Comments

જિંદગીમાં રીવર્સ ગીયર હોતો નથી, જેઓ ભૂતકાળ ભૂલી શકતા નથી તેમને વર્તમાન મળતો નથી

સામાન્ય રીતે આપણને પૈસા-પદ અને માન મળવાની શરૂઆત થાય છે તે જીવનના લગભગ પચ્ચીસી પછી મળે છે. કોઈને શિક્ષણને કારણે, કોઈને તેના જ્ઞાનને કારણે, કોઈને પોતાના હોદ્દાને કારણે તો કોઈને વ્યવસાયને કારણે સામાજિક મોભો મળે છે. આમ જીવનના પહેલા પચ્ચીસ વર્ષ અત્યંત સરળ જિંદગી હોય છે, જેમાં આપણે જેવા છીએ તેવા જ દેખાવામાં અને રહેવામાં આપણને કોઈ સંકોચ થતો નથી,પણ જેવો આપણી  પાસે પદ અને પૈસા  આવે તેની સાથે આપણે પોતાને બીજા કરતાં જુદા છીએ  તેવો ભ્રમ થવા લાગે છે, તેમાં કોઈ શંકા નથી. દરેકને મળતાં પદ અને પૈસા માટે તેમણે ખૂબ મહેનત કરી છે, પણ જેવો પદ અથવા હોદ્દો મળે તેની સાથે તેમના જીવન ઉપર એક એવો ભાર સવાર થઈ જાય છે કે  તેઓ પોતાનાથી પોતાને અળગા કરે છે, પદ અને હોદ્દો ન્હોતો  ત્યારે  મિત્રો અને આસપાસનાં લોકો પોતાનાં લાગતાં હતાં તેઓ હવે પોતાના કરતાં ઉતરતા લાગવા માંડે છે.

આવું થવું પણ સ્વાભાવિક છે. કદાચ તેઓ બીજા કરતાં જુદા જ  છે, એટલે બીજા કરતાં વધુ મહેનત કરી તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા.પણ લક્ષ્ય પ્રાપ્ત થયા પછી જીવનની જે મોકળાશ હતી, તે મોકળાશને તેમણે પોતે જ તાળાં મારી દીધાં. બીજા કરતાં પોતાને અલિપ્ત થઈ ગયા, જયાં સુધી પદ અને હોદ્દો હતો ત્યારે સાહેબ કહેનારની ફૌજ હતી. તમે ઓફિસે પહોંચો ત્યારે ચેમ્બરનો દરવાજો ખોલવા માણસ હતો, કાર સુધી પહોંચો ત્યારે કારનો દરવાજો ખોલનાર ડ્રાઈવર હતો. આમ જીવનના એક એક તબકકે તમારી પાસે એવું કોઈ હતું, જેમણે તેમને જીવનની અગવડ પહોંચવા દીધી નહીં.

જીવનમાં આવેલું સુખ ચોક્કસ તમારી મહેનતનું પરિણામ હતું, પણ તેની સાથે ઈશ્વરની કૃપા અને તમારું તકદીર પણ હતું,પણ પદને કારણે મળતી વિશાળ સત્તાઓના ઘોંઘાટમાં આ બધું ભુલાઈ જાય છે, માત્ર ને માત્ર આદેશના સૂરમાં વાત કરવાની આદત પડી જાય છે. આપણે આદેશ આપવા જ જન્મ્યા છીએ તેવો ભ્રમ થવા લાગે છે. આપણે ભલે સાહેબ છીએ, પણ સામેવાળો પણ માણસ છે તે યાદ રહેતું નથી. આવું જીવનનાં ત્રીસ પાંત્રીસ વર્ષ ચાલે છે.

અચાનક એક દિવસ આપણને સરકાર યાદ અપાવે છે કે હવે તમે સાંઈઠના થયા. તમારી ઓવર પૂરી, ત્યારે આપણે અરીસા સામે ઊભા રહી પોતાને કહીએ છીએ અરે તું તો હજી ફીટ છે, પણ આપણો જન્મ દાખલો કહે છે બસ હવે ઘરે જવાનો સમય આવી ગયો છે, એવા અફસરોની પણ લાંબી યાદી છે જેમને હવે આવતી કાલથી કોઈ સાહેબ કહેશે નહીં, કોઈ સલામ કરશે નહીં તેવું જયારે યાદ આવે છે ત્યારે હ્રદય બેચેન થઈ જાય છે, જીવનનાં પાંત્રીસ વર્ષ સુધી રૂઆબ છાંટવા સિવાય કંઈ કર્યું નથી.

