હર્ષ સંઘવી ની ચીમકી જો કોઈ સલીમ અગર સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડ્યે
સુરત :ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર હવે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006ના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. સરકારનો મુખ્ય હેતુ પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવાનો તેમજ લગ્ન નોંધણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાનો છે.
ગૃહમાં નિવેદન આપતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે, “પ્રેમથી કોઈ વાંધો નથી,પરંતુ કોઈ સલીમ જો સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને છોડવામાં નહીં આવે.” તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે.
30 દિવસમાં મંગાવાયા વાંધા અને સૂચનો:સરકારે આ સુધારાઓ માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાના મંતવ્યો આપી શકશે. મળેલા સૂચનોના આધારે નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

લાખો પરિવારોની પીડાને ધ્યાનમાં રાખીને નિર્ણય: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને તેના કારણે પરિવારોમાં ઉભી થતી સમસ્યાઓ અંગે વિવિધ સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ તેમજ ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી દરમિયાન માતા-પિતાની સહી ફરજિયાત બનાવવી જોઈએ અને લગ્ન તે જ વિસ્તાર,ગામ કે તાલુકામાં નોંધાવવા જોઈએ.
વિરોધ પક્ષે પણ આવકાર્યું પગલું:આ મુદ્દે માત્ર સત્તાધારી પક્ષ જ નહીં પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ પણ સમર્થન આપ્યું છે. વિધાનસભામાં હેમંત ખવાએ સરકારના આ નિર્ણયને આવકારતા કહ્યું કે આ ગુજરાતની વર્ષોથી ચાલતી પીડા છે અને આ મુદ્દે તેઓ લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા.

સામાજિક માળખું જાળવવાનો પ્રયાસ:હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ મુદ્દે મુખ્ય મંત્રી ભ્પેન્દ્રભાઈ પટેલ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. વિવિધ સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે કે જેથી સમાજમાં સંતુલન જળવાઈ રહે અને કોઈ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીમાં ડિજિટાઈઝેશન, સ્થાનિક સાક્ષીઓની હાજરી અને પારદર્શક પ્રક્રિયા પર પણ ભાર મૂકવામાં આવશે.
હવે શું રહેશે આગળ? આ સુધારા માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. હવે આગામી 30 દિવસમાં મળનારા સૂચનો બાદ સરકાર માતા-પિતાની સંમતિ સહિતના મુદ્દાઓને કઈ રીતે કાયદાકીય સ્વરૂપ આપે છે તે જોવાનું રહેશે.