Editorial

કોવિડના રોગ અંગે હવે વ્યવહારુ અભિગમ અપનાવવાની જરૂર છે

છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વભરમાં જેની ચર્ચાઓ રહી છે તે કોવિડનો રોગચાળો છેલ્લા કેટલાક સમયથી તો ખૂબ મંદ પડી ગયો હતો પરંતુ હાલમાં ચીનમાં નવા કેસો શરૂ થતા દુનિયામાં ફરીથી ફફડાટ પણ ફેલાયો તો ખરો પરંતુ ચીન એક  બંધિયાર દેશ છે અને ત્યાંથી સાચી વિગતો ઝડપથી બહાર આવતી નથી. ઘણા લોકોના મૃત્યુઓ થઇ રહ્યા હોવાના વચ્ચે ચીની સરકારે એવું કહ્યું છે કે કેસો ઘણા વધ્યા છે પણ મૃત્યુઓ વધારે નથી. આ વાત સાચી માનીએ તો એક રાહતની  વાત છે. ચીની સરકારે હવે કેસો વધ્યા ત્યારે પ્રવાસ નિયંત્રણો સહિતના નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય કર્યો છે!

જો પહેલાથી જ તેણે જડ ઝીરો કોવિડ નીતિ ન અપનાવી હોત તો હર્ડ ઇમ્યુનિટી વ્યાપક સર્જાવાને કારણે હાલના આટલા બધા  નવા કેસો નહીં થયા હોત એમ કેટલાક નિષ્ણાતો કહે છે. વાત સાચી છે, રોગચાળાની શરૂઆતમાં આરોગ્ય તંત્રને પુરતુ સજ્જ બનાવવા માટે ભલે લૉકડાઉન જેવા સખત નિયંત્રણો અમલી બનાવાય, પરંતુ કાયમ માટે રાખી શકાય નહીં. ભારત  સહિત અનેક દેશોએ આવી વ્યવહારિક નીતિ અપનાવી છે. ચીન હવે મોડે મોડે જાગ્યું છે અને હાલના તબક્કે જોખમી કહી શકાય તેવી સ્થિતિમાં તેણે નિયંત્રણો ઉઠાવવા માંડ્યા છે. ખરેખર તો હવે કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગને  અન્ય શરદી ફ્લુ જેવા રોગો જેવા જ ગણીને તેનો ઉપચાર કરવાની જરૂર છે અને હવે તેને રોગચાળાની કક્ષામાં ગણવાની જરૂર નથી એમ કેટલાક નિષ્ણાતો કહે છે જે યોગ્ય જ જણાય છે.

કોવિડની બાબતમાં અત્યાર સૌથી વધુ વ્યવહારુ વલણ બ્રિટને અપનાવ્યું જણાય છે. બ્રિટનના સત્તાવાળાઓએ હાલમાં કહ્યું છે કે તેઓ નવા વર્ષથી પોતાના નિયમિત કોવિડ-19 સંક્રમણના આંકડાઓ પ્રકાશિત કરવાનું બંધ કરશે કારણ કે દેશ  રસી અને દવાઓની મદદથી વાયરસ સાથે રહેવાના તબક્કામાં પહોંચ્યું છે એટલે તેની હવે જરૂર નથી. બ્રિટનની આરોગ્ય સુરક્ષા સંસ્થાએ (યુકેએચએસએ) કહ્યું હતું કે તે કોવિડ પર અન્ય સામાન્ય વાયરલ બીમારીની જેમ દેખરેખ રાખશે જેમ  કે સિઝનલ ફ્લુ.  હવે રસી અને દવાઓથી આપણે તે તબક્કામાં છીએ જ્યાં આપણે કોવિડ-19 સાથે જીવી રહ્યા છે ત્યારે કોવિડ-19 સંક્રમણના આંકડાઓને પ્રકાશિત કરવાની હવે જરૂર નથી, જાપ્તાનું સ્તર નીચું કરાયું છે પણ અલગ પ્રકારે તેના  પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

