Entertainment

સફળતાના આકાશમાં ‘‘તારા’’ માટે જગ્યા નથી

એક આલિયા ભટ્ટ, બીજી દિપીકા પાદુકોણ સિવાય અત્યારે બધી જ અભિનેત્રીઓ અંદરથી અસલામત છે. પોતાની જે ફિલ્મ રજૂ ન થઇ હોય તેને સહુ સોનાનો સિકકો માને છે પણ રજૂ થયા પછી ઘણાને થતું હોય કે ધત્‌, આ તો ખોટો સિકકો હતો. કેટરીના કૈફે પરણી જઇને થોડીક કહેવાતી સલામતી ગુમાવી છે કારણકે સલમાન સાથે ફિલ્મો મળશે નહીં અને સલમાન એવો પણ પ્રયત્ન કરશે કે કેટરીનાને અમુક ફિલ્મો ન મળે. જેકલીન ફર્નાન્ડિસ હમણાં સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધમાં ફસાયેલી છે. કંગના રણૌત પોતાના વિવાદોને કારણે નિર્માતા માટે જોખમ ઊભું કર છે.

તાપસી પન્નુ આમાં વધુ સ્વસ્થ છે. રકુલ પ્રીત સીંઘે પણ પોતાની પોઝીશન સુધારી છે. સારા અલીખાન અને જાન્હવી કપૂર ગોઠવાય ચુકી છે. પરંતુ હજુ ઘણી એવી અભિનેત્રીઓ છે પોતાની કારકિર્દીના આરંભિક તબકકે જ છે. તારા સુતરીયા તેમાંની એક છે. હમણાં ‘તડપ’ રજૂ થઇ. તારાને ઘણી આશા હતી પણ ફિલ્મ ખરાબ રીતે પિટાઇ ગઇ. સુનીલ શેટ્ટીને આશા હતી કે તેનો દિકરો અહાન શેટ્ટી આ ફિલ્મથી સ્ટાર બની જશે પણ આશા ઠગારી નીવડી. તારા જાણતી હતી કે એ ફિલ્મ અહાન માટે બની છે પણ જો તે સફળ ગઇ હોત તો ચોકકસપણે જ તેને લાભ થયો હોત. તેને ‘મરજાવાં’ પાસે પણ એવી જ આશા હતી પણ ફળેલી નહીં. તારા ફિલ્મો કરતાં મ્યુઝિક વિડીયોમાં વધારે દેખાય છે અને તેનું કારણ પણ કદાચ એ જ છે કે તેને સફળતાની ખાત્રી નથી.

તારા સુતરીયાને ઓરીજિનલ ફિલ્મો ઓછી મળે છે. ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-2’ પણ આવી ચુકેલા વિષયવાળી હતી. ‘મરજાવાં’ અને ‘તડપ’ સફળ નથી રહી અને હવે ‘હીરોપંતી-2’ અને ‘એક વિલન રિટર્ન્સ’ની રાહ જુએ છે જે બંને સિકવલ છે. ટી.વી. સ્ક્રિન પરથી મુવી સ્ક્રિન સુધી તે પહોંચી તો છે પણ હજુ ફિલ્મમાં આવવું સાર્થક થયું નથી. આનું એક કારણ એ છે કે તે હીરો કેન્દ્રી ફિલ્મોનો જ ભાગ બનીને રહી ગઇ છે. એવી ફિલ્મમાં વજૂદ પૂરવાર કરવું મુશ્કેલ હોય છે. પરંતુ તારા પાસે િવકલ્પો ઓછા છે.

 ‘હીરોપંતી-2’ તો ટાઇગર શ્રોફ અને નવાઝુદ્દીન સિદ્દીકીને જ કેન્દ્રમાં રાખશે અને તે રોમેન્ટિક એકશન ફિલ્મ તરીકે ભલે ઓળખાવાતી હોય પણ એકશન જ મુખ્ય બનશે. ‘એક વિલન રિટર્ન્સ’ પણ ‘એક વિલન’ની સિકવલ છે અને તેમાં તો દિશા પટની પણ છે. તારા સુતરીયાએ વિચારવું પડશે કે તે કયાં ઊભી છે. તારા સુતરીયાએ જયારે ફિલ્મોમાં આરંભ કર્યો ત્યારે ઘણી ઉત્સાહિત અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી. આ આત્મવિશ્વાસ દરેક રજૂ થયેલી ફિલ્મે વધે તો સફળ રહ્યાનું કહી શકાય. તારા સાથે એવું નથી થયું એટલે તેને નવી ફિલ્મો મળતી પણ અટકી ગઇ છે. તારાને હવે દિવસે તારા દેખાવા માંડયા છે.

Most Popular

To Top