સુરત: નાગરિકોની સુવિધા માટે સરકાર દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રો બનાવાયા છે, પરંતુ આ સુવિધા કેન્દ્રો જ અસુવિધાના ધામ બની ગયા છે. આજે તા. 27 માર્ચને બુધવારે સવારથી સુરતના નાગરિક સુવિધા કેન્દ્ર પર આવકનો દાખલો મેળવવા માટે ધસારો થતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. સુવિધા કેન્દ્ર પર લાંબી લાઈનો લાગી છે. સુવિધા કેન્દ્ર પરની ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં જરૂરીયાતમંદ બાળકોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં શરૂ થઈ છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યમેન્ટમાં આવકના દાખલો પણ છે. આ આવકનો દાખલો મેળવવા માટે આજે સવારથી સુરતના લોકોએ જનસેવા કેન્દ્ર ખાતે ધસારો કર્યો છે. જન સેવા કેન્દ્ર પર ભીડને પહોંચી વળવા માટેની પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના અઠવાલાઈન્સ ખાતે આવેલા નાગરિક સુવિધા કેન્દ્રમાં સવારથી લોકોની ભીડ ભેગી થઈ છે. રાઈટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરવા માટે આવકનો દાખલો લેવા વાલીઓએ ભારે ધસારો કર્યો છે. તંત્ર દ્વારા કોઈ વધારાની વ્યવસ્થા નહીં કરવામાં આવી હોવાથી ગરમીમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિલાઓ સાથે નાના બાળકો સહિત પુરુષો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યાં છે. ત્યારે એક દાખલો મેળવવા આવનારા રમેશભાઈએ કહ્યું કે, સંતાનોને સરકારની યોજનાનો લાભ મળે તે માટે પણ લાચારની જેમ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ઘણો સમય વિતવા છતાં દાખલા મળતાં નથી. જેથી ધક્કા ખાવા પડે છે.