સુરત: IPL શરુ થતા જ IPL સટ્ટાબજારના માફિયા શહેર પર હાવી થઈ ગયા છે. સેન્ટ્રલ ઝોનના એક કોર્પોરેટરે પોતાના પુત્રના મોહમાં ડીસીબી ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારી સાથે સાંઠગાંઠ કરીને સાલિયાને ‘લાઈઝનિંગ’ કરાવી આપી! આ સિવાય ભાજપના એક મોટા નેતાએ પણ પોતાના પુત્ર માટે પોલીસ પર પ્રેશર આપી ગજ્જુ અને મનોજને બચાવવાનો પ્રયાસ કર્યો હતો!
- મોટા નેતા બાદ કોર્પોરેટરએ પુત્ર મોહમાં સટ્ટાબાજોને પોલીસની મંજુરી અપાવ્યાની ચર્ચા
- કોણ છે સાલિયાનો ‘લાઈઝનિંગ’ કરાવનાર?
- વિદેશમાં રોકાણ, કરોડોની હેરાફેરી અને પોલીસના ‘કેશિયર’નું કૌભાંડ!
- IPL સટ્ટા ખેલાડીઓ પોલીસના મજબૂત ‘રક્ષાકવચ’ હેઠળ બેફામ કૌભાંડ ચલાવી રહ્યા છે!
- ગુજરાતમિત્ર પાસે કેટલાક સટ્ટાખોરોની ‘માસ્ટર ID’ સુધી આવી ગઈ છે, તો પોલીસ હજી સુધી નિષ્ક્રિય કેમ?
સેન્ટ્રલ ઝોનના એક કોર્પોરેટરે પોતાના પુત્રના મોહમાં DCB ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારી પર દબાણ લાવીને સાલ્યાને સટ્ટા બજારમાં પ્રવૃત્ત થવા માટે લીગલ કવર આપવામાં મદદ કરી હતી. IPL ની મેચો પર ભારે પ્રમાણમાં સટ્ટા રમાડવાની છૂટક સગવડ સાલ્યાને આપી દેતા હવે સાલ્યો સુરતમાં સટ્ટાબજારનો ગોડફાદર બની ગયો છે.
આ મામલામાં માત્ર એક કોર્પોરેટર જ નહીં, પણ ભાજપના એક મોટા નેતાએ પણ અગાઉ પોતાના પુત્રના પ્રેમમાં આવીને ક્રાઈમ બ્રાંચ પર પ્રેશર લાવ્યું હતું. ગજ્જુ અને મનોજની અટકાયત અને તેમની વિરુદ્ધ તપાસ પર સીધું દબાણ લાવીને મામલો ઠંડો પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ લોકોનો ખાખીના વિશ્વાસના રંગ ઉપર ધબ્બો લગાડવા તૈયાર છે. પરંતુ સટ્ટાખોરો સામે કાર્યવાહી કરવા કેમ પાછાપાણી કરે છે તે આશ્ચર્ચની વાત છે.
માસ્ટર આઈડી ધારકો પોલીસ નજરથી દૂર તે પણ શંકાસ્પદ વાત
IPL સટ્ટાની ‘માસ્ટર ID’ અને મોટી કમિશન ગેમ શહેરમાં ચાલે છે. માસ્ટર ID ધારકો દર અઠવાડિયે લાખો રૂપિયા કમાવી રહ્યા છે. ID આપનાર ગ્રુપો 3% થી 5% કમિશન વસૂલી રહ્યા છે. IPL હારનારા બળજબરીથી જમીન કે મિલકત લખાવી દેવા મજબૂર થાય છે! ગુજરાતમિત્ર સુધી જો આ આઈડી આવી શકતી હોય તો પોલીસ પાસે કેમ આવી નથી. પોલીસ ઇરાદાપૂર્વક કોઈ કામ નથી કરતી? તેવા અનેક સવાલ છે.
IPL સટ્ટા રમાડતી ID ની યાદી: આ ID મારફતે કરોડોના સટ્ટા IPL મેચો પર રમાડાઈ
- Dimond 777
- Good Luck
- Lotus
- All penal
ક્રાઈમ બ્રાંચનો ‘કેશિયર’ અને પોલીસમાં આંતરિક ગોટાળો!
ક્રાઈમ બ્રાંચમાં એક અધિકારીનો વૃશ્ચિક રાશિનો કેશિયર બધી ગેમ રમે છે! આ કેશિયરે સાલિયાને ‘મંજુરી’ આપી હતી, પણ સાહેબની જાણ બહાર ગજ્જુ અને મનોજને પણ છૂટ આપી દીધી હોવાની વાત છે. આ કેશિયર તેના સાહેબોની આંખમાં ધૂળ નાખી રહ્યો છે.
ચોટલી હાથમાં આવે તો સાલીયાની ચોટલી પકડાઈ જશે
જો પોલીસ સાલિયાના ખાસ માણસ ‘ચોટલી’ સુધી પહોંચે, તો IPL સટ્ટાના કૌભાંડની પરત દર પરત રહસ્ય ખુલી શકે છે. ‘ચોટલી’ પાસે જ બધી મહત્ત્વની જાણકારી પોલીસને મળી શકે છે. સટ્ટા દ્વારા પચાવાયેલા મકાન, ફ્લેટ, મિલકતો, વિદેશમાં રોકાયેલા IPL સટ્ટાના કરોડો રૂપિયા અને કેટલા બંગલોઝ ખરીદાયા અને કોણ છે માલિક?
