Charchapatra

કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી, ગુકેશે વર્લ્ડ ચેમ્પિયન બની ગૌરવ અપાવ્યું

રમવા માટે પૈસા નહોતા. મિત્રો પાસે લીધેલા. મનના સંતુલન અને સતર્કતા, બુધ્ધિની તીક્ષ્ણતાની રમત ગણાતી ચેસ શતરંજમાં સૌથી નાની વયના 18 વર્ષના ગુકેશ દોમ્મારાજુ (તમિલનાડુ)એ તાજેતરમાં ચેસ સ્પર્ધામાં વર્લ્ડ ચેમ્પિયન બનીને ભારતને અદકું ગૌરવ અપાવ્યું છે તે અભિનંદનીય છે. સામાન્ય રીતે યુવાનોની ટીકા થતી જોવા મળે છે કે યુવાનો પોતાની કારકિર્દી માટે જિંદગી માટે ગંભીર જણાતાં નથી. મોબાઇલ સોશ્યલ મિડિયામાં કલાકો વેડફે છે. ભારતીય મહાન દિવ્ય સંસ્કૃતિની કોઇ જ પરવા નથી. વડીલો, ગુરુ, શિક્ષકોને આદર, માન, સન્માન આપતાં આવડતું નથી, ઝડપથી ખોટા માર્ગો પસંદ કરી માલદાર થઇ ગાડી, બંગલામાં મહાલવું છે ને આમ જ જિંદગી વ્યર્થ વેડફી દે છે ત્યારે ગુકેશની સફળતા ટીકાકારોને એ જવાબ છે કે જેને કાંઇ કરી છૂટવું છે, નાનપણથી શાળા અભ્યાસથી જ પોતાનાં ઉચ્ચ સ્વપ્નાં સાકાર કરવાં છે.

સાચે જ કેટકેટલાં વય યુવાનો રાષ્ટ્રનું નામ રોશન કરવા પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યાં છે. તેની સગર્વ નોંધ લેવી રહી. ગુકેશે માત્ર 18 વર્ષની સૌથી નાની વયે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. દેશનાં યુવાનો અરે સર્વનું મસ્તક ગર્વથી ઊંચું થયું છે. એણે પ્રતિસ્પર્ધીની ડિંગ લિરેનની પ્રશંસા પણ કરી છે. ડિંગની તબિયત સારી નહોતી છતાં તે બહુ જ સારી રીતે રમ્યો છે. સાચે જ કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. ગુકેશને અઢળક અભિનંદન.
સુરત              – રમીલા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top