Comments

યુવાનો જેટલી વિસ્ફોટક ચીજ બીજી એકેય નથી

દેશમાં શિક્ષણના ક્ષેત્રમાં જે ઘટનાઓ બની રહી છે તેને એક સાથે જોવી જોઈએ. તેના દ્વારા  એક આખું ચિત્ર તમારી સમક્ષ ઊભું થશે અને તેની ગંભીરતાનો ખ્યાલ આવશે. ૧. આજકાલ કોઈ એવી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં હોય જેનાં પેપર ફૂટતાં ન હોય. ૨. પૂજા ખેડકર નામની પૂનાની છોકરીએ વિકલાંગનું સર્ટીફીકેટ ખરીદવા સહિત દરેક પ્રકારના ગોરખધંધા કરીને દેશની સનદી સેવામાં નોકરી મેળવી હતી. ૩. દેશમાં કોચિંગ ક્લાસોનો રાફડો ફાટ્યો છે અને તે પ્રવેશથી લઈને પાસ કરી આપવા સુધીની દરેક પ્રકારની સેવા આપે છે. ૪. રાજસ્થાનમાં કોટા નામનું શહેર શિક્ષણનું મોટું માર્કેટ બની ગયું છે અને ત્યાં એવી ગળાંકાપ હરીફાઈ ચાલે છે કે હવે તેના વિષે ફિલ્મો અને વેબ સીરીઝ બનવા લાગી છે.

૫. એવો ભાગ્યે જ કોઈ દિવસ જતો હશે જ્યારે દેશમાં કોઈ ને કોઈ સ્થળે કોઈ વિદ્યાર્થીએ નિષ્ફળતાના કારણે અથવા નિષ્ફળતાના ડરને કારણે કે પછી તેની સાથે કોચિંગ ક્લાસવાળાઓએ કે નોકરી અપાવનારા દલાલોએ કરેલી છેતરપિંડીના કારણે આત્મહત્યા ન કરી હોય. વિદ્યાર્થીની આત્મહત્યા એ હવે ન્યુઝ નથી રહ્યા. ૬. દિલ્હીમાં ભોંયતળિયે ચાલતા એક કોચિંગ ક્લાસમાં વરસાદનાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓનાં મોત.

૭. ભારતનાં વિદ્યાર્થીઓ જગતના એવા એવા દેશોમાં ભણવા જાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી હોય! અત્યારે બાંગલા દેશમાં અનામત વિરોધી આંદોલન ચાલી રહ્યું છે એટલે બાંગલા દેશમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ પાછાં ફરી રહ્યાં છે. તસ્વીરો જોઈ હશે. ભારતનાં વિદ્યાર્થીઓ જ્યાં કંગાળ શૈક્ષણિક સ્તર છે એવા દેશોમાં ભણવા જાય છે. ૮. શિક્ષણ એટલું મોંઘું છે કે મા-બાપોને જમીન-જાયદાદ વેચવી પડે છે અથવા ગિરવે મૂકવી પડે છે અને તે ક્યારેય છોડાવી શકતાં નથી.

૯. સંપન્ન પરિવારનાં બાળકો વિદેશ ભણવા જઈ રહ્યાં છે અને ત્યાં જ વસવાનો પ્રયાસ કરે છે. ૧૦. ભારતનું નાગરિકત્વ છોડવાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ગયા વર્ષે ૨,૨૫,૬૨૦ લોકોએ દેશનું નાગરિકત્વ છોડ્યું હતું. ૧૦. શિક્ષણનું વ્યવસાયીકરણ તો ક્યારનું થઈ રહ્યું છે અને હવે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ૧૧. દેશમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે, જેમાં મધ્યમ વર્ગનું સંતાન ભણી શકે એમ નથી.

૧૨. સરકારી કે સરકારી અનુદાન દ્વારા ચાલતી દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દુત્વવાદીઓને બેસાડવામાં આવ્યાં છે જેમનું બૌદ્ધિક સ્તર તેજસ્વી વિદ્યાર્થીઓ કરતાં પણ ઓછું છે. તેઓ હજુ દ્વાપર અને ત્રેતાયુગમાંથી બહાર નથી આવ્યાં. ૧૩. આજકાલ મિડિયામાં તમને વિકાસ દિવ્યકીર્તિ સર, અવધ ઓઝા સર અને બીજા સરોની મુલાકાત જોવા મળતી હશે. આનું કારણ એ છે કે મિડિયાને આજે સૌથી વધુ આવક આ સરલોકો પાસેથી થાય છે, એટલે તેમની ખુશામત કરવી પડે છે.

