામત રીતે વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે આ ઘટનામાં કોઈ પણપ્રકારની જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.