આજકાલ ભરૂચના પ્રાચીન જૈન મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે, જેનો ઉલ્લેખ જૈન ઇતિહાસમાં સમડીવિહાર તરીકે કરવામાં આવ્યો છે. ભરૂચની જુમ્મા મસ્જિદ ભૂતકાળમાં જૈનોનો સમડીવિહાર હતો, તેના નક્કર ઐતિહાસિક પુરાવાઓ મળે છે. ભરૂચની જુમ્મા મસ્જિદનું ઈ.સ. ૧૯૮૦ ના દાયકામાં સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન કાટમાળમાંથી શ્રી મુનિસુવ્રત સ્વામીનું પ્રાચીન પબાસણ મળી આવ્યું હતું. આ પબાસણ પર વિ.સં. ૧૨૦૧ નો એક અભિલેખ મળી આવ્યો હતો. આ લેખની સંવત આમ્રભટ્ટ મંત્રી દ્વારા કરાવવામાં આવેલા જીર્ણોદ્ધારની સંવત ૧૧૧૨ પછીની છે.
આ પબાસણ વડોદરામાં પુરાતત્ત્વ ખાતાની કચેરીમાં રાખવામાં આવ્યું હતું. આ લેખ ઉપરથી પણ સાબિત થાય છે કે આજે જે સ્થળે જુમ્મા મસ્જિદ છે ત્યાં એક સમયે સમડીવિહાર ઊભો હતો. ભરૂચમાં અત્યારે જે શ્રી મુનિસુવ્રત સ્વામીનું જિનમંદિર છે તે અર્વાચીન છે અને તેમાં જે શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનું જિનબિંબ છે તે પૈઠણથી લાવવામાં આવ્યું છે. મધ્યકાલીન શ્વેતાંબર જૈન સાહિત્યમાં ભરૂચ નગરનો ઉલ્લેખ ભૃગુકચ્છ, ભૃગુપુર, ભૃગુપત્તન વગેરે તરીકે વાંચવા મળે છે. જૈન ધર્મના જગચ્ચિંતામણિ સ્તોત્ર નામે ચૈત્યવંદન સૂત્રમાં શત્રુંજયના શ્રી ઋષભદેવ પ્રભુ, ગિરનારના શ્રી નેમિનાથ પ્રભુ અને સત્યપુરમંડન શ્રી મહાવીર સ્વામી સાથે ભરૂચના શ્રી મુનિસુવ્રત સ્વામી અને મુહરિના શ્રી પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ છે :
“જયઉ સામિય જયઉ સામિય, રિસહુ સત્તુંજિ, ઉજ્જિંતિ પહુ નેમિ જિણં,
જયઉ વીર સચ્ચઉરીમંડણં, ભરુઅચ્છહિં મુણિસુવ્વયં, મુહરિ પાસ દુહ-દરિઉ-ખંડણં”
ભરૂચની જુમ્મા મસ્જિદ જ જૈનોનો સમડીવિહાર છે, એનો એક વધુ પુરાવો આર્કિયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા, ભાગ-૬ માં મળે છે. આ ગ્રંથમાં જ્યોર્જ બર્જેસ નોંધ કરે છે કે “અલ્લાઉદ્દીન ખિલજીએ ઈ.સ. ૧૨૯૭ માં ગુજરાત સર કર્યું ત્યારે ભરૂચ પણ મુસ્લિમોના હાથમાં ગયું. તે કાળે ભરૂચના જૈન દેરાસરનું રૂપાંતર જુમ્મા મસ્જિદમાં કરવામાં આવ્યું. ત્યાં રહેલા અવશેષો કોઈ જિનાલયના ખંડિત ભાગો જેવા છે. ઈ.સ. ૧૮૦૩ સુધી આ જગ્યા અવાવરુ રહી હતી. ઈ.સ. ૧૮૦૩ માં અંગ્રેજોએ ભરૂચ ઉપર કબજો કર્યો ત્યારે લશ્કરે ત્યાં મુકામ કર્યો હતો.”
ભરૂચમાં જૈન તીર્થની સ્થાપના વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના કાળમાં થઈ હતી. મુનિસુવ્રત ભગવાન એક અશ્વનો ઉદ્ધાર કરવા અહીં આવ્યા હોવાથી આ તીર્થ અશ્વાવબોધ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું હતું. ત્યાર બાદ ત્યાં શ્રીલંકાની રાજકુંવરીએ શકુનિકા વિહાર નામનું જિનાલય બંધાવ્યું હતું, જે સમડીવિહાર તરીકે પણ ઓળખાતું હતું. ઈ.સ. ૧૨૩૧ અને ૧૨૫૩ વચ્ચે લખાયેલી આચાર્યશ્રી મહેન્દસૂરિકૃત અષ્ટોત્તરી તીર્થમાલામાં ભરૂચના સમડીવિહાર તથા અશ્વાવબોધ તીર્થનો અને સુદર્શના રાજકુમારીનો ઉલ્લેખ કરીને ત્યાંના જીવંત સ્વામી અને મુનિસુવ્રત જિનને નમસ્કાર કરવામાં આવ્યા છે. આર્ય ખપુટાચાર્યના વંશમાં આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી થયા. એક વખતે તેઓ શ્રી રૈવતગિરિ તીર્થની યાત્રા કરીને ભૃગુપુર નગરમાં પધાર્યા.
