Business

બજેટનો આઘાત ભૂલી શેરબજાર ફુલસ્પીડમાં દોડ્યું, આ 10 શેર્સમાં જોવા મળી તેજી

નવી દિલ્હીઃ કારોબારી સપ્તાહના છેલ્લાં દિવસે આજે શુક્રવારે તા. 26 જુલાઈ 2024ના રોજ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજાર મજબૂત ઓપનિંગ બાદ મજબૂત બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન સેન્સેક્સમાં 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં 440 પોઈન્ટનો મજબૂત વધારો જોવા મળ્યો હતો.

આજે શુક્રવારે સેન્સેક્સ 80,158.50 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ટ્રેડિંગના અંતે તે 1,347.36 પોઈન્ટના ઉછાળા સાથે 81,387.16 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 24,423.35 પોઈન્ટ પર ખૂલ્યો હતો અને અંતે 443 પોઈન્ટ વધીને 24,849.60 પોઈન્ટ પર બંધ થયો હતો.

જો ઉછાળાની વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાં એરટેલના શેરમાં સૌથી વધુ 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વોડાફોન-આઈડિયાના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો થયો હતો.

આ ઉપરાંત લાર્જકેપમાં એપોલો હોસ્પિટલ્સમાં 4 ટકાથી વધુ, અદાણી પોર્ટ્સમાં 4 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. વિપ્રોના શેરમાં 3.64 ટકાનો અદભૂત વધારો નોંધાયો હતો. જ્યારે પેટીએમના શેરમાં 10 ટકાની ઉપરની સર્કિટ લાગી છે, ત્યારે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના શેરમાં 9 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

બસ મેન્યુફેક્ચરિંગ કંપની અશોક લેલેન્ડનો શેર 6 ટકાના ઉછાળા સાથે રૂ. 246 પર બંધ થયો હતો. MGLનો શેર 5.31 ટકા વધ્યો હતો. આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સનો શેર 9.18 ટકા વધીને રૂ. 2,925 પર બંધ થયો હતો. દિવી લેબનો શેર 5.36 ટકા વધીને રૂ. 4790 પર બંધ થયો હતો. ટાટા પાવરનો શેર 5 ટકા વધ્યો હતો. અમરા રાજા એનર્જીનો શેર 7 ટકાના ઉછાળા સાથે રૂ. 1680 પર બંધ થયો હતો. ફાઈવ સ્ટાર બિઝનેસમાં પણ લગભગ 5 ટકાનો વધારો થયો છે.

નોંધનીય છે કે બજેટના દિવસે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવામાં આવ્યા બાદ તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ બુધવાર અને ગુરુવારે બજાર એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. પરંતુ શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી અને રોકાણકારો અમીર બન્યા હતા.

Most Popular

To Top