સુરતના સરસાણા ખાતે આવેલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં આજે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત ત્રણ દિવસીય એનર્જી,પાવર–ઇલેક્ટ્રિકલ એક્સપો 2026નો ભવ્ય પ્રારંભ થયો. ‘પાવરિંગ ધ ફ્યુચર – ટુડે’ થીમ પર આધારિત આ એક્સપોનું ઉદ્ઘાટન બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
દેશભરમાંથી 60થી વધુ ઉદ્યોગ પ્રદર્શકો આ એક્સપોમાં ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન રાજ્યપાલે અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર ખુલ્લેઆમ અને સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. લવ જેહાદના મુદ્દે તેમણે જણાવ્યું કે “લવ જેહાદ પર બોલવા જેવું કંઈ નથી. કેરળમાં એવી કોઈ સ્થિતિ નથી.”તેમણે ઉમેર્યું કે કેરળમાં સામાજિક એકતામાં તિરાડ પાડવાના પ્રયાસો થયા હતા પરંતુ ત્યાંની જનતાએ પોતાની સંસ્કૃતિ અને એકતા જાળવી રાખી છે. કેરળની સહિષ્ણુતા દર્શાવતા તેમણે કહ્યું કે મંદિરની સાથે ચર્ચ અને મસ્જિદોમાં પણ દીપ પ્રાગટ્ય થતું હોય એવું રાજ્ય કેરળ છે.
મહારાષ્ટ્રમાં બિહારીઓને નિશાન બનાવવાના મુદ્દે રાજ્યપાલે સ્પષ્ટતા કરતા કહ્યું કે ભારત લોકશાહી દેશ છે અને મહારાષ્ટ્રની મોટાભાગની જનતા બિહારીઓને સ્વીકારીને આગળ વધી રહી છે. થોડાક અવાજો નકારાત્મકતા ફેલાવે છે. બિહારના લોકો મહેનતુ છે અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. પાકિસ્તાન સાથેના સંબંધો અને ક્રિકેટ મુદ્દે કડક પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે નુકસાન પાકિસ્તાનનું જ છે. આતંકવાદને પ્રોત્સાહન આપી પાકિસ્તાન પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યું છે.
રાજ્યપાલે સુરત શહેરની પણ દિલથી પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે 1970ના દાયકામાં ગંદુ ગણાતું સુરત આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન પામ્યું છે. ગુજરાતી ફરસાણ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતા તેમણે સુરતના ઉદ્યોગકારોને બિહારમાં રોકાણ કરવા અપીલ પણ કરી. અંતમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે હું વ્યક્તિની આઝાદીનો પક્ષકાર છું અને જનરલાઈઝેશનની વિરુદ્ધ છું. શિક્ષણ અને જાગૃતિથી જ સમાજ મજબૂત બની શકે છે.