National

‘કોઈ કાયમી મિત્ર કે શત્રુ નથી…’, ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહી આ વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી.

રાજનાથ સિંહે કહ્યું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખવા પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને દરરોજ નવા પડકારો ઉભરી રહ્યા છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘મહામારી હોય, આતંકવાદ હોય કે પ્રાદેશિક સંઘર્ષ હોય, આ સદી અત્યાર સુધીની સૌથી અસ્થિર અને પડકારજનક સાબિત થઈ છે.’

આત્મનિર્ભરતા હવે કોઈ વિકલ્પ નથી, તે એક જરૂરિયાત છે: રાજનાથ
આત્મનિર્ભરતા પર ભાર મૂકતા સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘આજે આત્મનિર્ભરતા માત્ર લાભ નહીં પણ જરૂરિયાત બની ગઈ છે. પહેલા તેને એક વિશેષાધિકાર માનવામાં આવતું હતું, હવે તે આપણા અસ્તિત્વ અને પ્રગતિ માટે અનિવાર્ય છે.’ તેમણે વધુમાં કહ્યું કે ભારત કોઈને પણ દુશ્મન માનતું નથી પરંતુ ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોના હિત સૌથી મહત્વપૂર્ણ છે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે બદલાતા ભૂરાજનીતિએ સ્પષ્ટ કરી દીધું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં બાહ્ય નિર્ભરતા હવે કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે 2014 માં ભારતની સંરક્ષણ નિકાસ ₹700 કરોડથી ઓછી હતી જ્યારે આજે તે લગભગ ₹24,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. આનો અર્થ એ છે કે ભારત હવે ફક્ત ખરીદનાર જ નહીં પરંતુ સંરક્ષણ ઉત્પાદક અને નિકાસકાર પણ બની રહ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાની ક્ષમતા પર ભાર મૂક્યો અને કહ્યું, ‘આપણા દળોએ સ્વદેશી સાધનો સાથે લક્ષ્યો પર ચોક્કસ હુમલા કર્યા જે દર્શાવે છે કે મિશનની સફળતા માટે દૂરંદેશી, લાંબી તૈયારી અને સંકલન જરૂરી છે.’ રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે ફક્ત થોડા દિવસોની લડાઈ નહોતી પરંતુ તેની પાછળ વર્ષોની વ્યૂહાત્મક તૈયારી અને સંરક્ષણ તૈયારીઓનો લાંબો ઇતિહાસ હતો. તેમણે કહ્યું, ‘જેમ કોઈ ખેલાડી થોડીક સેકન્ડમાં રેસ જીતી લે છે, પણ તેની પાછળ મહિનાઓ અને વર્ષોની મહેનત છુપાયેલી હોય છે, તેવી જ રીતે આપણા દળોએ વર્ષોની તૈયારી, મહેનત અને સ્વદેશી સાધનોથી પસંદ કરેલા લક્ષ્યો પર અસરકારક કાર્યવાહી કરી.’

Most Popular

To Top