આ દેશમાં સાધારણ માણસને કોઈ મોટો રોગ થાય તો તેની દશા બૂરી થઈ જાય છે. આ મોંઘવારીમાં પૈસાનો અભાવ તો ખરો જ પણ હૉસ્પિટલની અનેક પ્રકારની અરાજક્તાઓમાંથી તેણે પસાર થવું પડે છે. દર્દી પોતે જે દર્દથી પીડાતો હોય તેના કરતાં બમણી પીડા તેને હૉસ્પિટલની લાલિયાવાડીથી થાય છે. દિવસો સુધી હૉસ્પિટલમાં રહેવાનું હોય અને હૉસ્પિટલનો સ્ટાફ સહકાર ન આપતો હોય તો લોકોની પીડાનો પાર રહેતો નથી. ઘણી વાર સમાચાર વાંચવા મળે છે કે દરદીએ પોતાના દર્દથી કંટાળીને ચોથા માળથી પડતું મૂક્યું. હૉસ્પિટલમાં અનેક પ્રકારની અગવડો હોય છે પણ એમાં હૉસ્પિટલના ડૉક્ટરો દરદીના સગાંને એડવાન્સમાં ડિપોઝિટ ભરવા કહી દે છે તે ખૂબ ત્રાસજનક હોય છે. દરદી ગરીબ હોય અને ડિપોઝિટ ન ભરી શકે એમ હોય તો તેને હૉસ્પિટલની મેનેજમેન્ટ પાસે મોકલવામાં આવે છે. ટ્રસ્ટીઓ એને અનેક જાતના સવાલો પૂછીને એ ચકાસણી કરે છે કે દરદી ક્યાંક ગરીબીનો ઢોંગ કરીને મફતમાં લાભ મેળવવાની પેરવી તો નથી કરી રહ્યો ને..? કેમ કે ઘણી વાર પૈસા ચૂકવી શકે એવા ખમતીધર લોકો પણ યેનકેન પ્રકારેણ બિલ ઓછું થાય તેવા પેંતરા કરતા હોય છે. તેઓ ગરીબોના હક પર તરાપ મારવા ટેવાયેલા હોય છે.
આપણી મૂળ વાત છે– હૉસ્પિટલોમાં ‘લાઈફ સેવિંગ ફંડ’ હોવું જોઈએ કે નહીં..?- તે અંગેની છે. હા, એવું ફંડ જરૂર હોવું જોઈએ કેમ કે જિંદગીનો કોઈ ભરોસો હોતો નથી. ક્યારે કઈ દિશામાંથી કેટલા ખર્ચાળ રોગનો હુમલો થાય તેનું કાંઈ નક્કી હોતું નથી. પૈસાના અભાવે દરદીએ જીવ ગુમાવવો પડ્યો હોય એવા અનેક દાખલાઓ બન્યા છે. હૉસ્પિટલના ટ્રસ્ટીઓ ડિપોઝિટ વિના ગરીબોની સારવાર કરવાનો ઈનકાર કરી દે છે. એવા સંજોગોમાં દરદીના સ્વજનો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિદેશોમાં એવા દરદીઓની સારવારનો ખર્ચ હૉસ્પિટલનું ‘લાઈફ સેવિંગ ફંડ’ ચૂકવે છે. આપણે ત્યાં બહુ ઓછી હૉસ્પિટલોમાં એવી સુવિધા હોય છે. એથી ક્યારેક એવું બને છે કે કોઈ ગરીબ દરદી સારવાર દરમિયાન મૃત્યુ પામે ત્યારે હૉસ્પિટલના ડોક્ટરૉ તેની પાસેથી પૂરા પૈસા લીધા વિના તેને મૃતકની લાશ આપતા નથી. મેડિકલ ફિલ્ડ એવું છે જ્યાં સૌથી વધુ દયા અને સહાનુભૂતિની જરૂર પડે છે. લોકો અહીં પોતાનું દુ:ખ લઈને આવે છે તેમની સાથે આવો અમાનવીય વ્યવહાર થાય તે દાઝ્યા પર ડામ દેવા જેવી બાબત ગણાય.