૧૪. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દેશમાં ભણવાની ઉંમર વીતી ગઈ હોય એવાં ૧૯.૯ ટકા યુવાનો હજુ આજે પણ અશિક્ષિત છે. જે ૮૧.૧ ટકા વિદ્યાર્થીઓ ભણેલાં છે એમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા સુધી પહોંચ્યાં હોય એવાં કેટલાં? ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના છેલ્લામાં છેલ્લા અહેવાલ મુજબ ૨૮.૪ ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા સુધી પહોંચે છે. બાકીનાં વિદ્યાર્થીઓ કોલેજ સુધી પહોંચતાં જ નથી. આનો અર્થ એ થયો કે દેશના લગભગ ૮૦ ટકા યુવાનો હજુ શિક્ષણના બજારમાં ગ્રાહક તરીકે આવ્યા જ નથી. કલ્પના કરો કે જો પ્રત્યેક યુવા શિક્ષણના બજારમાં પ્રવેશતો હોત તો શૈક્ષણિક વ્યવસ્થાનું શું થાત!

૧૫. પણ ચિંતા કરવાની જરૂર નથી, આપણે વિશ્વગુરુ છીએ. દુનિયા આપણા પગ ચૂમવાની છે, ચૂમવાની છે શું, ચૂમવા લાગી છે અને દેશના શિક્ષણ પ્રધાને ગયા અઠવાડિયે લોકસભામાં કહ્યું હતું કે કોઈ પેપર ફૂટ્યાં જ નથી. ૨૦૨૦ના જૂન મહિનામાં વડા પ્રધાને જેમ દેશને કહ્યું હતું કે ચીને ભારતમાં પ્રવેશ કર્યો જ નથી. આપણને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં અમૃતકાલ ચાલી રહ્યો છે. પહેલી ૧૪ વાસ્તવિકતા છે અને પંદરમી પ્રતિક્રિયા છે, પ્રતિસાદ છે.

આ બધાં બિંદુઓને જોડશો તો શું નજરે પડે છે?
૧. આઝાદીનાં ૭૭ વર્ષ પછી પણ આપણે પોણા ભાગનાં યુવાઓને તેમને મળવું જોઈતું શિક્ષણ આપી શકતાં નથી. તેઓ ઉચ્ચ શિક્ષણની કલ્પના પણ કરી શકે એમ નથી. ૨. દેશના માત્ર ચોથા ભાગનાં યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એમ છે અને મેળવવા માગે છે, પરંતુ તેમને પણ આપણે ઉચ્ચ શિક્ષણ આપી શકતાં નથી અને આપીએ છીએ તો તેની ગુણવત્તાના પ્રશ્નો છે. એટલે તેમને એવા પછાત દેશોમાં ભણવા જવું પડે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય.

૩. સમસ્યા માગ અને પુરવઠાની છે. જેટલી માગ છે એટલી બેઠકો નથી એટલે શિક્ષણનું વ્યવસાયીકરણ થયું છે અને અછતના માર્કેટમાં જોવા મળતી દરેક પ્રકારની ગેરરીતિઓ અહીં પણ જોવા મળી રહી છે. ૪. શિક્ષણ સ્પર્ધાત્મક બની ગયું છે એટલે યુવાનોની અંદર હતાશા વધી રહી છે. આર્થિક રીતે પરિવારો અને ભાવનાત્મક રીતે યુવાનો ભાંગી રહ્યા છે. આ એક દિવસ વ્યાપક અરાજકતા અને હિંસાનું કારણ બની શકે એમ છે.

૫. ગાંડી સ્પર્ધા એટલા માટે ચાલી રહી છે કે દરેક યુવાન નોકરી કરવા માગે છે અને નોકરી નથી. આખો દેશ કેવી રીતે નોકરિયાત બની શકે? પણ આ માટે નોકરી મેળવવા માગતો ઈચ્છુક જવાબદાર નથી, શાસકો જવાબદાર છે. શિક્ષણને સ્પર્ધા સાથે અને સ્પર્ધાને નોકરી સાથે જોડી દીધાં છે. જીવનનિર્વહનનાં બીજાં માધ્યમોની પ્રતિષ્ઠા જ નથી અને હવે આ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના યુગમાં હજુ નોકરી ઘટવાની છે.

જો ઉપર કહ્યાં એ બિંદુઓને જોડશો તો સ્થિતિ ઉપર કહી એવી નજરે પડે છે.  હવે વિચારો કે તમે જો શાસક હો તો તમે શું કરો અને એ તરફ પણ નજર કરો કે આત્યારના આપણાં શાસકો શું કરી રહ્યાં છે. પહેલા પ્રશ્નનો જવાબ તમારે વિચારવાનો છે અને બીજા પ્રશ્નનો જવાબ સામે છે. તેઓ નિશ્ચિંત છે. એટલાં નિશ્ચિંત કે આપણને અકળામણ થાય. કદાચ તેઓ એમ માને છે કે પોતાને વિશ્વગુરુ જાહેર કરી દીધા એટલે ભણતરની દુનિયામાં પ્રવેશવા માગનારાઓ ઘરે જતાં રહેશે. હવે ભણવાની શી જરૂર છે, આપણે તો આખા વિશ્વના ગુરુ છીએ. તેઓ આગ સાથે રમત રમી રહ્યા છે અને યુવાનો જેટલી વિસ્ફોટક ચીજ બીજી એકેય નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top