World

પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર જોરદાર બ્લાસ્ટ થયો અને ચીન ગુસ્સે ભરાયું, જાણો કેમ?

કરાચીઃ પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર ગઈકાલે રવિવારે તા. 6 ઓક્ટોબરના રોજ એક જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં બે લોકોના મોત થયા અને ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા હતા. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો, જેમાં જીવ ગુમાવનારા બંને ચીની નાગરિકો છે. ઘાયલોમાં ઘણા પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.

પાકિસ્તાનમાં ચીની દૂતાવાસે એક નિવેદન જારી કરીને આ વિસ્ફોટને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને પાકિસ્તાનને ચીની પ્રોજેક્ટ્સ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કડક સૂચના આપી છે. આ સાથે ચીની દૂતાવાસે પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરિકો અને ચાલી રહેલા પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોને પણ સતર્ક રહેવા અને સ્થાનિક લોકો પર કડક નજર રાખવા જણાવ્યું છે.

વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તાર ધુમાડો ફેલાઈ ગયો હતો
પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે કરાચી એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જે તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં થયેલો સૌથી મોટો વિસ્ફોટ હતો. નાગરિક ઉડ્ડયન વિભાગમાં કામ કરતા રાહત હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો મોટો હતો કે તેનાથી એરપોર્ટની ઇમારતો હચમચી ઉઠી હતી.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ બ્લાસ્ટનો અવાજ કરીમાબાદ, ડિફેન્સ અને જમશેદ રોડ સહિત શહેરના ઘણા વિસ્તારોમાં સંભળાયો હતો. ટેલિવિઝન ફૂટેજમાં એરપોર્ટની નજીક ધુમાડાના ગાઢ વાદળો અને આગ લાગતી જોવા મળી હતી. વીડિયો ફૂટેજમાં ઘણી કાર આગની લપેટમાં સળગી રહેલી જોવા મળી રહી છે.

ચીની એમ્બેસીએ શું કહ્યું?
ચીની દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 6 ઓક્ટોબરે લગભગ 11:00 વાગ્યે આતંકવાદીઓએ કરાચીમાં જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક કાસિમ પાવર જનરેશન કંપની લિમિટેડના કાફલા પર હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક ચીની કામદાર ઘાયલ થયો હતો.

ચીની દૂતાવાસે એમ પણ કહ્યું, પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટે ઇમરજન્સી રિસ્પોન્સ વર્ક શરૂ કરી દીધું છે, જેના હેઠળ પાકિસ્તાન ઘાયલોની સારવાર માટે તમામ શક્ય પ્રયાસ કરશે. હુમલાની સંપૂર્ણ તપાસ કરશે અને ગુનેગારોને કડક સજા કરવાની જરૂર છે. તે જ સમયે પાકિસ્તાનમાં ચીની નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યવહારિક અને અસરકારક પગલાં લેવા પણ જરૂરી છે.

Most Popular

To Top