બીજી એક દુ:ખદ હકીકત એ છે કે હૉસ્પિટલ દયાથી પ્રેરાઈને કોઈ ગરીબ દરદીનું ઓપરેશન ડિપોઝિટ લીધા વિના કરી દે છે પછી તેને ડિસ્ચાર્જ કરતી વેળા દરદીનાં સગાં ત્યાં હજાર હોતાં નથી ત્યારે મેનેજમેન્ટ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એ કારણે હવે લગભગ દરેક હૉસ્પિટલો દરદી પાસેથી એડવાન્સમાં ડિપોઝિટ લઈ લે છે. હમણાં એક ગરીબ દરદી હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો. તેના બિલનાં નાણાં બાકી હોવાથી હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને સારવાર આપતા પૂર્વે બિલનાં નાણાં એડવાન્સમાં ભરી દેવા કહ્યું પણ તેણે કહ્યું કે અમારી પાસે પૈસા નથી. ઈમરજન્સી હતી એથી ડૉક્ટરે ઓપરેશન કરી નાખ્યું પણ ઓપરેશન દરમિયાન દરદી મૃત્યુ પામ્યો. હૉસ્પિટલે તેનાં સગાંઓને કહ્યું: ‘પહેલા બિલ ભરો પછી લાશ મળશે..!’ દરદીનાં સગાં ખૂબ ગરીબ હતાં તેમણે લાચારી દર્શાવતાં કહ્યું: ‘અમારી પાસે પૈસા નથી.. તમે જ હવે એનો અગ્નિસંસ્કાર કરી દેજો. અમારે એની લાશ જોઈતી નથી!’
આજે લોકો માટે માંદગી અને હૉસ્પિટલનો ચકરાવો ખૂબ દર્દનાક બની ગયો છે. ઘણી સેવાભાવી ધાર્મિક સંસ્થાઓ ગરીબો માટે ‘પુઅર પેશન્ટ રિલીફ ફંડ’ ચલાવે છે. તેમના એ માનવતાના કામ માટે તેમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. જો કે તો ય આજે દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે અને ડૉક્ટરોની ફી પણ અસહ્ય હોય છે ત્યારે ગરીબો માટે જીવતા રહેવાનો ઉપાય આટલો જીવલેણ ન હોવો જોઈએ. સરકારે અન્ય ક્ષેત્રે ટૅક્સ કે વેરો વધારીને પણ એ દિશામાં કંઈક કરવું જોઈએ. અને તે ઉપક્રમે મેડિકલ સાથે સંલગ્ન હોય તેવા દરેક વિભાગોમાં ફ્રી દવા, સારવાર કે ઓપરેશનોની સુવિધા આપવી જોઈએ. સંપૂર્ણ ફ્રીમાં નહીં તો ઓછો ચાર્જ લઈને પણ લોકોને રાહત આપવી જોઈએ. જો કે એનું એક ભયસ્થાન એ છે કે લોકો મફતમાં મળતી દરેક વસ્તુ માટે લાઈન લગાડી દે છે એથી સાચા જરૂરિયાતમંદને એ યોજનાનો લાભ મળતો નથી. (એક નાનો દાખલો ધૂપછાંવમાં)
ધૂપછાંવ
એક ડૉક્ટરે કહ્યું: ‘હું અઠવાડિયામાં એક દિવસ ગરીબ દરદીઓને ફ્રીમાં તપાસું છું અને ઓપરેશન પણ ફ્રીમાં કરું છું! એક દિવસ મને જાણ થઈ કે એક દરદી લાખોપતિ છે પણ તે મારે ત્યાં ગરીબોમાં નામ નોંધાવીને ફ્રીમાં લાભ મેળવે છે. તે મારૂતિમાં આવે છે અને મારૂતિમાં જાય છે! ગરીબો પ્રત્યેની હમદર્દીનો લોકો આવો દુરુપયોગ કરે છે તે જાણી બીજા લોકોને એવી મદદ કરવાની ઈચ્છા થતી નથી!’