Columns

પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ થવાની કોઈ સંભાવના નથી

પાકિસ્તાન અને તાલિબાન કોઈ સમયે જીગરી દોસ્ત હતાં. અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકાતરફી સરકાર હતી ત્યારે અમેરિકા તાલિબાન સાથે કોઈ મંત્રણા કરવા માંગતું હોય તો તેણે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદ લેવી પડતી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાને જ્યારથી સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે, ત્યારથી તાલિબાન પાકિસ્તાનનું દુશ્મન બની ગયું છે. પાકિસ્તાનમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં તાલિબાનનો હાથ હોવાની પાકિસ્તાનને શંકા છે. આ કારણે જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન લડી રહ્યાં છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારના સંરક્ષણ મંત્રાલયે દેશના પૂર્વીય પ્રાંતોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓની સખત નિંદા કરી છે અને ચેતવણી આપી છે કે આ હુમલાઓનો યોગ્ય સમયે બળપૂર્વક જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનનાં લશ્કરી સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ત્રણ પ્રાંતો નંગરહાર, પક્તિકા અને ખોસ્તમાં સ્થિત TTP (તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન) અને અન્ય ઉગ્રવાદી સંગઠનોનાં સાત કેન્દ્રોનો નાશ કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં ૮૦ થી વધુ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. તાલિબાનનો દાવો છે કે આ હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષ લોકો માર્યા ગયાં છે.

ઓગસ્ટ ૨૦૨૧ માં અફઘાન તાલિબાને સત્તા કબજે કરી ત્યારથી પાકિસ્તાને કાબુલ અને અન્ય વિસ્તારોમાં અનેક હવાઈ હુમલાઓ કર્યા છે, જેના કારણે સરહદી અથડામણો થઈ છે. પાકિસ્તાન સરકાર સતત આરોપ લગાવતી રહી છે કે પ્રતિબંધિત ટીટીપીને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનું સમર્થન છે. તાલિબાન તેને પાકિસ્તાનનો આંતરિક મુદ્દો ગણાવે છે અને પાકિસ્તાનને તેની સુરક્ષા સુધારવાની સલાહ આપે છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે સરહદી અથડામણો અને ત્યાર બાદ કતાર અને તુર્કીની મધ્યસ્થી દ્વારા યુદ્ધવિરામને કારણે સંબંધોમાં તણાવ પેદા થયો છે. પાકિસ્તાનના હવાઈ હુમલા પછી પ્રશ્ન એ છે કે આગળ શું થશે?

અફઘાન બાબતો પર નજર રાખનારા વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર ઇફ્તિખાર ફિરદૌસના મતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પરંપરાગત યુદ્ધની હાલમાં કોઈ શક્યતા નથી. આ એક વિચિત્ર, નિરાશાજનક અને પુનરાવર્તિત ચક્ર છે જ્યાં પાકિસ્તાન હુમલો કરે છે, અફઘાન તાલિબાન બદલો લે છે, સરહદ પર તણાવ ફાટી નીકળે છે અને રાજદ્વારી વાટાઘાટો શરૂ થાય છે.

તાલિબાન માટે પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ લડવું શક્ય નથી, કારણ કે તેને લશ્કરી ક્ષમતાઓ, હવાઈ સંસાધનો, સપ્લાય ચેઇન અને પ્રશિક્ષિત સૈનિકોની જરૂર છે. અફઘાનિસ્તાનની આર્થિક પરિસ્થિતિ અને હાલનાં લશ્કરી સંસાધનોને જોતાં, એવી શક્યતા છે કે તેનો સંભવિત બદલો ફક્ત વિક્ષેપકારક પ્રવૃત્તિઓ જ હશે. તાલિબાન નજીકના ભવિષ્યમાં ચોક્કસપણે જવાબ આપશે, કારણ કે તે તેમના સન્માનનો પ્રશ્ન છે, પરંતુ સંપૂર્ણ યુદ્ધની કોઈ શક્યતા નથી.

ઇસ્લામાબાદની કાયદ-એ-આઝમ યુનિવર્સિટીમાં ગુપ્તચર અને સુરક્ષા અભ્યાસના સહયોગી પ્રોફેસર ડૉ. ખુર્રમ ઇકબાલે જણાવ્યું હતું કે પાકિસ્તાને અફઘાન તાલિબાનને ટીટીપી સામે નિર્ણાયક પગલાં લેવા માટે મનાવવા માટે તમામ શાંતિપૂર્ણ માધ્યમોનો ઉપયોગ કરી દીધો છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં TTPનાં સુરક્ષિત આશ્રયસ્થાનો અંગે પાકિસ્તાનની ચિંતાઓને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સ્વીકારી છે. એક વાર નહીં, પરંતુ ૨૦૨૩ થી શરૂ થયેલા સતત ત્રણ યુએન હેવાલે પુષ્ટિ આપી છે કે ટીટીપીના અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનો છે. આ બધાં શાંતિપૂર્ણ માધ્યમોનો ઉપયોગ કર્યા પછી, પાકિસ્તાનને બળનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણો અનુસાર, દસમાંથી આઠ અફઘાન પરિવારોને ટકી રહેવા માટે તેમના ઘરનો સામાન વેચવાની ફરજ પાડવામાં આવે છે.

