સૂરતના એક અગ્રણી વ્યવસાયી પરિવારમાં જન્મેલા શ્રી રજનીકાંત બચકાનીવાળાએ એમ.એસ. યુનિવર્સિટી – વડોદરા અને લીડઝ યુનિવર્સિટી બ્રિટનમાં ટેક્સ્ટાઇલનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને આજે ટેક્સ્ટાઇલ ક્ષેત્રના એક અગ્રણી છે અને વ્યવસાય માટે વિશ્વનો વ્યાપક પ્રવાસ કર્યો છે. પાલોદ હિમસન ગ્રુપ, મંત્રા વણકર સંઘ વગેરેમાં પ્રમુખ છે. શાળાઓ અને સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
તમે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરો છો?
મારા ઘરે નાનું મંદિર છે. રોજ સવારે ધ્યાનમાં બેસી ચિંતન કરું છું. ઈશ્વર અને મંદિર ફક્ત માધ્યમ છે. 10 મિનિટનું ધ્યાન મને આખો દિવસ ઊર્જા આપે છે. આમ પણ ઇશ્વર સમગ્ર સૃષ્ટિને ચેતનવંતી રાખે છે. તે જ સર્જનહાર છે.
ઈશ્વર હોવાની પ્રતીતિ કેવી રીતે કરો છો?
જ્યારે જ્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવાનો પ્રસંગ આવે છે ત્યારે પ્રભુનું સ્મરણ કરી પ્રયત્ન કરું છું અને અચૂક એમાં મને સફળતા પ્રાપ્ત થાય છે. પ્રભુનું સ્મરણ કરવાથી મને નૈતિક બળ મળે છે અને પ્રયત્ન કરવાનો જુસ્સો વધી જાય છે. એ જ કોઇ પણ મુશ્કેલીનો સામનો કરવાનું કે નિવારવાનું સૌથી મોટું તત્ત્વ છે.
તમે પુનઃ જન્મમાં માનો છો?
ગીતાનો અભ્યાસ કર્યો હોવાથી કર્મના સિદ્ધાંતમાં હું ચોક્કસ માનું છું. ફળ ભોગવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. ફળ ભોગવવા માટે ફરી જન્મ લેવો ય પડે. પુનઃજન્મ વગર એ શક્ય નથી. આ એક એવી માન્યતા છે જે દરેકને સાત્ત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. એવા કર્મ કરવાની પ્રેરણા આપે છે જે આ જન્મમાં જ સંચિત થઈ જાય. બધાં સત્કર્મનો મહિમા ગાય છે તે અમસ્તો નથી. આપણું કર્મ જ આપણું ભાગ્ય ઘડે છે.
તમને તમારા જીવનના પ્રશ્નનો ઉકેલ ઈશ્વર પાસેથી મળે છે?
ઈશ્વરે દરેક પ્રશ્નની સાથે એનો ઉકેલ પણ સુનિશ્ચિત કર્યો હોય છે. સ્વમહેનત, પ્રારબ્ધ અને ઈશ્વરમાં શ્રધ્ધા દરેક પ્રશ્નનો ઉકેલ મેળવવામાં મદદરૂપ થાય છે. ઉકેલ વહેલોમોડો આવે પણ આવે જરૂરથી. ઉકેલ ઈશ્વર પાસેથી જ મળ્યો એવું ચોક્કસપણે નહીં કહી શકાય પરંતુ કોઈક તો એવી શક્તિ છે જે સાચો માર્ગ બતાવે છે.
