Business

ભારતમાં કોમન સિવિલ કોડની કોઈ જરૂર નથી

ભારતની સભ્યતા હજારો વર્ષ જૂની છે. ભારતની વિશેષતા તેનું બહુરંગીપણું છે. બહુરંગી સમાજ તેને કહેવાય, જેમાં અનેક જ્ઞાતિઓ, જાતિઓ, ધર્મો, ભાષાઓ, રીતરિવાજો, ખાણીપીણીની રીતભાતો, વિભિન્ન વેશભૂષાઓ અને માન્યતાઓ હોય; છતાં પ્રજા સંપીને રહેતી હોય. ભારતનાં હજારો વર્ષોના ઇતિહાસમાં સમાન નાગરિક ધારાની જરૂર નહોતી પડી, કારણ કે પ્રાચીન ભારતમાં જે શાસનપદ્ધતિ હતી તે ખરા અર્થમાં લોકશાહી અને વિકેન્દ્રિત પદ્ધતિ હતી. સમ્રાટ અશોકથી પૃથ્વીરાજ ચૌહાણ સુધી ભારતમાં જે રાજાઓ થઇ ગયા તેઓ પોતાનું રાજ વિકેન્દ્રિત રીતે જ ચલાવતા હતા. હવે ભારતમાં કેન્દ્રના હાથમાં અમાપ સત્તા આવી જતાં સમાન નાગરિક ધારાની જરૂર વર્તાઇ રહી છે.

ભારતીય પ્રજાજીવનના ચાર મુખ્ય પાસાંઓ નક્કી કરવામાં આવ્યાં હતાં : રાજકીય, ધાર્મિક, આર્થિક અને સામાજિક. આ ચાર પૈકી રાજાની સત્તા માત્ર રાજકીય પાસાં પૂરતી જ મર્યાદિત હતી. રાજાનું કાર્ય દેશના સીમાડાઓની અને પ્રજાની રક્ષા કરવાનું હતું, જે માટે તેને મર્યાદિત પ્રમાણમાં કરવેરા ઉઘરાવવાની સત્તા આપવામાં આવી હતી. ધાર્મિક સત્તા સંપૂર્ણપણે ધર્મગુરુઓના હાથમાં હતી. રાજા કે તેના પ્રધાનો તેમાં જરા જેટલી પણ દખલગીરી કરી શકતા નહોતા. આર્થિક સત્તા સંપૂર્ણપણે વેપારી વર્ગના હાથમાં હતી, જેના વડા નગરશેઠ ગણાતા હતા. પ્રાચીન ભારતમાં ખરા અર્થમાં મુક્ત વેપાર હતો. રાજા પોતે વેપાર કરતો નહીં અને વેપારધંધામાં દખલ કરતો નહીં. સામાજિક બાબતોની તમામ સત્તા જ્ઞાતિના વડાઓના હાથમાં કેન્દ્રિત હતી. લગ્ન, વારસો, છૂટાછેડા, પરિવાર, બાળસંસ્કરણ, યુવાશિક્ષણ વગેરે બાબતો જ્ઞાતિના વડાઓ નક્કી કરતા હતા. તેમાં કોઇ ઝઘડા થાય તો તેનો ઉકેલ પણ જ્ઞાતિનું પંચ કરતું હતું, માટે તેમાં રાજાની જરૂર પડતી નહોતી. દરેક જ્ઞાતિના રીતરિવાજો અલગ હતા, માટે કાયદાઓ પણ અલગ હતા, તો પણ સમાન કાયદાની જરૂર નહોતી.

ભારતમાં બ્રિટિશર્સ આવ્યા તેમણે રાજ્યની વ્યાખ્યા જ બદલી નાખી. બ્રિટિશર્સ ભારતના રાજકીય ઉપરાંત આર્થિક, સામાજિક અને ધાર્મિક વ્યવહારો પર પણ પોતાનું શાસન ચલાવતા હતા, માટે તેમણે આ ત્રણેય ક્ષેત્રોમાં પોતાની દખલ દેવાનો પ્રારંભ કર્યો. વેપાર ઉપર પોતાનો અંકુશ જમાવીને દેશને લૂંટવા માટે તેમણે ભારતના વેપારીઓ પર આકરા અંકુશો લાદ્યા. ભારતના સામાજિક જીવન પર કબજો જમાવવા માટે સમાન નાગરિક ધારાની વિચારણા પણ બ્રિટિશ શાસનમાં શરૂ થઇ હતી. અંગ્રેજ સરકાર ભારતીય પ્રજાના સામાજિક જીવન પર પણ પોતાના કાયદાઓનું પ્રભુત્વ જમાવવા માગતી હતી પણ હિન્દુ તેમ જ મુસ્લિમ ધર્મગુરુઓના વિરોધના ડરથી તેમ કરવામાં ગભરાતી હતી. તેમાં તેમને વિધવાવિવાહની ઝુંબેશ ચલાવતા ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા કેટલાક સુધારકોનો સાથ મળી ગયો. ઇ.સ.૧૮૬૫માં બ્રિટિશ સરકારે વિધવા મહિલાઓને તેમના પિતાની કે પતિની સંપત્તિમાં ભાગ અપાવવા ઇન્ડિયન સક્સેસન એક્ટ નામનો કાયદો કર્યો, જે હિન્દુ મહિલાઓને પણ લાગુ પડતો હતો. ઇ.સ.૧૮૬૪માં માત્ર ખ્રિસ્તીઓ માટે ઇન્ડિયન મેરેજ એક્ટ લાગુ કરવામાં આવ્યો. ઇ.સ.૧૯૨૩માં મેરીડ વિમેન્સ પ્રોપર્ટી એક્ટ નામનો કાયદો પસાર કરવામાં આવ્યો.