ઇફ્તિખાર ફિરદૌસના મતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની પરિસ્થિતિમાં કંઈ નવું નથી, પરંતુ તાલિબાન પાસે TTP જેવાં સંસાધનો છે અને તેઓ પાકિસ્તાનમાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવવા માટે આવાં સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. અફઘાન તાલિબાન પાસે પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનનો સામનો કરવાની ક્ષમતાનો અભાવ છે, તેથી તેઓ ભૂતકાળની જેમ અપરંપરાગત યુક્તિઓનો આશરો લેશે. પાકિસ્તાનનાં મુખ્ય શહેરોમાં ઉગ્રવાદી હુમલાઓની સંખ્યા વધી શકે છે અને દેશના શહેરી વિસ્તારોમાં હિંસા વધી શકે છે. તાલિબાનને પાકિસ્તાન સાથે સંપૂર્ણ પાયે અથવા પરંપરાગત યુદ્ધ પરવડી શકે તેમ નથી કારણ કે તેઓ ગંભીર આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આગામી દિવસોમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર કેટલાક નકલી હુમલાઓ થઈ શકે છે. તેઓ તોપખાનાનો ઉપયોગ કરી શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારી દળો પાસે જે શસ્ત્રો છે તે મોટા ભાગે ત્રણ પ્રકારનાં હોય છે: ભૂતપૂર્વ અફઘાન સૈન્યનાં શસ્ત્રો અને સાધનો, અમેરિકા સહિત વિદેશી દળોને પાછાં ખેંચી લીધા પછી અફઘાનિસ્તાનમાં રહી ગયેલાં શસ્ત્રો અને કાળા બજારમાંથી તાલિબાને મેળવેલાં નવાં શસ્ત્રો, વગેરે. અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચેની અગાઉની સરહદી અથડામણોના કથિત વીડિયો દર્શાવે છે કે તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાન સામે મોટા ભાગે હળવાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે, જેમાં ભારે અને લાંબા અંતરનાં શસ્ત્રોના બહુ ઓછાં નિશાન છે.

યુએસ સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ ફોર રિકન્સ્ટ્રક્શન અને દેશના સંરક્ષણ મંત્રાલયના અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાનમાં વીસ વર્ષોમાં પાછલી સરકારને ૧૬ લાખથી વધુ હળવાં અને ભારે શસ્ત્રો અને વિવિધ લશ્કરી સાધનો પૂરાં પાડવામાં આવ્યાં હતાં. આમાંથી લગભગ ૭૦ ટકા શસ્ત્રો અથવા દસ લાખથી વધુ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથમાં ગયાં. હાલમાં તાલિબાન સરકારની સેનાના હાથમાં રહેલાં હળવાં શસ્ત્રોમાં મોટા ભાગે કલાશ્નિકોવ, અમેરિકન M-૧૬, M-૪ અને M-૨૯ લાઇટ મશીનગનનો સમાવેશ થાય છે.

આમાં પીકા એમ-૨ અને એમ-૨૪૦ જેવી ભારે મશીનગન, ગ્રેનેડ લોન્ચર, આરપીજી-૭ અને એટી-૪ જેવા રોકેટ લોન્ચર અને એન્ટી-ટેન્ક મિસાઇલોનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચાયા પછી પેન્ટાગોન દ્વારા જાહેર કરાયેલા અહેવાલો અનુસાર, અમેરિકાએ અગાઉના અફઘાન સરકારી દળોને જે ભારે સશસ્ત્ર વાહનો, જહાજો અને અન્ય ભારે લશ્કરી સાધનો પૂરાં પાડ્યાં હતાં તે પણ તાલિબાનના હાથમાં આવી ગયાં હતાં. આ ભારે શસ્ત્રોમાં D-૩૦ નામની ૧૨૨mm હોવિત્ઝરનો સમાવેશ થાય છે. આમાંથી ૧૦૦ થી ૧૨૦ તોપો હજુ પણ અફઘાનિસ્તાનમાં સેવામાં છે. આ ઉપરાંત, તાલિબાન પાસે ૧૫૫ મીમી હોવિત્ઝર મોર્ટાર અને ZT-૨૩-૨ જેવાં ઘણાં રશિયન શસ્ત્રો પણ છે.

અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકાર પર પાકિસ્તાનના ફાયદાનું એક પાસું તેની વાયુસેના અને આધુનિક ફાઇટર જેટ છે, જ્યારે તાલિબાન સરકાર પાસે તેનો સામનો કરવા માટે વાયુસેના નથી. તાલિબાનોને ગેરિલા યુદ્ધનો બહોળો અનુભવ છે, જે તેઓ લગભગ બે દાયકા સુધી અમેરિકા, નાટો અને ભૂતપૂર્વ અફઘાન સરકારી દળો સામે લડ્યા છે અને નિષ્ણાતો કહે છે કે આ અનુભવ આજે પણ તેમની લશ્કરી વ્યૂહરચનાનો આધાર છે. ઓક્ટોબર ૨૦૨૫ માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર થયેલી અથડામણો બાદ, અફઘાન સુરક્ષા નિષ્ણાત બિસ્મિલ્લાહ તાબાને જણાવ્યું હતું કે તાજેતરની અથડામણોના વીડિયો અને અન્ય પુરાવાઓ સૂચવે છે કે તાલિબાન હજુ પણ હળવાં હથિયારોથી સજ્જ ગેરિલા જૂથ તરીકે લડી રહ્યાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top