અમે કોવિડ-19ની હિલચાલ પર તે જ પ્રકારે નજર રાખવાનું ચાલુ રાખીશું જેમ આપણે અન્ય બીમારીઓ પર નજર રાખીએ છીએ. તમામ આંકડાઓની સતત સમીક્ષા કરાઈ રહી છે અને જો જરૂર  પડશે તો સંક્રમણના આંકડાઓને તુરંત જ પ્રકાશિત કરી શકાશે, એમ આરોગ્ય વિભાગ કહે છે અને આ બિલકુલ વ્યવહારુ વલણ છે. ‘અમે ફ્લૂ અને કોવિડ-19 બંનેના કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો જોઈ રહ્યા છીએ  કારણ કે લોકો આ શિયાળામાં ઘરની અંદર ભેગા થઈ ઉજવણીઓ કરી રહ્યા છે. તે મહત્વપૂર્ણ છે કે દરેક વ્યક્તિ જે લાયક છે તે વર્ષના અંત પહેલા તેમના બૂસ્ટર ડોઝને લઈ લે’, એમ એક તબીબે કહ્યું હતું. આ અભિગમ જ બરાબર છે હવે  આટલા સમય પછી કોવિડનો મોટો હાઉ ઉભો કરવાની જરૂર નથી પણ કોવિડને શરદી, ફ્લુ જેવો રોગ ગણીને કોઇ આઇસોલેશન વગર તેની સારવાર કરવાની જરૂર છે અને બ્રિટન તે માર્ગ અપનાવી રહ્યું તે એક વ્યવહારિક અભિગમ છે.

ખરેખર તો કોવિડના રોગચાળાને કારણે દુનિયાભરમાં જે ગભરાટ ફેલાયો હતો તેના કારણે અને જાત જાતના નિયંત્રણોને કારણે બીજા રોગોના દર્દીઓની યોગ્ય સારવાર થઇ શકી ન હતી. ભારતમાં વર્ષ ૨૦૨૦માં કોવિડ-૧૯ના રોગચાળાને  કારણે થયેલી ખોરવણીઓને કારણે પાંચ લાખ કરતા વધુ લોકો ક્ષય રોગનું નિદાન ચુકી ગયા અથવા તો તેમને આ રોગનું મોડેથી નિદાન થયું હોવાનો અંદાજ છે એમ એક અભ્યાસ જણાવે છે. સંશોધકોને જણાયું હતું કે રોગચાળાના પ્રથમ  વર્ષમાં ભારે બોજ ધરાવતા ૪૫ દેશોમાં ૧૫ લાખ કરતા વધુ લોકોને ટ્યુબરક્યુલોસિસ(ટીબી)નું નિદાન થઇ શક્યું ન હતું અથવા તો વિલંબથી નિદાન થયું હતું.

બીએમસી મેડિસિન નામના જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં જણાયું છે કે  જેમને ત્યાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું તેવા અડધા કરતા વધુ દેશોમાં બાળકોને વધારે પડતી અસર થઇ હતી અને ૬પ વર્ષ કરતા વધુ વયના લોકોને પણ નિદાનમાં વધુ પડતી અસર થઇ હતી. આ અભ્યાસના પરિણામો સૂચવે છે કે  કોવિડના રોગચાળામાં ટીબીનો ચેપ ધરાવતા મોટા પ્રમાણમાં લોકો સારવાર વગરના રહી ગયા હતા અને અજાણપણે તેઓ આ રોગનો ચેપ ફેલાવી રહ્યા હતા, જેની જાહેર આરોગય પર લાંબા સમયની અસરો થઇ શકે છે. ટીબી એ એવો રોગ  છે કે ચેપી રોગોથી વિશ્વભરમાં જેને કારણે સૌથી વધુ મોત થાય છે તેમાં તેનો બીજો ક્રમ આવે છે. આ રોગની બાબતમાં કોવિડથી થયેલી ખોરવણીઓની અસરનો અભ્યાસ આ રોગચાળાથી થયેલ કુલ આવી અસરોના અભ્યાસ પર પણ ધ્યાન  કેન્દ્રિત કરાવે છે. કોવિડના રોગચાળાનો હવે હાઉ બંધ કરીને તેના અંગે વ્યવહારુ અને વાજબી અભિગમ અપનાવવામાં આવે તે જ યોગ્ય છે.

Most Popular

To Top