શ્રીસંઘે તેમને પ્રવેશ મહોત્સવથી આવકાર્યા. અંકલેશ્વર નગરથી એક બળતો વાસ પ્રબળ પવનને કારણે ભૃગુપુરમાં આવ્યો અને નગરનાં લાકડાંના મકાનો ઉપર પડ્યો. જોતજોતામાં તે મકાન તો સળગી ગયું પણ આગ પ્રસરી ગઈ. તેણે અનેક મકાનો અને હવેલીઓને ભસ્મીભૂત કર્યાં. એ આગે શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના કાષ્ઠના જિનાલયને પણ બાળીને રાખ કર્યું, પણ શ્રી મુનિસુવ્રત સ્વામીનું બિંબ હતું તેવું જ રહ્યું. આગ શાંત થયા પછી ખપુટાચાર્યે ઘરે ઘરે ફરીને જીર્ણોદ્ધાર માટે પાંચ હજાર સોનામહોરો એકઠી કરી અને સુથાર કાષ્ઠનું નવું જિનાલય બંધાવ્યું.
ભરૂચના શકુનિકા વિહાર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાતના મહામંત્રી આમ્રભટ્ટે કરાવ્યો હતો, તેવો ઉલ્લેખ પ્રબંધચિંતામણિ ગ્રંથમાં આચાર્યશ્રી મેરુતુંગસૂરિજી દ્વારા કરવામાં આવ્યો છે. આ ગ્રંથની રચના વિ.સં. ૧૩૬૧ માં કરવામાં આવી હતી. પ્રબંધચિંતામણિના કથન અનુસાર “ઉદયન મંત્રીની મરણ સમયની અધૂરી રહી ગયેલી તીર્થોદ્ધારની મનોકામના પૂર્ણ કરવા તેમના દ્વિતીય પુત્ર આમ્રભટ્ટે ભૃગુકચ્છમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના પુરાણા જિનાલયના સ્થાને નવીન ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું.”
રાજગચ્છીય આચાર્યશ્રી પ્રભાચંદ્રના ગ્રંથ પ્રભાવકચરિત્ર (વિ.સં. ૧૩૩૪) મુજબ આમ્રભટ્ટ (આંબડ) મંત્રીએ ભરૂચના શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયને કાષ્ઠનું અને જીર્ણ થઈ ગયેલું જોઈ તેનો પુનરુદ્ધાર કર્યો. આંબડ મંત્રીના સમકાલીન આચાર્યશ્રી સોમપ્રભસૂરિજી પોતાના જિનધર્મપ્રતિબોધ નામના ગ્રંથમાં આ જિનાલય કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી આંબડ મંત્રીએ બંધાવ્યું એમ લખે છે.
આંબડ મંત્રી દ્વારા આ મંદિરનો શિલાન્યાસ વિ.સં. ૧૧૨૦ માં કરવામાં આવ્યો હતો અને પ્રતિષ્ઠા મહોત્સવ વિ.સં. ૧૧૨૨ માં કરવામાં આવ્યો હતો. ઉદયન મંત્રીની આખરી ઈચ્છા મુજબ તેમના જ્યેષ્ઠ પુત્ર વાગ્ભટ્ટે શત્રુંજય તીર્થમાં આદેશ્વર ભગવાનનું જિનાલય વિ.સં. ૧૧૧૦ માં નિર્માણ કર્યું તેના દસકા પછી આમ્રભટ્ટ દ્વારા શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો.
આમ્રભટ્ટ મંત્રીએ તીર્થના ગૌરવને અનુરૂપ અને ઉદયન મંત્રીના પરિવારના શાન અને સમૃદ્ધિ સાથે સુસંગત ભવ્ય કોતરણીયુક્ત જિનાલય બંધાવ્યું હતું. ભૃગુકચ્છના શકુનિકા વિહારમાં ગુજરાતના મહામંત્રી તેજપાળે આચાર્યશ્રી જયસિંહસૂરિના ઉપદેશથી શ્રી મુનિસુવ્રત સ્વામીના મૂળ પ્રસાદમાં અને આજુબાજુની ૨૪ દેવકુલિકાઓમાં મૂકવા માટે ૨૫ સુવર્ણદંડ કરાવી આપ્યા હતા અને શ્રી પાર્શ્વનાથ તેમ જ શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ પણ પધરાવી હતી.
ભૃગુકચ્છ તીર્થના અધિષ્ઠાતા આચાર્યશ્રી વીરસૂરિના શિષ્ય આચાર્યશ્રી જયસિંહસૂરિ દ્વારા રચાયેલી તેજપાલ પ્રશસ્તિમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રશસ્તિની રચના વિ.સં. ૧૨૮૬ આસપાસ કરવામાં આવી હતી, જ્યારે આમ્રભટ્ટ મંત્રી દ્વારા શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર વિ.સં. ૧૨૨૨ માં કરાવવામાં આવ્યો હતો. જૈન ગ્રંથોમાં સંપ્રતિ મહારાજાએ, સાતવાહન રાજાએ અને વિક્રમાદિત્ય રાજાએ પણ શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાની વાત આવે છે.
