દેશમાં સ્ત્રીઓ પર અત્યાચાર કે બળાત્કારની ઘટના સતત બનતી રહે છે. પણ થોડા ઉહાપોહ પછી પાછું જૈસે થે! તાજેતરમાં ગોવાના બીચ પર મધ્યરાત્રિએ 14 વર્ષની યુવતી પર પણ ગેંગ રેપની ઘટના બની. આ બંને કિસ્સામાં છોકરીઓ તેમના બોયફ્રેન્ડ સાથે રાત્રિના સમયે એકાંત જગ્યાએ ગઇ હતી. પ્રશ્ન એ થાય કે ભારોભાર જોખમ હોય તેવી જગ્યાઓ પર રાત્રિના સમયે એકાંત પળો માણવા યુવક-યુવતીઓ જોખમ ખેડીને શા માટે જાય છે? અને જાય તો પછી સરકાર તરફથી રક્ષણની અપેક્ષા રાખવી જ ન જોઇએ. વળી મા-બાપોએ પણ પોતાનાં સંતાનો કયાં જાય છે? તેની વોચ રાખવી જ જોઇએ. આવી જગ્યાઓ પર હવસલોલુપો લાળ ટપકાવતા શિકારની શોધમાં ભટકતા જ હોય છે. પછી ન થવાનું ન થાય તો જ નવાઇ!
બીજી બાજુ રાજકીય પક્ષો આવી ઘટનાનું સર્વગ્રાહી, સર્વેક્ષણ કરવા કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઉપાય કરવાને બદલે પોતાનો રાજકીય રોટલો શેકવામાં લાગી જાય છે. વિરોધ પક્ષો બેફામ વાણી-વિલાસ મચાવે છે. સરકારની સંરક્ષણની જવાબદારી છે. તો શું યુવક-યુવતીઓ એટલા નાદાન હતા કે તેમની સુરક્ષાનું તેમને ભાન ન હોય? વળી આ બધાના મૂળમાં પરોક્ષ રીતે પોર્નોગ્રાફી ફિલ્મ જવાબદાર હોય એવું નથી લાગતું? બહુચર્ચિત નિર્ભયા કાંડમાં સગીર આરોપીએ પણ કબૂલ્યું હતું કે તેને પોર્નોગ્રાફી ફિલ્મ જોવાનો શોખ હતો. જેને લીધે તે આ દુષ્કૃત્ય કરવા પ્રેરાયો.
સુરત -કલ્પના બામણિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.