હું જ સરકાર ચલાવું છું તેવા ભારમાં કોઈના લગ્ન પ્રસંગે કે પછી મરણ પ્રસંગે પણ ગયા નહીં, જેઓ મિત્રો હતા, તેમને હમણાં બહુ કામ છે તેવું કહી અનેક વર્ષો રવાના કરી દીધા, નામ અને દામ કમાવાની દોટમાં એટલે દૂર નીકળી ગયા કે જીવનના વિશ્રામે નામ અને દામ બધું જ હતું, પણ પાછળ વળી જોયું તો બધા જ સંબંધો અને સંબંધીઓ તો બહુ દૂર થઈ ગયા હોય છે. હવે તેઓ સાથે ચાલવા તૈયાર  હોતા નથી.  આપણે  પાછા જઈ શકતા નથી  કારણ જિંદગીમાં રીવર્સ ગીયર હોતો નથી.

જ્યારે ભાન થાય છે કે આપણી જિંદગીનો એક મોટો તબકકો એવો પસાર થઈ ગયો કે આપણે ઊભી કરેલી જિંદગીમાં આપણે માનતા હતા કે બધા દોરીસંચાર આપણી પાસે છે અને અચાનક ખબર પડે છે કે આપણે પરિસ્થિતિની  કઠપૂતળી હતા, ત્યારે આપણે આસપાસની બીજી કઠપૂતળીઓ આપણને મશ્કરીઓ કરતી હોય તેવો ભાસ થાય છે.સાહેબ શબ્દનું એટલું વળગણ થઈ ગયું હોય છે કે હવે કોઈ સાહેબ કહેતું નથી અને આપણો આદેશ ચાલતો નથી તેવું જયારે ભાન થાય છે ત્યારે લાગે છે કે પોતાની જાતને ગોળી મારી દેવી, દેશમાં ફરતાં કરોડો લોકોની જેમ આપણે પણ એક સામાન્ય માણસ છીએ. હવે આપણે સાહેબ નથી અને આપણો આદેશ માનવો બીજા માટે જરૂરી નથી તેવું  સ્વીકારવું બહુ મુશ્કેલ હોય છે, જેના કારણે નિવૃત્ત થનાર મોટા ભાગના અધિકારીઓ પોતાની જાતને સમજાવવા માટે ભૂતકાળમાં તેમણે કરેલાં કામોને ઢાલ બનાવી ફરતા હોય છે કારણ તેમની પાસે વર્તમાન કહી શકાય તેવું કામ હોતું નથી.

આજે આપણો વર્તમાન આવતી કાલે ભૂતકાળ થઈ જવાનો છે તેની જેટલી ખબર વહેલી પડે એટલી ભવિષ્યની તકલીફમાં ઘટાડો થશે. કદાચ આપણે પૂર્વ સાહેબ થઈ જઈશું તેવું યાદ રહેશે તો અત્યારે સામે જે ઊભો છે તે પણ માણસ છે તે આપણને સતત યાદ રહેશે અને તે આપણને માણસ રહેવામાં મદદ કરશે. આ ઉપરાંત જેઓ પોતાની નિવૃત્તિની  આંધીના તોફાનને પહેલેથી ઓળખી લે છે તેમનો સાહેબકાળ બહુ સારો પસાર થાય છે કારણ તેઓ સાહેબ હોવા છતાં તેમને પ્રેમ કરનાર માણસો તેમની આસપાસ હોય છે અને જયારે તેઓ સાહેબ રહેતા નથી ત્યારે પણ તેમને સાહેબ કહેનાર લોકોની સંખ્યા નાની થતી નથી, એવા લાખો અધિકારીઓ છે, જેમણે પોતાના કાળમાં યોગ્ય કે અયોગ્ય રીતે ખૂબ સંપત્તિનું સર્જન કર્યું પણ નિવૃત્તિ પછી તેઓ એકલા છે. તેમની અંદરનો ભૂતકાળ તેમનો પીછો છોડતો નથી અને વર્તમાનમાં તેઓ જીવી શકતા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top