મહાપુરુષો અને સંતો સાદાઇથી જીવે છે, દીન દલિતો અને પીડિતોની ચિંતા સેવે છે અને જનસેવા કરતા રહે છે, તેમના પરિધાનમાં સાત્વિકતા દેખાય છે. ગરીબ દેશમાં તેઓ ખૂબ જ સરળતાથી આત્મીયતા સિધ્ધ કરે છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ તેમના પ્રવાસમાં દરિદ્ર મહિલાની તન ઢાંકવા પૂરતી પણ વસ્ત્ર જરૂરિયાતનો અભાવ જોયો ત્યારથી જ પોતાના તન પર માત્ર સાદી પોતડી જ ધારણ કરી લીધી અને લંડનની ગોળમેજી પરિષદમાં એજ પરિધાનમાં ગયા. કરોડો ભારતીયોના પ્રતિનિધિ તરીકે તેમને જરાયે અનુચિત લાગ્યું ન હતું, ભલે ને ચર્ચિલ જેવાએ ત્યારે ઠેકડી ઉરાડી હોય.
અંગ્રેજોની ગુલામીના શાસનમાં તેમણે ભારતીયોની કંગાલિયત પ્રદર્શિત કરી હતી, તેઓ વિશ્વ પુરુષ હોવા સાથે સાચા અર્થમાં ભારતીય પ્રતિનિધિ બન્યા હતા. તેમના વાસ્તવિક દૃષ્ટિકોણની વિશ્વ સ્તરે નોંધ લેવાઇ હતી. તેમના સમકાલીન બાબા સાહેબ આંબેડકરનો દૃષ્ટિકોણ વિરોધાભાસી લાગે છે, આમ છતાં દીનદલિતોની ભારતમાંની બહુમતી પ્રજાની સ્થિતિની સાથે દીનદલિતોના સ્વમાન, ન્યાય ખાતર, આબરુ અને ગૌરવ ખાતર ડો. બાબાસાહેબે અંગ્રેજોની બરાબરીમાં પરિધાનનો ખ્યાલ રાખ્યો હતો.
સૈકાઓથી હડધૂત અને તિરસ્કાર અને દીનદલિતોને નીચતાની નજરે જોવાની પરિસ્થિતિમાં દીનદલિતોના સામાજિક ઉચ્ચ મૂલ્ય, આબરૂ ખાતર તેના સાચા હિતેચ્છુ, પ્રતિનિધિ તરીકે કોટ, ટાઇ, પેઇન્ટ જેવો પોશાક ધારણ કરી દીન દલિતોને સમાન ભાવે નિહાળવાનો સંદેશ આપવા આવો દૃષ્ટિકોણ જરૂરી હતો. લોકશાહી આવતાં દીન દલિતોને પણ જીવન ઉત્થાન સાથે આદર સન્માન, ન્યાય, સમાનતા પ્રાપ્ત થવા લાગ્યાં. આત્મ વિશ્વાસ સાથે દીન દલિતો જીવવા લાગ્યા, લાચાર, લજિજત નહીં, સમોવડિયા થઇ આગળ વધવા પ્રોત્સાહિત થયા. આમ વિરોધાભાસી બંને દૃષ્ટિકોણ તેમની જગ્યાએ બરાબર હતા. ગાંધીબાપુ અને બાબાસાહેબ બંનેના દૃષ્ટિકોણ, વિવેક, સમજણ સભર હતા. જનહિતાર્થે હતાં. પરિધાન પણ યોગ્ય સંદેશ દર્શાવી શકે છે, તેના ઉદાહરણરૂપ હતાં. બંને દ્વારા એક ગજબનો ઇિતહાસ લખાયો.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.