Editorial

પક્ષમાં સુપ્રીમો હોય શકે પરંતુ દેશમાં સર્વેસર્વા તો સુપ્રીમ કોર્ટ જ છે એ સાબિત થઇ ગયું

ટીવી ઉપર સમાચાર જોતી વખતે અથવા તો સમાચાર પત્ર વાંચતી વખતે અનેક વખત સાંભળવા અને વાંચવા મળ્યું સુપ્રીમો જે નક્કી કરે તેને અમે અનુસરીશું. આવું કહેનારા જુદા જુદા પક્ષના ટોચના નેતાઓ હોય છે. તેઓ જેને માટે સુપ્રીમ શબ્દ વાપરતા હોય તે તેમના પક્ષના નેતા માટે હોય છે. નેતાઓ આ શબ્દ સાંભળી સાંભળીને એવા ખ્યાલમાં રાચતા થઇ ગયા છે કે તેઓ જ દેશના સુપ્રીમો છે. તેઓ જ દેશમાં સર્વોચ્ચ છે. પરંતુ સુપ્રીમ કોર્ટે ચંડીગઢની ચૂંટણીમાં આપેલા ચૂકાદાએ એક ઝાટકે જ આવા સુપ્રીમો ગણાતા નેતાઓનો ફાંકો ઉતારી નાંખ્યો છે.

આ સુપ્રીમ કોર્ટ માટે ગર્વથી કહેવું પડે છે કે જ્યાં સુધી આ દેશમાં સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ છે ત્યાં સુધી દુનિયાની સૌથી મોટી ગણાતી લોકશાહીને કોઇ જ આંચ નહીં આવે. સુપ્રીમ કોર્ટે ચંડીગઢમાં મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે ભાજપના ઉમેદવારની જીતને રદ કરી છે. આ ચૂંટણીમાં રિટર્નિંગ ઑફિસર અનિલ મસીહે ભાજપના ઉમેદવારને વિજયી જાહેર કર્યા હતા. આ બાબતે કોર્ટમાં પરિણામોમાં ગોટાળા વિશે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે ફરિયાદ કર્યા પછી કોર્ટે કાર્યવાહી શરૂ કરી હતી.

મંગળવારે એટલે કે 20 ફેબ્રુઆરીએ હાથ ધરેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફરી મતગણતરી કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે ‘અમાન્ય’ જાહેર કરાયેલા બૅલેટ પેપરનો સમાવેશ કરીને ફરીથી ગણતરી કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું, ‘અમે ફરી ગણતરીનો નિર્દેશ આપી રહ્યા છીએ.’ અમાન્ય જાહેર કરાયેલાં આઠ બૅલેટ પેપરને ગણતરીમાં સામેલ કરવા જોઈએ અને તે પછી પરિણામ જાહેર કરવાં જોઈએ. સુપ્રીમ કોર્ટે મેયરની ચૂંટણી કરાવનાર રિટર્નિંગ ઑફિસર અનિલ મસીહની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે પૂછ્યું કે શું તેમણે જે બૅલેટ પેપરને અમાન્ય જાહેર કર્યાં હતાં તે ખરાબ કરી દેવાયાં હતાં? આ ગણતરી પછી કોર્ટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમાન્ય જાહેર કરાયેલાં આઠ બૅલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપકુમારની તરફેણમાં મત પડ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણય બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. અગાઉ સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે 30 જાન્યુઆરી, 2024ના રોજ ચંડીગઢના મેયર પદ માટે મતદાન દરમિયાન ઉપયોગમાં લેવાતા બૅલેટ પેપર રજૂ કરવા કહ્યું હતું. બૅન્ચે નવેસરથી ચૂંટણી કરાવવાના બદલે બૅલેટ પેપરનો સમાવેસ કરી ફરી મત ગણતરીની સૂચના આપી હતી. સોમવારની સુનાવણી દરમિયાન, કોર્ટે ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહને કડક પ્રશ્નો પૂછ્યા હતા.