આવશ્યક ચૂર્ણિના પાઠ મુજબ ઈ.સ. ની પહેલી સદીમાં થઈ ગયેલા શકક્ષત્રપ નભોવાહન (નપાહન) ના રાજમાં ભરૂચમાં આર્ય વજ્રભૂતિ નામના નિર્ગ્રંથ કવિ થઈ ગયા હોવાનો ઉલ્લેખ છે. ઈસુની પૂર્વે પ્રથમ શતાબ્દીમાં થઈ ગયેલા આચાર્ય કાલકસૂરિ મહારાજે ભરૂચમાં ચાતુર્માસ કર્યું તેનો પણ ઉલ્લેખ છે. ત્યાં બલમિત્ર નામે રાજા હતો. તેનો ભાઈ ભાનુમિત્ર આચાર્યશ્રી કાલકસૂરિનો ભાણેજ હતો. શ્વેતાંબર જૈનાચાર્ય શ્રીચંદ્રસૂરિકૃત મુનિસુવ્રતચરિત્રના ગ્રંથના પાઠ મુજબ હર્ષપુરીય ગચ્છના અભયદેવસૂરિના ઉપદેશથી ગુજરાતના પ્રખ્યાત શાંતનુ મંત્રીએ જયસિંહના શાસન કાળમાં ભરૂચના શકુનિકા વિહાર ઉપર સુવર્ણકળશો ચઢાવ્યા હતા. આ ઘટના ઈ.સ. ૧૧૦૦ આસપાસની હોઈ શકે છે અને તે આમ્રભટ્ટ દ્વારા જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો તેની પૂર્વેની છે.
ભરૂચમાં આમ્રભટ્ટ મંત્રીએ જે ભવ્ય શકુનિકા વિહાર બંધાવ્યો હતો તેનો ધ્વંસ ઈ.સ. ૧૩૨૧ માં અલ્લાઉદ્દીન ખિલજીએ કર્યો અને તેના સ્થાન ઉપર આજની જુમ્મા મસ્જિદ બનાવી. જો આજે પણ કોઈને આમ્રભટ્ટ મંત્રીએ ઈ.સ. ૧૧૬૬ માં બનાવેલા ભવ્ય જિનાલયના અંશો જોવા હોય તો તેમણે ભરૂચની જુમ્મા મસ્જિદની મુલાકાત લેવી જોઈએ, જે વર્તમાન શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયથી માત્ર અડધા કિલોમીટરના અંતરે આવેલી છે. આ મસ્જિદમાં ગર્ભગૃહની બારશાખો ઉપર આજે પણ શ્રી જિનેશ્વર પરમાત્માની મંગલ મૂર્તિઓ જોવા મળે છે.
આ મસ્જિદના સ્તંભો અને તોરણો જોતાં પણ ખ્યાલ આવે છે કે મૂળમાં આ સ્થાન ઉપર ભવ્ય જિનાલય હતું. આ મસ્જિદના મુખ્ય મંડપનો વ્યાસ આશરે ૩૦ ફૂટ જેટલો છે. પ્રભાવકચરિત્ર નામના ગ્રંથમાં શકુનિકા વિહારની પહોળાઈ આશરે ૧૭ હાથ કે ૫૧ ફૂટની જણાવવામાં આવી છે. મુખ્ય રંગમંડપની પહોળાઈ ૩૦ ફૂટ જેટલી છે એ જોતાં મંદિરની કુલ પહોળાઈ ૫૧ ફૂટ હોય તે સ્વાભાવિક છે. આ મસ્જિદના વાસ્તુનો અભ્યાસ કરતાં પણ ખ્યાલ આવે છે કે મૂળ શકુનિકા વિહારમાં મુખ્ય ગર્ભગૃહ ઉપરાંત ગૂઢમંડપ, છ કે નવ ચોકી, રંગમંડપ અને રંગમંડપ ફરતી ૨૪ દેવકુલિકાઓ હતી.
ભરૂચ તીર્થની યાત્રા કરનાર દરેક યાત્રિકે આ જુમ્મા મસ્જિદની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ભરૂચના શકુનિકા વિહાર ઉપર મુસ્લિમોનું આક્રમણ આવ્યું ત્યારે તેમાં રહેલી તીર્થંકર પરમાત્માની મૂર્તિઓ શ્રીમાળી પોળમાં આવેલાં સાત જિનાલયોમાં લઈ જવામાં આવી હતી. આ જિનાલયો જીર્ણ થતાં વિ.સં. ૨૦૪૫ માં એક નૂતન જિનાલયનું નિર્માણ કરીને તેમાં ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. આજે પણ ભારતભરનાં જૈનો હજારોની સંખ્યામાં આ નૂતન મંદિરમાં આરાધના માટે આવે છે. તેમાંના બહુ ઓછાને જાણ હશે કે મૂળ સમડીવિહાર જિનાલય તેની નજીકમાં જ આવેલું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.