ઇ.સ.૧૯૩૭માં બ્રિટિશ સરકારે માત્ર હિન્દુઓ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે કમિટિ બનાવી, જેનું સુકાન બી.એન. રાવ નામના કાયદાવિદને સોંપવામાં આવ્યું. રાવ કમિટિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ખાસ કરીને હિન્દુ મહિલાઓને અન્યાયનો ભોગ બનતી અટકાવવા માટે સમાન નાગરિક ધારાની આવશ્યકતા છે પણ તેનું કેન્દ્રબિંદુ હિન્દુ સમાજ જ હોવો જોઇએ. ઇ.સ.૧૯૪૪માં ફરીથી રાવ કમિટિનું ગઠન કરવામાં આવ્યું. આ વખતે તેમને સમગ્ર ભારતની પ્રજાને સાંકળી લે તેવો સમાન નાગરિક ધારો બનાવી શકાય કે કેમ? તે વિચારવાનું સોંપવામાં આવ્યું હતું. બી.એન. રાવે પોતાનો રિપોર્ટ ઇ.સ.૧૯૪૭માં બ્રિટિશ સરકારને સુપરત કરી દીધો હતો. આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં સમાન નાગરિક ધારો ઘડવાનાં બીજ બ્રિટિશ રાજ દરમિયાન રોપાયાં હતાં.

બ્રિટિશ અદાલતોમાં જ્યારે હિન્દુઓના લગ્ન, વારસા, છૂટાછેડા વગેરેના કેસો આવતા હતા ત્યારે તેના ચુકાદા હિન્દુ શાસ્ત્રો મુજબ આપવામાં આવતા હતા. ઇ.સ.૧૯૩૭માં બ્રિટિશ સરકારે મુસ્લિમો માટે શરિયતના આધારે મુસ્લિમ પર્સનલ લો નામના કાયદા બનાવ્યા. તેનો અમલ કરવા માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સ્થાપના કરવામાં આવી. ઇ.સ.૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે પછી ઇ.સ.૧૯૪૮થી ૧૯૫૦ વચ્ચે બંધારણ સભામાં રાવ કમિટિના રિપોર્ટ બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી પણ બંધારણના ઘડવૈયાઓમાં મતભેદ પડતાં કોમન સિવિલ કોડનો સમાવેશ મૂળભૂત હક્કોની યાદીમાં કરવાને બદલે ૪૪મી કલમના રૂપમાં માર્ગદર્શક સિદ્ધાંતોની યાદીમાં કરવામાં આવ્યો હતો.

હિન્દુ કોડ બિલ્સ કાયદાઓ બનવાને કારણે હિન્દુ સમાજમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યાં. હિન્દુ મેરેજ એક્ટને કારણે હિન્દુ સમાજમાં સદીઓથી ચાલી આવતી બહુપત્નીત્વની પ્રથા ગેરકાયદે જાહેર કરવામાં આવી. વળી જે ઉપલા વર્ણના હિન્દુઓમાં છૂટાછેડાની મનાઇ કરવામાં આવી હતી તેને કાયદેસર માન્યતા આપવામાં આવી. હિન્દુ સક્સેસન એક્ટ દ્વારા પિતાની મિલકતમાં પુત્રીનો વારસાહક્ક પણ માન્ય કરવામાં આવ્યો. આજે પણ ઘણા હિન્દુઓ માને છે કે હિન્દુ કોડ બિલ્સને કારણે લગ્નસંસ્થા તૂટવાના આરે આવી ગઇ છે અને સંયુક્ત પરિવારોમાં વિખવાદ પેદા થયો છે. હિન્દુ કોડ બિલ્સનો ઉગ્ર વિરોધ કરનારા કટ્ટર હિન્દુત્વવાદીઓને લાગ્યું કે સરકારે માત્ર હિન્દુ પ્રજાના માથે હિન્દુ કોડ બિલ્સ ઠોકી બેસાડ્યાં છે, જ્યારે મુસ્લિમોનો શરિયતના કાનૂન મુજબ વર્તવાનો અધિકાર અકબંધ રાખવામાં આવ્યો છે. આ લાગણીમાંથી હિન્દુ કોડ બિલ્સનો વિરોધ કરનારાં સંગઠનો દ્વારા જ હવે સમાન નાગરિક ધારાની તરફેણ કરવાનું શરૂ થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના એજન્ડામાં સમાન નાગરિક ધારાની માગણી સામેલ કરી, જેને ભાજપે પણ અપનાવી લીધી છે.

Most Popular

To Top