કોર્ટે મંગળવારે થનારી સુનાવણી દરમિયાન તમામ બૅલેટ પેપર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. અનિલ મસીહે કોર્ટમાં સ્વીકાર્યું કે તેમણે બૅલેટ પેપર પર ચોકડી મારી હતી. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠ કરી રહી છે. 5 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર (અનિલ મસીહ) વિશે કડક ટિપ્પણી કરી હતી અને કહેલું કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમણે બૅલટપેપર સાથે છેડછાડ કરી અને તેમના વિરુદ્ધ ખટલો ચલાવવો જોઈએ. તેમણે જે કર્યું, કોર્ટે તેને લોકશાહીની ‘હત્યા અને મજાક’ ગણાવી. કોર્ટે બૅલટપેપર અને ચૂંટણીપ્રક્રિયાના વીડિયોને સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો હતો.

કોર્ટના આદેશ પર મસીહ સોમવારની સુનાવણી દરમિયાન હાજર રહ્યા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જાણકારી અપાઈ કે ચંડીગઢ મહાપાલિકાના નામાંકિત સભ્ય છે અને ભાજપ સાથે જોડાયેલા છે. સુનાવણી દરમિયાન લાઇવ લૉ અનુસાર ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું, “મિસ્ટર મસીહ, હું તમને એક સવાલ કરું છું. જો તમે સાચું નહીં બોલો તો તમારી સામે કેસ ચલાવાશે. આ એક ગંભીર મામલો છે. તમે કૅમેરામાં જોતાં જોતાં શું કરી રહ્યા હતા? (જ્યારે) તમે બૅલટપેપર પર ક્રૉસનું નિશાન કરી રહ્યા હતા? જો હા, તો આવું કેમ કરી રહ્યા હતા?” આ અંગે મસીહે કહ્યું, “વોટિંગ બાદ મારે બૅલટપેપર પર સહી કરવાની હતી, જે બૅલટ રદ થયા હતા, તેને અલગ કરવાના હતા.” ચીફ જસ્ટિસે પૂછ્યું, “વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તમે ખાસ બૅલટપેપર પર ચોકડીનું નિશાન બનાવી રહ્યા હતા.

શું તમે ખાસ બૅલટપેપર પર ચોકડીનું નિશાન કર્યું?” આ સવાલ અંગે મસીહે કહ્યું, “જી, હા.” ચીફ જસ્ટિસે પૂછ્યું, “કેટલા બૅલટપેપર પર નિશાન કર્યાં?” મસીહે કોર્ટને કહ્યું, “આઠ.” ચીફ જસ્ટિસે પૂછ્યું, “તમે આવું કેમ કર્યું? તમારે માત્ર સહી કરવાની હતી. નિયમોમાં એવું ક્યાં લખાયેલું છે કે બૅલટપેપર પર બીજી કોઈ નિશાની કરવાની જરૂર છે?” આનો જવાબ આપતાં મસીહે કહ્યું, “બૅલટપેપર ઉમેદવારોએ ખરાબ કર્યા. તેમણે તેને ખેંચીને નષ્ટ કરી દીધા.” ચીફ જસ્ટિસે આ અંગે સૉલિસિટર જનરલને સંબોધિત કર્યા. તેમણે કહ્યું, “મિસ્ટર સૉલિસિટર, આમના વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે. આ ચૂંટણીપ્રક્રિયામાં હસ્તક્ષેપ છે.”

સુનાવણી દરમિયાન કોર્ટે ચંડીગઢના ડેપ્યુટી કમિશનરને આદેશ કર્યો કે તેઓ એક એવા અધિકારીને નૉમિનેટ કરે જેઓ કોઈ રાજકીય દળ માટે કૂણી લાગણી ન ધરાવતા હોય અને તેમને રિટર્નિંગ ઑફિસર બનાવાય. તેમજ બૅલટપેપરની ગણતરી કરીને પરિણામોનું એલાન કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયાની દેખરેખ પંજાબ ઍન્ડ હરિયાણા હાઇકોર્ટ દ્વારા નૉમિનેટ કરાયેલા ન્યાયિક અધિકારી કરશે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, “પરિણામના એલાન અગાઉ આ પ્રક્રિયા જ્યાં રોકાઈ હતી, ત્યાંથી તેને એક તર્કસંગત નિષ્કર્ષ સુધી લઈ જવાય.” ચંડીગઢ તંત્ર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા.

Most Popular

To Top