ટુ વ્હીલર વાહનચાલકો માટે અને પાછળ બેઠેલા માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરી ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે શહેરના રસ્તાઓની હાલત હાલ એટલી ખરાબ છે કે 10. 20 કિલોમીટરથી વધુ સ્પીડે વાહન ચલાવી શકાતું નથી. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા ખાસ્સા ટાઈમનો બગાડ થાય છે તેમાંય ટ્રાફિક સિગ્નલ પર ઓછામાં ઓછું અઢી પાંચ કે સાડા સાત મિનિટ સુધીનું વેઇટિંગ રહેતું હોય છે. આવા સમયે હાલ વધેલું ગરમીનું પ્રમાણ અને ત્યારે જ હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજીયાત અમલમાં મૂકવો કેટલો યોગ્ય છે?
વાહનચાલકોને ખાડા ટેકરાને કારણે જે તકલીફ પડે છે તેનો પ્રથમ નિવારણ કરવામાં આવે તો હેલ્મેટ પહેરનારને ગરમીથી એટલી તકલીફ નહીં પડે કારણ કે માથે હેલ્મેટનું વજન અને ખરાબ રોડને કારણે વાહનચાલકોને પડતી તકલીફનો વિચાર કરવાની જરૂર છે જયાં પણ વાહનોની સ્પીડ ઓછી હોય, સ્પીડમાં વાહન ચલાવી શકાય તેવી સ્થિતિમાં અને ભારે ટ્રાફિક રહેતું હોય, ખાસ કરીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવા માટે મુક્તિ આપવી જોઈએ. કોઇ પણ કાયદો ત્યારે જ સફર થાય જયારે લોકોને તકલીફ ન પડે.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ: કાવતરું કે વાસ્તવિકતા ?
હમણાં આપણા દેશને હજમ ના થાય એવો એક વૈશ્વિક રિપોર્ટ બહાર પડ્યો છે. રિપોર્ટ જોતાં એવો ખ્યાલ આવે છે કે, આ દેશને બદનામ કરવાનું કાવતરું લાગે છે.. આપણાં દેશની પ્રગતિ જોઈ નથી શકતાં એવા લોકોએ 2024 ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સ માં 127 દેશોમાંથી ભારતને 105મા ક્રમે મુક્યું છે, એટલું જ નહીં રિપોર્ટ બહાર પાડનાર ઇરિશની માનવ અધિકારો માટે કામ કરતી આ સંસ્થાએ ભૂખમરા માટે ભારત કરતાં નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકાની સ્થિતિ સારી દર્શાવી છે. અને ભારતને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની હરોળમાં મૂક્યું છે.
ભારત દેશની તુલનાએ ભૂખમરામાં ખોબા જેવડાં શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર જેવા દેશો આપણાં કરતાં આગળ હોય, એ બાત કુછ હજમ ના હુઈ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સનો રિપોર્ટ ખોટો છે એનાં કેટલાક કારણો આ રહ્યાં… હમણાં જ રૂપાલની પલ્લીમાં આપણે 25 કરોડ રૂપિયા જેટલું ઘી રસ્તા પર ઢોળી દીધું, જે લોકો 25 કરોડનું ઘી રસ્તા પર ઢોળી શકતાં હોય ત્યાં ભૂખમરો હોઈ શકે ખરો? આપણે ત્યાં ખેડૂતોને કાંદા, બટાકા, ટામેટાં અને દૂધના પોષણક્ષમ ભાવ ના મળે તો રસ્તા પર ફેંકી અને ઢોળી દેવામાં આવે છે.
આપણાં દેશમાં એટલું બધું અનાજ પાકે છે કે, આપણે અનાજને ખુલ્લામાં સડવા માટે મૂકી દેતાં હોય છીએ. આપણા વડાપ્રધાન દેશની 142 કરોડની જનસંખ્યામાંથી 80 કરોડ લોકોને મહિને પાંચ કિલો રાશન મફત આપતાં હોય ત્યાં ભૂખમરો હોઈ શકે ખરો.? અત્યારે વિશ્વમાં આપણો દેશ પાંચમા ક્રમનું અર્થતંત્ર ધરાવતો દેશ છે અને હવે ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા તરફ હરણફાળ ભરી રહ્યો છે, તેવા દેશમાં ભૂખમરો હોઈ શકે ખરો..? આવા સર્વે કરનારાઓએ એક વખત દેશની મુલાકાત લેવી જોઈએ…
સુરત -પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.