Comments

સમાજમાં જ વ્યાપક હિંસા છે જે હવે સ્કૂલોમાં પણ જોવા મળે છે

અમદાવાદની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર માર્યું અને ઘાયલ વિદ્યાર્થી મૃત્યુ પામ્યો. એક કિશોરે જીવ ગુમાવ્યો. એક હવે જેલમાં જીવન ગુમાવશે. બન્નેનાં પરિવારે ઊંડા આઘાતમાં જીવવાનું થયું. એક તો કિશોરાવસ્થા જ ખૂબ ચંચલ અને આક્રમક મનોવલણ સર્જે છે એમાંય વર્તમાનમાં આખા સમાજમાં જ આક્રમકતા અને હિંસા વ્યાપક બની છે. તેની અસરથી બાળકો, કિશોરો મુક્ત નથી. સમાજમાં જ હિંસા હોય, તો તે શાળા કોલેજોમાં દેખાય જ! કારણકે શાળા કોલેજો છે તો સમાજનો જ હિસ્સો.

અમદાવાદની ઘટના આત્યંતિક છે માટે તેની ચર્ચા થાય પણ જો આપણે ચિંતા જ કરવી હોય તો સમાજમાં બનતી તમામ ઘટનાઓની ચર્ચા કરવી જોઈએ. હત્યા તો છેલ્લી આઘાતજનક ઘટના છે પણ મારામારી અને નાના હિંસાચાર તો શાળા કોલેજોમાં કાયમી ઘટના બનતાં જાય છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો, મારામારી કરે ,માથા ફોડે ,એ બધું વર્ષોથી થતું આવે છે. માત્ર છોકરાઓ જ નહિ છોકરીઓ પણ આમાં સામેલ હોય છે પણ વર્ષો પહેલાંના શાળા જીવનના ઝઘડા અને આજના ઝઘડામાં ફેર છે અને જે ફેર છે તે માનસિક, વૈચારિક ઝનૂનનો.

એક તો હમણાં જ એક શૈક્ષણિક ચર્ચામાં વાત થઇ કે અત્યારે નબળાં અને ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોમાંથી આવતાં બાળકો, યુવાનોમાં “પુષ્પા”નો  ક્રેઝ છે. દરેકને પુષ્પા થવું છે.  ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો મોટી ઉંમરનાં અને ઉચ્ચ, મધ્યમ વર્ગીય પરિવારો જુએ છે પણ ગુજરાતનો ગરીબ મધ્યમ વર્ગ તો દખીનની હિંસાપ્રચુર ફિલ્મો જ જુએ છે. ફિલ્મોની અસર અને ફિલ્મોમાં આવતી હીરોગીરી આજે વ્યાપક અસરો સર્જે છે. પહેલાં ઈલેક્ટ્રોનિક માધ્યમો આટલાં બધાં ન હતાં. આટલાં સતત ન હતાં. આજે વિદ્યાર્થીઓ સતત ફિલ્મો, ફિલ્મકલીપ વિડિઓ મોબાઈલમાં જોયા કરે છે.

આપણે હિંસાની વાત તો કરીએ છીએ પણ ગાળો કે બિભત્સ બોલવા વિષે તો કોઈ ચર્ચા જ નથી કરતું. આપણાં જ બાળકો જાહેર અને રોજિંદા જીવનમાં કઈ ભાષા બોલે છે તે સાંભળવા જેવું છે. સારા સંસ્કારી ગણાતા અને સભ્ય સમાજમાં આગેવાન બનીને ફરતાં લોકો ઘર, પરિવાર સિવાયના તમામ સંવાદમાં સાવ હલકી ભાષા જ વાપરતાં જોવા મળશે. સતત જાતિવાદી અને સ્ત્રીકેન્દ્રી બાબતો જ વાતચીતના કેન્દ્રસ્થાને હોય છે અને આ વૈચારિક હિંસામાં હવે સમાજમાં થતી શારીરિક હિંસા ભળી છે. વર્તમાન સામાજિક, રાજકીય આગેવાનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિંસાને જ આગળ ધરે છે. નાના મોટા ઝઘડા પહેલાં થતા હતા પણ આજે ઝઘડા થાય એટલે બાળક ઝનૂની બની જાય છે. એમાંય નિમ્ન-મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતાં બાળકો તરત વિચારવા માંડે છે કે “આને તો પતાવી જ દઉં”. આ અપરિપક્વ વિચાર છે. મારામારીના ઝનૂનમાં જે વસ્તુ વપરાય છે અને આ મારામારીનો અંજામ શું આવશે તે વિચારવામાં આવતું નથી. એટલી પરિપક્વતા જ ક્યાં હોય છે?

મા બાપ સાંજ પડે, બાળકો સાથે બે મિનિટ વાત કરતાં નથી. ખાનગી, અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ઓછા પગારમાં રાખેલાં શિક્ષકો બીજી કોઈ વધારાની માથાકૂટમાં  પડવા માંગતાં નથી. સંચાલકોને રૂપિયા સિવાય કશામાં  રસ હોતો નથી. આ બધાં કારણો ભેગાં મળીને અમદાવાદમાં જે બની તે ઘટના સર્જે છે. આ ઘટના વ્યાપક ચિંતન માગે છે. વાલી, શિક્ષકો, સંચાલકો અને ખરું તો કાયદો અને વ્યવસ્થા સંભાળનારી સરકારે વિચારવાનું છે કે આ કેવું સામાજિક, રાજકીય વાતાવરણ સર્જાયું છે, જ્યાં હવે એક બાળકને પણ કાયદાનો ડર નથી. આ માત્ર વિદ્યાર્થીનું ખૂન નથી. આપણી સમજણ અને સામાજિક નિસ્બતનું પણ ખૂન થયું છે. આખી ઘટનાને સાંપ્રદાયિક રૂપ આપનારાંઓ સમાજનું ભલું નથી કરતાં, ઉલટાનું સમસ્યાને વધારે ગંભીર બનાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top